Western Times News

Gujarati News

પેટલાદમાં તા.૧૬થી દબાણો દૂર કરાશે : પટ્ટા મારવાની કામગીરી શરૂ

સીઓએ પોલિસ બંદોબસ્તની માંગણી કરી

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ ખાતે તાજેતરમાં સંકલનની બેઠક મળી હતી. જેમાં શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર કરવામાં આવેલ નડતરરૂપ દબાણો સંદર્ભે ચર્ચાના અંતે દૂર કરવા ચીફ ઓફિસરને આદેશ મળ્યો હતો. જેથી આવા દબાણો દૂર કરવા આજરોજ પાલિકાની ટીમ દ્વારા રસ્તાની બંન્ને સફેદ પટ્ટા મારી માર્જિન નક્કી કરવામાં આવ્યું હતું. બીજી તા.૧૬થી દબાણો દૂર કરવાના હોવાથી ચીફ ઓફિસરે પેટલાદ ટાઉન પાસે પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરી હોવાનું જાણવા મળે છે.

પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપરાંત ગામતળ વિસ્તારમાં કાચા પાકા દબાણોનો પ્રશ્ન વર્ષોથી પડતર છે. દબાણોને કારણે રસ્તા સાંકડા થઈ જતાં રાહદારીઓને ભારે હાડમારી ભોગવવી પડે છે. શહેરના બસ સ્ટેન્ડથી રેલ્વે સ્ટેશન, સ્ટેશન રોડ, સરદાર ચોક, ટાઉન હોલ, રણછોડજી મંદિર થઈ સાંઈનાથ ચોકડી સુધીના મુખ્ય રાજમાર્ગો ઉપર છેલ્લા બે વર્ષ દરમ્યાન અસંખ્ય લારી, ગલ્લા, કેબિન, પાથરણા, કાચા – પાકા વગેરે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે.

જેને કારણે ટ્રાફિકની સમસ્યાને દિન પ્રતિદિન વકરતી જાય છે. ઉપરાંત રણછોડજી મંદિરથી કોલેજ ચોકડી સુધીના રાજમાર્ગ ઉપર પણ અનેક દબાણો નડતરરૂપ જાેવા મળે છે. ખાસ નોંધપાત્ર બાબત એ પણ છે કે જે પાંડવ તળાવનો વિકાસ નગરજનો વર્ષોથી અપેક્ષા રાખે છે, તે તળાવ પાસે છેલ્લા છ મહિનામાં એક પછી એક દબાણો ખડકાઈ ગયા છે. તેમાંય કેટલાક ઈસમોએ તો લારી કરતા પણ મોટા લોખંડના કેબીનો ખડકી પાલિકાની કિંમતી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર રીતે કબ્જાે જમાવી દિધો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. આવા દબાણો ખડકાઈ જવા પાછળ આ ઈસમોને કોના છુપા આશિર્વાદ છે એ મુદ્દો પણ ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

તેવી જ રીતે સાંઈનાથ રોડ ઉપર કોરોનાકાળ દરમ્યાન પાલિકાએ તે સમય પૂરતું શાકભાજી, ફ્રુટ વગેરેની લારીઓ ઉભી રાખવા છૂટ આપી હતી. પરંતુ ત્યારબાદ આ લારીઓ ઉપરાંત અનેક પ્રકારની બીજી લારીઓ, પાથરણા, કેબીનોવાળા વગેરેએ દબાણો કરી કાયમી અડિંગો જમાવી દિધો છે. જેને કારણે પણ ટ્રાફિકની વિકટ સમસ્યા અવાર નવાર સર્જાય છે. મુખ્ય રાજમાર્ગો ઉપરાંત શહેરના અંતરિયાળ એવા ગામતળ વિસ્તારોના દબાણો પણ દૂર થવા એટલાજ જરૂરી હોવાનું નગરજનો માની રહ્યા છે. શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા દબાણો સંદર્ભે સંકલન બેઠકમાં ચર્ચા થઈ હતી.

જે અન્વયે પેટલાદ પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજને નડતરરૂપ દબાણો શહેશરમ રાખ્યા વગર દબાણો દૂર કરવા આદેશ મળ્યો છે. જેથી ચીફ ઓફિસરે છેલ્લા પાંચેક દિવસથી આવા દબાણકારોને સ્વૈચ્છિક હટાવી લેવા ઓડીયો દ્ધારા તાકીદ કરવામાં આવ્યા છે. પાલિકા દ્વારા જારી કરવામાં આવેલ ઓડિયો થકી જણાવ્યું છે કે સિવીલ હોસ્પિટલથી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, સ્ટેશન રોડ, સરદાર ચોક, ટાઉન હોલ, રણછોડજી ચોક થઈ સાંઈનાથ ચોકડી અને રણછોડજી ચોકથી કોલેજ ચોકડી સુધીના પડતર રૂપ દબાણો દૂર કરવામાં આવશે.

જે અન્વયે તા.૧૬ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકથી પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામા આવનાર છે. જે પૂર્વે આજે પાલિકા દ્વારા સિવીલ હોસ્પિટલથી સ્ટેશન રોડ ઉપર રસ્તાની બંન્ને બાજુ માર્જિન નક્કી કરવા સફેદ પટ્ટા મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત તા.૧૬ના રોજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરતો પત્ર ચીફ ઓફિસરે પેટલાદ ટાઉન પીઆઈ કે ડી બ્રહ્મભટ્ટ તરફ મોકલી આપ્યો હોવાનુ જાણવા મળે છે. હાલ આ મુદ્દે દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.