Western Times News

Gujarati News

લાલચ આપી વિસનગરના ઠગોએ ૪.૯૦ કરોડ ખંખેર્યા

મહેસાણા, કેરળમાં રહેતા અને ઓએનજીસીના નિવૃત કર્મચારીને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી વિસનગરના શખ્સોએ ૪.૯૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિસનગરમાં રહેતા ચાર શખ્સોએ જુદી-જુદી પેઢી અને અલગ-અલગ બેન્ક ખાતામાં વૃદ્ધ અને તેમની પત્નીના ખાતામાંથી માત્ર આઠ મહિનામાં આટલી મોટી રકમ સેરવી લીધી હતી.

કેરળના બ્રહ્મકુલમ હાઉસ મિશન ક્વાર્ટર ત્રિશુરમાં રહેતા ૬૩ વર્ષીય જેકોબ વર્ગીસને જૂન ૨૦૨૦માં વિસનગરથી સોમા નામના શખ્સે ફોન કર્યો હતો અને શેરબજારમાં ટ્રેડિંગ કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ જગ્દિશ નામના અન્ય શખ્સે તેમને અલગ-અલગ આઠ ફોન નંબર પરથી ફોન કરીને પોતે શેરબજારનો એક્સપર્ટ હોવાનું કહીને વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા.

જ્યારે વૃદ્ધ રોકાણ કરવા તૈયાર થયા ત્યારે બંને શખ્સોએ પિન્ટુ ભાવસાર અને હિમાંશુ પટેલ સાથે વાત કરાવી હતી અને તેમને તેમના બોસ ગણાવ્યા હતા. નિવૃત વૃદ્ધ ઘરબેઠા સારી કમાણી કરવાની લાલચમાં આવી ગયા હતા અને તેમણે જૂન, ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં આ ચાર શખ્સોના કહેવા પ્રમાણે પત્ની અને તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી ૪.૯૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

શખ્સોએ વૃદ્ધને તેમના ખાતા નંબરની માહિતી મેસેજ દ્વારા આપી હતી. તેમણે મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને સુરત જિલ્લાની વિવિધ બેંકોના ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરાવી હતી. રિટર્ન તરીકે કંઈ ન મળતાં વૃદ્ધે ફોન કરવાનું ચાલું કરતાં શખ્સોએ ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ ફરીથી સંપર્ક થતાં તેમણે થોડા-થોડા કરીને પૈસા પાછા આપવાના ખોટા વાયદા આવ્યા હતા.

પોતે છેતરાયાની જાણ થતાં વૃદ્ધે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. કેરળના વૃદ્ધને કરોડો રૂપિયા ખંખેરી લેવાના કેસમાં ખેરાલુ પોલીસે તપાસ હાથ ધરી છે.

સ્થાનિક અખબાર નવગુજરાત સમયના રિપોર્ટ પ્રમાણે, રાજ્યના પાંચ જિલ્લામા ખેરાલુ, અમદાવાદ, કલોલ, ઉઘના, પાટણ સહિતમાં આવેલી SBI, HDFC, ICICI તેમજ એક્સિસ બેંકની બ્રાંચમાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. શખ્સોએ જે બેંક ખાતા નંબર આપ્યા હતા તે પોતાના હતા કે બીજા કોઈના તે દિશામાં તપાસ કરવામાં આવશે. આ મામલે આગળની તપાસ માટે સાયબર ક્રાઈમ પોલીસની મદદ લેવામાં આવે તેવી શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.