Western Times News

Gujarati News

ગુજરાતમાં જિયોનાં ગ્રાહકોની સંખ્યા વધીઃ ટ્રાઈ

જિયોને 3.62 લાખ નવા યુઝર્સ મળ્યાંBSNLનાં સબસ્ક્રાઇબરમાં 5,000નો વધારોપણ વોડાફોન-આઇડિયાએરટેલે ગુજરાતમાં 3.39 લાખથી વધારે ગ્રાહકો ગુમાવ્યાં 

અમદાવાદ, ગુજરાતમાં કેટલાંક મહિના પછી સપ્ટેમ્બર, 2019માં ટેલિકોમ ક્ષેત્રનાં ગ્રાહકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ટ્રાઈએ મંગળવારે સપ્ટેમ્બર, 2019નાં મોબાઇલ સબસ્ક્રિપ્શનનાં આંકડા જાહેર કર્યા હતાં, જે મુજબ, ગુજરાતમાં કુલ મોબાઇલ કનેક્શનમાં 29,129નો વધારો થયો હતો. આ વધારો મુખ્યત્વે જિયો અને બીએસએનએલનાં ગ્રાહકોમાં થયો હતો. પરિણામે ગુજરાત સર્કલમાં કુલ મોબાઇલ સબસ્ક્રાઇબરની સંખ્યા વધીને 6.87 કરોડ થઈ હતી.

આ ગાળા દરમિયાન સર્કલમાં જિયોનાં યુઝર્સમાં 3.60 લાખનો અને બીએસએનએલનાં યુઝર્સમાં 5,700 યુઝર્સનો વધારો થયો હતો. ગુજરાત સહિત ભારતમાં કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષ પૂર્ણ થયા પછી 2.21 કરોડથી વધારે મોબાઇલ કનેક્શન સાથે સબસ્ક્રાઇબરની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો હતો. આ ગાળામાં જિયો સર્કલમાં બીજી સૌથી મોટી ઓપરેટર કંપની બની ગઈ છે.

સર્કલમાં સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઇડિયાનાં સબસ્ક્રાઇબરમાં છેલ્લા છ મહિનાથી વધારે સમયગાળાથી સતત ઘટાડો થયો છે. સપ્ટેમ્બર, 2019નાં અંત સુધીમાં ગુજરાતમાં વોડાફોને 2.71 લાખ યુઝર્સ ગુમાવ્યાં છે અને ભારતી એરટેલે 67,000થી વધારે યુઝર્સ ગુમાવ્યાં છે.

ટ્રાઈના આંકડા મુજબ, જ્યારે રાષ્ટ્રીય સ્તરે પણ વોડાફોન આઇડિયા અને ભારતીય એરટેલે ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં 49 લાખથી વધારે યુઝર્સ ગુમાવ્યાં છે, ત્યારે રિલાયન્સ જિયોએ એનાં નેટવર્કમાં 69.83 લાખ નવા યુઝર્સ જોડ્યાં છે. ટ્રાઈનાં જણાવ્યા મુજબ, દેશમાં કુલ વાયરલેસ સબસ્ક્રાઇબર (જીએસએમ, સીડીએમએ અને એલટીઇ) સપ્ટેમ્બર, 2019નાં અંતે વધીને 117.37 કરોડ થયા છે, જે ઓગસ્ટનાં અંતે 117.1 કરોડ હતા. આ રીતે વાયરલેસ સબસ્ક્રાઇબરમાં માસિક 0.23 ટકાનો વધારો થયો હતો.

ટ્રાઈએ ઉમેર્યું હતું કે, જ્યારે સપ્ટેમ્બરનાં અંત સુધીમાં શહેરી વિસ્તારોમાં વાયરલેસ સબસ્ક્રાઇબર ઘટીને 65.91 કરોડ થયા હતા, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારના સબસ્ક્રાઇબરની સંખ્યા વધીને 51.45 કરોડ થઈ હતી.

આંકડા મુજબ, ભારતી એરટેલે કુલ 23.8 લાખ યુઝર્સ ગુમાવ્યાં હતાં, જેથી એના કુલ યુઝર્સની સંખ્યા 32.55 કરોડ થઈ હતી. એ જ રીતે વોડાફોન આઇડિયાએ સપ્ટેમ્બરમાં 25.7 લાખ યુઝર્સ ગુમાવતા એના કુલ યુઝર્સની સંખ્યા ઘટીને 37.24 કરોડ થઈ હતી.

જોકે સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિયોનાં ગ્રાહકોમાં 68.93 લાખ યુઝર્સનો વધારો થયો હતો, જેથી એના કુલ યુઝર્સની સંખ્યા 35.52 કરોડ થઈ હતી. 30 સપ્ટેમ્બર, 2019નાં રોજ સબસ્ક્રાઇબરની દ્રષ્ટિએ વોડાફોન આઇડિયાનો બજારહિસ્સો 31.73 ટકા હતો, ત્યારે રિલાયન્સ જિયોનો બજારહિસ્સો 30.26 ટકા અને ભારતી એરટેલનો 27.74 ટકા હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.