Western Times News

Gujarati News

જી. બી. શાહ કોમર્સ કોલેજમાં ‘મકરસંક્રાંતિ અને સલામતી’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

અમદાવાદ , અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ તથા અમદાવાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલજ ખાતે ઉત્તરાયણ તહેવારની પૂર્વ સંધ્યાએ “મકરસંક્રાંતિ અને સલામતી” વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું જેમાં વાસણા પોલીસ સ્ટેશન સ્ટાફ અને કરુણા ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા વિદ્યાર્થીઓને સલામતી પૂર્વક મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવા માટે અને આપણા ઉમંગ અને ઉત્સાહની સાથે અન્ય વ્યક્તિ કે અબોલ પશુ-પક્ષીનો જીવ ના જાય તેની કાળજી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ઉત્તરાયણના પર્વ દરમ્યાન આપણી ઘડી બે ઘડીની મઝા માટે કોઈનો જીવ જાેખમમાં ના મુકાય કે કોઈ દુર્ઘટના ના સર્જાય તેની તકેદારી રાખવા માટે જણાવીને વાસણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી જયેશભાઈ દેસાઈએ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ના કરવા માટે અને અન્યોને પણ આ સંદેશ પહોંચાડવા માટે વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા.

આ ઉપરાંત પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સેવા કરતી સંસ્થા કરુણા ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક શ્રી ઝંખાનાબેન શાહે પણ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ચાઈનીજ, નાયલોન કે કાચ પીવાડાવેલ દોરીથી અબોલ પશુ-પક્ષીઓને થતી જીવલેણ ઈજાઓ અંગે ચિત્રો દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપીને આ વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે તા. ૧૪ અને ૧૫ જાન્યુઆરી (ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ) ના બંને દિવસોએ સવારે ૮ થી સાંજના ૭ સુધી જી. બી. શાહ કોલેજ, વાસણા ખાતે “પક્ષી બચાવો કેમ્પ” નું આયોજન કરેલ છે.

આ બે દિવસો દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલ અબોલ પશુ કે પક્ષી દેખાય તો તરત જ સંસ્થાના હેલ્પ લાઈન નંબર ૮૦૦૦૫૦૧૮૬૧ પર જાણ કરવા માટે તેઓએ વિનંતી કરી હતી. વધુમાં ઉત્તરાયણ તહેવાર અને તેની આસપાસના દિવસોમાં ક્યાંય પણ ઘાયલ પશુ કે પક્ષી દેખાય તો તરત જ નજીકની કોઈપણ જીવદયા પ્રેમી સંસ્થાનો સંપર્ક કરવા માટે અપીલ કરાઈ હતી. કાર્યક્રમના અંતે પ્રિન્સીપાલ ડૉ. વી. કે. જાેષીએ જન જાગૃતિના આ અભિયાનને બિરદાવીને આ ઉમદા સેવા કાર્યમાં સ્વયંસેવક તરીકે જાેડાઈને એક જવાબદાર નાગરીકની ભૂમિકા અદા કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.