Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વ્યાજે લીધેલા 5 લાખ સામે 11.68 લાખ ચુકવ્યા છતાં મહિને 15 હજાર વ્યાજની માંગણી

પ્રતિકાત્મક

વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલાં નાગરિકોની દર્દનાક સ્થિતિ, પોલીસ બની દેવદૂત

વ્યાજખોરોનું વિષચક્ર કેટલું ભયાવહ છે તે સમજવું હોય તો કેટલીક આપવીતી પણ જાણવી પડે. અમરોલીના વિનોદ જેઠવાની આપવીતી તેમના જ શબ્દોમાં જાણીએ તો ખ્યાલ આવશે કે લોકોને કેવી કેવી પીડાનો સામનો કરવો પડે છે અને પોલીસ કેવી રીતે દેવદૂત સાબિત થઇ રહી છે. Plight of citizens caught in the clutches of usurers

“એ દિવસે મેં નક્કી કરી લીધેલું કે હું અગાશીએથી કૂદી જઇશ અને ક્યાં તો ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લઇશ. મારી અંદર એક અજીબ પ્રકારની બેચેની થઇ રહી હતી. શરીર પર ફરી વળેલો પરસેવો આંખોમાંથી આંસુઓ રૂપે વહી રહ્યો હતો. હું સ્તબ્ધ થઇ ગયો હતો. પાંચ લાખ રૂપિયાની સામે મેં મારું મકાન તો લખી જ આપ્યું હતું,

11 લાખ 68 હજાર ચૂકવી ચૂક્યો હતો અને છતાં પેલો માણસ મહિને 15 હજાર માંગી રહ્યો હતો. 5 લાખ સામે ડબલ પૈસા ચૂકવી દીધા હોવા છતાં પેલા માણસનો લોભ સમાતો ન્હોતો અને મારું ભલું થાય એવા કોઇ સંજોગો મને દેખાઇ રહ્યા ન્હોતા. પોલીસ મદદ નહીં કરે તો છેલ્લો ઉપાય આપધાતનો નક્કી હતો. અમરોલી પોલીસને માંડીને વાત કરી.

બધી હકીકતો તપાસી એમણે મારા ખભે હાથ મૂક્યો. કહ્યું, ‘આપઘાતનો વિચાર પણ નહીં કરતા…અમે તમારી સાથે છીએ!’ મારી આંખો ભીની થઇ ગઇ. હું ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો. પોલીસે તાત્કાલિક જગદીશ ગોધામ સામે ફરિયાદ દાખલ કરી-એની ધરપકડ કરી. જગદીશ ગોધામની ધરપકડ થઇ એ પળ મારા જીવનની ખાસ પળ હતી.

મેં આંખો બંધ કરી અને મારા પરિવારનો ચહેરો હસતો દેખાયો. પોલીસે મને જગદીશ ગોધામનાં વ્યાજનાં ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો, એમણે મારા પરિવારને વીખાતું બચાવી લીધું. હવે નામદાર કોર્ટની મદદથી મને મારા ફ્લેટની ફાઇલ પાછી મળી જશે. વ્યાજના મહાચુંગાલમાંથી હું બચી ગયો-મારું પરિવાર બચી ગયું. જ્યારે મારી પાસે આપઘાત સિવાય કોઇ વિકલ્પ બાકી ન્હોતો રહ્યો ત્યારે સુરત શહેર પોલીસ મિત્ર બનીને મારી પડખે રહી…!”

નરપતદાસના ચહેરાનું સ્મિત પરત લાવી ગુજરાત પોલીસ

”જરૂરિયાત તમારી પાસે કંઇપણ કરાવી શકે-પણ વ્યાજનાં ખપ્પરમાં હોમાયા પછી હું એટલું ચોક્કસ સમજી શક્યો છું કે ટૂંકાગાળાનો લાભ જોઇ જીવનમાં ક્યારેય પણ ટૂંકા રસ્તા અપનાવવા નહીં…! 2019માં મારી મુલાકાત અજય સોલંકી સાથે થઇ. અમારી સામાન્ય મુલાકાત દોસ્તીમાં પરિણમી.

એ સમયે મને ગ્રેનાઇટ ટ્રેડિંગનાં બિઝનેસ માટે પૈસાની જરૂર હતી. મેં આ વાત અજય સોલંકી સાથે શેર કરી અને એમણે મને 16 લાખ રૂપિયા 6 ટકા વ્યાજનાં માસિક દરે આપવાની તૈયારી બતાવી. મારે બેંકની લોનનાં ચક્કરમાં પડવું ન્હોતું એટલે મિત્ર પાસેથી વ્યાજે પૈસા લેવાનું સહેલું લાગ્યું. એ વખતે અજય સોલંકી દેવદૂત જેવા લાગેલા.

મને હતું કે મારો બિઝનેસ ચાલી નીકળશે અને હું ધીમે-ધીમે વ્યાજ સાથે મુદ્દલ પણ પાછી આપી દઇશ. પણ-તમે ઇચ્છો એવું બધું જ હંમેશા થતું નથી. મારો બિઝનેસ ના ચાલ્યો. વાયદા પ્રમાણે હું અજય સોલંકીને વ્યાજ અને મુદ્દલ આપી ન શક્યો. જો કે-માંડ-માંડ બે છેડા ભેગા કરી મેં 13 લાખ રૂપિયા તો પરત કરી દીધા હતા.

હવે મારે 3 લાખ રૂપિયા આપવાનાં બાકી હતા-પણ અજય સોલંકી વ્યાજ છોડવા તૈયાર ન્હોતા અને 3 લાખ સામે એ 7,50,000/- રૂપિયા પાછા માંગી રહ્યા હતા. મેં હિંમતભેર પાલ પોલીસને આખી હકીકત જણાવી. એમણે મને ધરપત આપી અને તપાસ ચાલુ કરી. ગણતરીનાં કલાકોમાં એમણે અજય સોલંકી પાસેથી સાડા ત્રણ લાખનાં ચેક પણ પરત લઇ લીધા. હવે મને અજય સોલંકીની પઠાણી ઉઘરાણીનો ડર નથી. સુરત શહેર પોલીસનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers