Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શિરડી જઈ રહેલી બસનો નાસિકમાં અકસ્માત થતા ૧૦ના મોત

નાસિક, મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. નાસિક-સિન્નર રોડ પર એક ખાનગી લક્ઝરી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ૧૦ લોકોના મોત થયા હતા અને ૪૦ લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં સવાર તમામ મુસાફરો સાંઈ બાબાના દર્શન કરવા શિરડી જઈ રહ્યા હતા. મૃતકોમાં ૭ મહિલાઓ અને ૩ પુરૂષોનો સમાવેશ થાય છે.

ઘાયલોને સિન્નર ગ્રામીણ હોસ્પિટલ અને યશવંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં સવાર મુસાફરો થાણે જિલ્લાના અંબરનાથના રહેવાસી હતા અને સાંઈ બાબાના દર્શન કરવા શિરડી જઈ રહ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માત મુંબઈથી લગભગ ૧૮૦ કિમી દૂર નાસિકના સિન્નર તહસીલના પથારે શિવર પાસે સવારે ૭ વાગ્યાની આસપાસ થયો હતો.

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ટક્કર એટલી જાેરદાર હતી કે બસ અને ટ્રક બંનેને ભારે નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers