Western Times News

Gujarati News

અંબાજીમાં હાથીની અંબાડી પર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી

શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

(માહીતી બ્યુરો,પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે જગતજનની માં અંબાના પ્રાગટ્યોત્સવ- પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂનમ એ માં આંબાનો પ્રાગટય દિવસ હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા- જ્યોતયાત્રા, મહાશક્તિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં દાંતા પ્રાંત અધિકારી અને મંદિરના વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્માએ માતાજીની પૂજા કરીને મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહાશક્તિ યજ્ઞમાં ૬૧ જેટલાં યજમાનો જાેડાઇને યજ્ઞમાં આહૂતિ આપી હતી.

ત્યારબાદ અંબાજી મંદિરના શક્તિદ્વારથી માતાજીની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળી હતી. દર વર્ષે પોષી પૂનમના પવિત્ર દિવસે માં અંબા વર્ષમાં એકવાર અંબાજી નગરની પરિક્રમા કરવા હાથી પર સવાર થઇ નીકળે છે. વહેલી સવારે-૮.૦૦ વાગે ગબ્બર ખાતેથી માતાજીની જ્યોત લાવ્યા બાદ અંબાજી મંદિર ખાતે મા અંબાની મૂર્તિની પૂજા અર્ચના કર્યા બાદ શક્તિદ્વાર ખાતે માં અંબાની મહાઆરતી કરવામાં આવી હતી.

શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સહયોગથી છેલ્લા ૨૯ વર્ષથી માતાજીની શોભાયાત્રા પોષી પૂનમના દિવસે નીકાળવામાં આવે છે. અંબાજી શક્તિપીઠમાં પોષી પૂનમની આ પૂર્ણિમાને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સુખડી પૂનમ તરીકે પણ ઓળખાય છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરની ભોજન શાળામાં ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે વહેલી સવારે મહાશક્તિ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. જે સાંજે-૫.૦૦ વાગે નારિયળ હોમીને પૂર્ણાહુતી અપાઈ હતી.

અંબાજી શક્તિ દ્વારથી નિકળેલી આ શોભાયાત્રામાં ફૂલોની તોપ અને ૩૦ કરતાં વધુ ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ શોભાયાત્રામાં શાળાની બાળકીઓ દ્વારા આદિવાસી નૃત્ય, ઊંટ, હાથી, ઘોડા અને વિવિધ ટેબ્લો પણ જાેવા મળ્યા હતા. માતાજીની શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પોષી પૂનમે બપોરે-૧૨.૦૦ વાગે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને અંબાજી મંદિરમાં મા અંબા ના ગર્ભગૃહમાં ૫૬ ભોગનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના નૃત્ય મંડપ પાસે શાકંભરી નવરાત્રિ ચાલતી હોવાથી માતાજીને શાકભાજીનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો.

સમગ્ર અંબાજી ભક્તિમય વાતાવરણમાં તરબોળ બની ગયું હતું અને લાખો માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલ પણ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માઇભક્તોને દર્શન માટે કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.