Western Times News

Gujarati News

NCCની મોટરસાયકલ રેલી યુવાનોમાં સેવા, સમર્પણ અને દેશપ્રેમનો ભાવ વધુ દ્રઢ કરશે : રાજ્યપાલ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એનસીસીની આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપ દાંડીથી દિલ્હી સુધીની મોટરસાયકલ રેલીના કેડેટ્સને મીઠું અને સોફ્ટવેર અર્પણ કર્યાં

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દાંડીથી દિલ્હી સુધીની એનસીસી કેડેટ્સની આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપે 1300 કિલોમીટરની જાવા-યેઝ્દી મોટરસાયકલ રેલીમાં ભાગ લઈ રહેલા એનસીસી કેડેટ્સને દાંડીમાં તૈયાર થયેલું મીઠું અને બાયસેગ દ્વારા તૈયાર કરાયેલા એનસીસીના સોફ્ટવેરની સીડી અર્પણ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, આ રેલી યુવાનોમાં દેશ પ્રત્યે સેવા અને સમર્પણનો ભાવ વધુ દ્રઢ કરશે. જે દેશના યુવાનોમાં દેશપ્રેમ અને એકતાની ભાવના હોય એ દેશ પ્રગતિના ઉન્નત શિખર સર કરે છે.

સ્થાપનાના 75 મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત, દાદરા-નગર હવેલી, દમણ અને દીવના એનસીસી નિદેશાલય દ્વારા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. સાયકલ રેલીના એનસીસી કેડેટ્સ દાંડી પહોંચ્યા હતા, જ્યાં દાંડીથી દિલ્હી સુધીની મોટરસાયકલ રેલીના કેડેટ્સ જોડાયા હતા.

અને દાંડીમાં એનસીસીના આ યુવાનોએ મીઠું બનાવ્યું હતું. ગુજરાતના ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મટિક્સ-બાયસેગ દ્વારા એનસીસીનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં  મીઠું અને સોફ્ટવેર એનસીસી કેડેટ્સને અર્પણ કર્યા હતા. સોલ્ટ અને સોફ્ટવેર લઈને 30 કેડેટ્સ મોટરસાયકલ રેલી રૂપે નવી દિલ્હી પહોંચશે અને તારીખ 28મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ સોલ્ટ અને સોફ્ટવેર અર્પણ કરશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીએ દાંડીમાં નમક સત્યાગ્રહ કર્યો જે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં સીમાચિન્હ સાબિત થયો. તે સમયે ભારતમાં એક સોય પણ બનતી ન હતી. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે.

યુવાનો લાખો સ્ટાર્ટઅપ સાથે આવી રહ્યા છે. દીકરીઓ ફાઈટર પ્લેન સાથે દેશની રક્ષામાં તહેનાત છે. જહાજથી લઈને હવાઈ જહાજ દેશમાં બની રહ્યા છે. સોફ્ટવેર નિર્માણમાં ભારત વિશ્વના શિખરે છે અને આજે પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આત્મનિર્ભર ભારતે સૉલ્ટથી સોફ્ટવેર સુધી ચૌદિશામાં વિકાસ કર્યો છે ત્યારે એનસીસીના યુવાનો આ સંદેશા સાથે મોટરસાયકલ રેલી રૂપે જ્યાં-જ્યાં પણ જશે ત્યાંના યુવાનોમાં નવી ચેતના, નવી સ્ફૂર્તિ અને નવા જોશનો સંચાર કરશે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, એનસીસી કેડેટ્સ અને એનસીસીની પ્રવૃત્તિઓ અન્ય યુવાનોમાં કર્તવ્ય, સેવા, સમર્પણ અને દેશભક્તિનો ભાવ વધુ દ્રઢ કરવા માટે મહત્વનું માધ્યમ છે. સામાજિક જવાબદારીઓના વિવિધ કાર્યોમાં એનસીસીએ યુવા પેઢીને હંમેશા પ્રેરણા આપી છે.

દાંડીથી નીકળેલી આ મોટરસાયકલ રેલી પણ દિલ્હી સુધીના માર્ગમાં એકતા અને અખંડતાની ભાવના વધુ મજબૂત બનાવશે એવી અભ્યર્થના વ્યક્ત કરતાં તેમને એનસીસી કેડેટ્સને શુભકામનાઓ આપી હતી.

આ પ્રસંગે એનસીસી ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી મેજર જનરલ અરવિંદ કપૂર, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર, બાયસેગના ઉપ મહાનિદેશક શ્રી વિનય ઠાકુર, એનસીસીના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર શ્રી એન. કે. રાયજાદા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.