Western Times News

Gujarati News

ગુજરાતમાં નારી અદાલતોની સફળતાનું મોડેલ સમગ્ર દેશમાં અમલી બનશે

પાલનપુર: ગુજરાત રાજય મહિલા આયોગના અધ્‍યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને અંબાજી મુકામે શ્રી ચૌધરી ધર્મશાળામાં નારી અદાલતની ઉત્તર ઝોનકક્ષાની રીવ્‍યુ બેઠક અને તાલીમ શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે મહિલા આયોગના અધ્‍યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્‍યું કે, મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બહેનોને મુશ્કેલીના સમયમાં મદદરૂપ બનવા નારી અદાલતો સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામે આજે રાજયમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે.

આ નારી અદાલતની કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવા રાજય સરકારશ્રી તરફથી સોસાયટી બનાવવાનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્યમાં નારી અદાલતોની સફળતાનું મોડેલ સમગ્ર દેશમાં અમલી બનશે. તેમણે જણાવ્યું કે, આપણા રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર બહેનોની સુરક્ષા માટે સતત ચિંતિત છે. તેમણે કહ્યું કે નારી અદાલતના માધ્યમથી મહિલાઓના ૧૯ હજાર જેટલાં પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને મહિલાઓને બંધારણીય અધિકારો તથા હક્કો અપાવી સમાધાન કરી સુરક્ષા પ્રદાન કરાવી છે.

આયોગના અધ્‍યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્‍યું હતું કે, રાજય મહિલા આયોગના પ્રયત્નોથી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી રાજયમાં ૮૯ લાખ બહેનોએ મુશ્કેલીના સમયમાં મદદ મેળવી છે. તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવેલી બહેનોને મહિલાઓના સશક્તિકરણના કામમાં આગળ આવવા આહવાન કર્યુ હતું.

તેમણે કહ્યું કે, દિકરીઓની સાથે દિકરાઓને પણ મહિલા આયોગની કામગીરીથી વાકેફ કરવામાં આવે છે. અત્યાર સુધી રાજયની વિવિધ યુનિવર્સિટીઓના ૪૦ હજાર વિધાર્થીઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતી દિકરીઓ માટે કવચ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં ગુડ ટચ અને બેડ ટચ તથા સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે.

મહિલા આયોગના સભ્‍ય સચિવશ્રી વીણાબેન પટેલે મહિલાઓને કાયદાકીય જાગૃતિ શિબિરનો હેતુ સમજાવી મહિલાઓ સશક્ત બને તે માટે સમાજને જાગૃત કરવા જણાવ્‍યું હતું. તેમણે મહિલાઓને લગતા કાયદાઓની પણ જાણકારી આપી હતી. નારી અદાલતના રાજ્‍ય કો-ઓર્ડીનેટર શ્રીમતી સોનલબેન ગઢવીએ જિલ્લા-તાલુકા કો-ઓર્ડીનેટર તેમજ કમિટિની બહેનોને નારી અદાલત વધુ સક્ષમ બનાવવા માટે જરૂરી સલાહ સુચનો કર્યા હતા.

આ પ્રસંગે નારી અદાલત બનાસકાંઠાના કો-ઓર્ડીનેરટશ્રી આશાબેન ડગલી સહિત ઉત્તર ઝોનનો જિલ્લાઓના જિલ્લા અને તાલુકા કો-ઓર્ડીનેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.