Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

NCC ગુજરાત દ્વારા ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’ થીમ પર મોટરસાઈકલ રેલીના રાઇડર્સની ટીમ ૧૩૦૦ કિ.મી અંતર કાપશે

દાંડીથી દિલ્હી જનાર ગુજરાત NCCની ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’  મોટરસાઈકલ રેલીને અમદાવાદ ખાતે ફ્લેગ ઇન કરાવતા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

‘સોલ્ટ ટુ સોફ્ટવેર’ મોટરસાઈકલ રેલી ગાંધીજીના સત્ય, અહિંસા, અપરિગ્રહ અને આત્મનિર્ભરતાનાં મૂલ્યોને ઉજાગર કરશે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

NCC (National Cadet Corps) ના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એન.સી.સી. ગ્રૂપ દ્વારા  ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’  થીમ પર આયોજિત દાંડીથી દિલ્હી જનારી મોટરસાઈકલ રેલી આજે અમદાવાદ આવી પહોંચી ત્યારે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મોટરસાયકલ રેલીનું ફ્લેગ ઇન કરાવ્યું હતું.

મોટરસાઇકલ રેલીનું ફ્લેગ ઇન કરાવ્યા બાદ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આઝાદીની  લડતમાં ગાંધીજી દ્વારા મીઠાના સત્યાગ્રહ માટે આરંભેલી સાબરમતીથી દાંડી સુધીની યાત્રા – દાંડીકૂચ સ્વતંત્રતાની સમગ્ર લડતમાં એક સીમાચિહ્નરૂપ યાત્રા હતી. આજે સમગ્ર દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને એન.સી.સી.ને પણ 75 વર્ષ પૂર્ણ થયાં છે

ત્યારે ઐતિહાસિક સ્થળ દાંડીથી સોલ્ટ ટુ સોફ્ટવેર થીમ પર આરંભેલી મોટરસાયકલ યાત્રા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ બની રહેશે, તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, NCC દ્વારા કેડેટ્સના જીવનમાં જવાબદારી, દૃઢતા , શિસ્ત, સમર્પણ , દેશ સેવા અને નેતૃત્વ જેવા ગુણોનું સિંચન કરીને સમાજને જવાબદાર નાગરિકની ભેટ આપવામાં આવે છે.ગુજરાતમાં એન.સી.સી.ની પ્રવૃત્તિઓને હરહંમેશ પ્રાધાન્ય આપીને રાજ્યના વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવીને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

જેના પરિણામે આજે ગુજરાતમાં 70 હજાર જેટલા કેડેટ્સ એન.સી.સી.ની તાલીમ મેળવીને વ્યક્તિત્વનું ઘડતર કરી રહ્યા છે. રાજ્ય પર કુદરતી હોનારત કે કોરોના જેવી મહામારીમાં હંમેશાં એન.સી.સી. કેડેટ્સે તંત્ર સાથે કદમથી કદમ મિલાવીને જવાબદારીપૂર્વક સમાજસેવાનું અહર્નિશ કાર્ય કર્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

ભારતને યુવાનોનો દેશ કહેવામાં આવે છે ત્યારે એન.સી.સી.માં તાલીમ મેળવી રહેલા યુવાનો રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યાં છે. આ યુવાનો પોતાનામાં રહેલાં કૌશલ્યને સાચી દિશામાં ઉજાગર કરીને સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં મદદરૂપ બની આઝાદીની સુવર્ણકાળ ઊજવવામાં પણ સહભાગી બનશે તેવો મને વિશ્વાસ છે, તેમ મંત્રીશ્રીએ ભાવપૂર્વક કહ્યું હતું.

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અવસરે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને એન.સી.સી.ની પ્રવૃતિઓનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ગુજરાત, દાદર નગર હવેલી, દમણ અને દીવ એન.સી.સી.ના એ.ડી.જી(A.D.G) શ્રી અરવિંદ કપૂરે જણાવ્યું કે,  NCCના 75મા વર્ષે ‘સોલ્ટ ટુ સોફ્ટવેર’ થીમ આધારિત આ મોટરસાઇકલ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારતની યાત્રાને દર્શાવવાનો છે. રાઇડર્સની ટીમ દ્વારા દાંડી ખાતે બનેલું મીઠું  અને ‘ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ’ (BISAGના સહયોગથી NCC દ્વારા વિકસાવવામાં આવેલ સોફ્ટવેર પ્રોગ્રામને ‘ દિલ્હી લઈ  જવાશે. જ્યાં ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ NCCની રેલીના સમાપન સમારંભમાં વડાપ્રધાનશ્રીને સમર્પિત કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, એનસીસી દ્વારા અનેક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમાં એનસીસી દ્વારા ઓલ્ડ એઝ હોમ, ફ્રી વેક્સિનેશન, વોટીંગ અવરનેસ જેવી જાગૃતિ ઝૂંબેશોનો પણ સમાવેશ થાય છે.

અત્રે નોંધનીય છે કે, નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારકથી નીકળી વડોદરા, અમદાવાદ, ઉદયપુર, અજમેર, જયપુર અને અલવરમાંથી પસાર થઈ ૧૩૦૦ કિ.મી અંતર ખેડી ૨૮મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ દિલ્હી પહોંચનાર આ રેલીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સામેલ થશે. યાત્રા દરમિયાન વિશ્રામ સ્થળો પર સમૂહ વાર્તાલાપના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે દરમિયાન ટીમ દ્વારા સ્થાનિક શાળાનાં બાળકો અને જનતાને આત્મનિર્ભર ભારત માટે જાગૃત અને પ્રોત્સાહિત કરવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers