Western Times News

Gujarati News

સાયરસ મિસ્ત્રી અકસ્માત, ૧૫૨ પાનાની ચાર્જશીટ દાખલ

પાલઘર, મહારાષ્ટ્રની પાલઘર પોલીસે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી છે. ૧૫૨ પાનાની આ ચાર્જશીટમાં પોલીસે અકસ્માત માટે બેદરકારી અને ઓવરસ્પીડને મુખ્ય મુદ્દાઓ ગણાવ્યા છે.

ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કાર ચલાવનાર ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે માત્ર શોલ્ડર સીટ બેલ્ટ પહેર્યો હતો. તેણે પેલ્વિક સીટ બેલ્ટ (બેલ્ટની નીચેનો ભાગ) પહેર્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, સાયરસ મિસ્ત્રીનું ૪ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. મિસ્ત્રીના મિત્ર જહાંગીર દિનશા પંડોલેનું પણ આ અકસ્માતમાં નિધન થયું હતું.

જણાવી દઈએ કે, મિસ્ત્રી મર્સિડીઝ બેન્ઝ GLC 220 D 4MATICમાં મુસાફરી કરી રહ્યા હતા. મુંબઈની ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે આ કાર ચલાવી રહી હતી. તેની બાજુમાં તેનો પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા. કારની પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશાએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો અને આ જ તેમના મૃત્યુનું કારણ માનવામાં આવે છે.

જ્યારે આગળની સીટ પર બેઠેલા અનાહિતા અને ડેરિયસે સીટ બેલ્ટ પહેર્યા હતા, આથી તેમનો જીવ બચી ગયો હતો. પરંતુ ચાર્જશીટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અનાહિતા પંડોલે પેલ્વિક સીટ બેલ્ટ પહેર્યો ન હતો. આ અકસ્માતમાં અનાહિતા અને તેનો પતિ ડેરિયસ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ, ડૉ. અનાહિતા પંડોલેને ૧૦૮ દિવસની સારવાર બાદ ૨૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રજા આપવામાં આવી હતી. તેમને સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ પાલઘર પોલીસે નવેમ્બરમાં ડૉક્ટર અનાહિતા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમની સામે IPC કલમ ૩૦૪ (છ), ૨૭૯, ૩૩૭ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જાે આ મામલાઓમાં દોષી સાબિત થાય તો તેને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અનાહિતા પંડોલે પર ટ્રાફિકના નિયમો તોડવાનો ઈતિહાસ છે.

૨૦૨૦થી અત્યાર સુધીમાં ઘણી વખત તેમની ઓવર-સ્પીડિંગ માટે ચલણ કાપવામાં આવ્યા છે. પાલઘરના પોલીસ અધિક્ષક બાળાસાહેબ પાટીલે કહ્યું હતું કે, ‘ડૉ. અનાહિતા હાઇ સ્પીડમાં ડ્રાઇવિંગ કરતી વખતે ઓછામાં ઓછી સાત વખત સ્પીડ કેમેરામાં કેદ થઈ છે. તેમણે કહ્યું કે, આ ઘટનાઓ ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૨માં અકસ્માતના દિવસ સુધી બની હતી. પોલીસે કહ્યું હતું કે, તેની સામેના ઈ-ચલાનને હવે ચાર્જશીટનો ભાગ બનાવવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.