Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સ્નેહ ગ્રીન્સ ફ્લેટસના રહીશો સાથે ચીક્કી અને બોર ખાવાની મજા કેન્દ્રીય ગૃહ મંત્રીએ લીધી

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કલોલ ખાતે કપિલેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કલોલનાં બોરીસણામાં આવેલા સ્નેહ ગ્રીન્સ ફ્લેટમાં પતંગ ચગાવ્યા

મકરસંક્રાંતિના પાવનપર્વ નિમિત્તે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ કલોલ ખાતેના પ્રસિદ્ધ કપિલેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા. તેમણે કપિલેશ્વર મહાદેવના દર્શન- પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે કલોલના બોરીસણા વિસ્તારમાં આવેલી સ્નેહ ગ્રીન્સ સોસાયટીનાં ધાબે નાગરિકો સાથે ઉતરાયણની મજા પતંગ ઉડાડીને લીધી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ અહીં નાગરિકો સાથે ધાબે બેસી બોર અને ચીક્કી ખાધા હતા. આ પ્રસંગે સ્નેહગ્રીન્સ ફ્લેટ્સ અને આસપાસ રહેતા રહીશો દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ત્યાં ઉપસ્થિત સર્વે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. નાગરિકો સાથે હાથ મિલાવી તેમણે ઉતરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી. ગૃહમંત્રીશ્રીએ ધાબા પરથી પણ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.

મકર સંક્રાંતિ અને ઉતરાયણ ના પર્વે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિત ભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા  વંદેમાતરમ વિસ્તારમાં શુકન રેસિડેન્શિ ખાતે પતંગ ઉડ્ડયન નો આનંદ માણ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા અને ગૃહ મંત્રીશ્રી અમિત ભાઈના  ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ  ગોતા વંદે માતરમ વિસ્તારના રહીશો સાથે શ્રી અમિત ભાઈ અને શ્રી ભૂપેન્દ્ર પટેલ મુક્ત ગગનમાં પતંગ ઉડાવી ઉતરાયણ  પર્વમાં સહભાગી  થયા હતા.

તેમણે લોકોનું અભિવાદન ઝીલી ને અને  રંગબેરંગી ફુગ્ગા આકાશમાં છોડીને આ  પર્વને લોકોત્સવ બનાવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers