બુમરાહના ઈંગ્લેન્ડ સામેના બોલિંગ સ્પેલને વિઝડને ર૦રરનો બેસ્ટ સ્પેલ જાહેર કર્યો
બુમરાહે ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન ડેમાં ૭.ર ઓવરમાં માત્ર ૧૯ રન આપી છ વિકેટ ઝડપી હતી
(એજન્સી) લંડન, ભલે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વર્ષ ર૦રરમાં બહુ ક્રિકેટ ના રમ્યો હોય. આમ છતાં તેણે પોતાની છાપ છોડવામાં કોઈ કસર બાકી રાખી નથી. બુમરાહ ર૦રરમાં કુલ ૧પ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો, જેમાં પાંચ વન ડે પણ સમેલ છે. તેણે આ ત્રણ વન ડે દક્ષિણ આફ્રિકમાં અને બે વન ડે ઈંગ્લેન્ડમાં રમી. માત્ર પાંચ વન ડે રમવા છતાં બુમરાહે કંઈક એવી કમાલ કરી છે તેની પ્રશંસા વિઝડને પણ કરવી પડી છે. વિઝડને બુમરાહે ઈંગ્લેન્ડ સામે ફેંકેલ બોલિંગ સ્પેલને વર્ષનો બેસ્ટ વન ડે સ્પેલ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે બુમરાહને હવે શ્રીલંકા સામે રમાનારી આગામી વન-ડે શ્રેણી માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બુમરાહે ઈંગ્લેન્ડ સામે ગત ૧ર જુલાઈએ ઓવલમાં રમાયેલી વન ડે મેચમાં ઘાતક બોલિંગ કરી હતી. તેણે ૭.ર ઓવરમાં ત્રણ મેઈડન ફેકતા માત્ર ૧૯ રન ખર્ચ કર્યા હતા અને છ વિકેટ પોતાના નામે નોંધાવી હતી. આ બુમરાહની વન ડે કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. બુમરાહની એ બોલિંગના કારણે જ ઈંગ્લેન્ડની ટીમનો વાવટો ૧૧૦ રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. જવાબમાં ભારતે રોહિત શર્માની ૭૬ રનની ઈંનિગ્સની મદદથી વિના વિકેટે માત્ર ૧૮.૪ ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.
ગત જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો કર્યા બાદ બુમરાહને લગભગ એક મહિનાનો બ્રેક મળ્યો હતો અને પછી સપ્ટેમ્બરમાં તેણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-ર૦ શ્રેણી સાથે વાપસી કરી હતી. એ શ્રેણીમાં બુમરાહને ઈજા થઈ અને તે એશિયાકપમાંથી બહાર થઈ ગયો હતો. હવે ભારતના આંગણે શ્રીલંકા સામે રમાનારી ત્રણ મેચની વન-ડે મેચની શ્રેણી સાથે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે.