ગાંધીનગરના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની માણસા ખાતે ઉજવણી કરાશે

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં તા. ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માણસ ખાતે યોજવામાં આવનાર છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માણસા ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમ્યાન કોવિડ- ૧૯ની એસ.ઓ.પી.ના માર્ગદર્શનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે મહાનુભાવો અને અન્યની સુચારું બેઠક વ્યવસ્થા કરવાનું કલેકટરએ સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સુશોભન જેવી વિવિઘ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે. આ નિમિત્તે જિલ્લાની વિવિઘ શાળાના વિઘાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જિલ્લાની વિવિઘ કચેરીઓ દ્વારા પોતાના ટેબ્લોઝ પણ રજૂ કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વના સુચારું આયોજન માટે મળેલી બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભરત જાેષી, ડીવાયએસપી અમી પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.