Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વીડિયો કોલ ઉપાડવાનો ભારે પડ્યોઃ યુવતીએ 2.69 કરોડ પડાવ્યા

honey trap

(એજન્સી)અમદાવાદ, અજાણી લિન્ક પર ક્લિક ન કરવાની અનેકવાર ચેતવણીઓ છતાં લોકો ક્લિક કરવાનું ચૂકતા નથી. તંત્ર વારંવાર ચેતવણીઓ આપી રહ્યું છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. સોશિયલ મીડિયા પર મેસેજ કરીને ભોળવીને વીડિયો કોલ બાદ વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવીને વીડિયો ક્લીપના નામે વાયરલ કરવાને નામે લાખો રૂપિયા વસૂલાઈ રહ્યાં છે.

આ નવાઈની બાબત નથી. ગુજરાતમાં આ પ્રકારના સતત કેસ વધી રહ્યાં છે. આ જાણવા છતાં લોકો ખૂબસુરત છોકરીઓના ફોટોગ્રાફ જાેઈને લલચાઈ જાય છે. આવો જ એક કેસ અમદાવાદમાં નોંધાયો છે. શહેરના એક બિઝનેસ મેનને વીડિયો કોલ પર વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવીને તે વીડિયો ક્લીપ વાયરલ કરવાની ધમકી આપીને ૨.૬૯ કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનને રાતના સમયે કોઈ યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે મોરબીથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. આ સમયે એકાએક આવેલા ફોનને પગલે બિઝનેસમેને તેની સાથે વાત કરતાં જ યુવતીએ તેમને જાળમાં ફસાવી લીધા હતા. આ દરમિયાન વાત આગળ વધતાં યુવતીએ વીડિયો કોલ કરીને કપડાં કાઢી નાખ્યા હતા અને બિઝનેસમેનના પણ કપડાં કઢાવી નાખ્યા હતા.

આ વીડિયો રેકોર્ડ થઈ ગયા બાદ યુવતીએ સીધા ૫૦ હજારની માગણી કરી હતી. બિઝનેસમેને સમાજમાં ઈજ્જત જવાના ડરથી ૫૦ હજાર રૂપિયા યુવતીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા પણ આ સિલસિલો આટલેથી અટક્યો નહોતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી આ ચીટર ગેંગે પૈસા વસૂલવાની શરૂઆત કરી દીધી હતી.

અમદાવાદના આ બિઝનેસમેનને એટલી હદે ડરાવી દીધા હતાં કે તેઓ દરેક ફોન કોલ બાદ રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હતાં. આટલું ઓછું હોય તેમ બોગસ પોલીસ અધિકારીઓની આ પ્રકરણમાં એન્ટ્રી થઈ હતી. આ કેસમાં દિલ્હી સાયબર ક્રાઈમના એક પીઆઈના નામે આવેલા ફોનમાં તમે જે યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરી છે

તેણે આત્મહત્યા કરવાની કોશિષ કરી છે. તેને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ યુવતીએ આત્મહત્યા કરવા પાછળ તમારૂ નામ આગળ ધર્યું છે. એટલે તો બિઝનેસમેન વધારે ડરી ગયા હતા. તેઓ સમજી જ ના શક્યા હતા કે આ એક ચીટિગ કોલ છે.

ફોન કરનારે પોલીસની ઓળખ આપીને બિઝનેસમેનને આ કેસમાંથી બહાર નીકળવા માટે ૮૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ગેંગે આટલેથી પણ ન અટકતાં અમદાવાદના આ વેપારીને અલગ અલગ પ્રકારના પોલીસ અધિકારીઓ અને સીબીઆઈ તથા સાયબર ક્રાઈમ સહિતના વિભાગોના અધિકારીઓની ઓળખ આપીને ૨.૬૯ કરોડ ખંખેરી લીધા હતાં. બિઝનેસમેને જ્યાં સુધી બન્યું ત્યાં સુધી રૂપિયા આપતા ગયા પણ હવે તેઓ કંટાળતાં સીધા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers