Western Times News

Gujarati News

મ્યુનિ. સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ એસ્ટેટ વિભાગ પર તડી પાડી

Ahmedabad Municipal Corporation

કોટ વિસ્તારની પાણીની તમામ લાઈનો બદલવી જરૂરી: ઈમરાન ખેડાવાલા

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજય વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત અમદાવાદ શહેરના ધારાસભ્યો અને મ્યુનિ વહીવટીતંત્રની સંકલન સમિતિ બેઠક શુક્રવારે મળી હતી જેમાં રોડ ખુલ્લા કરવા, દબાણો દુર કરવા, સ્ટ્રોમ વોટર બનાવવા તેમજ કોટ વિસ્તારના પ્રદુષિત પાણીની સમસ્યાના નિવારણ માટે રજુઆત થઈ હતી.

મ્યુનિ. કમિશ્નરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોટ વિસ્તારમાં વર્ષોથી કાયમી બની ગયેલી પ્રદુષિત પાણીની સમસ્યા માટે રજુઆત કરી હતી તેમના જણાવ્યા મુજબ કોટ વિસ્તારમાં પ્રદુષિત પાણીની સમસ્યા દુર કરવા માટે જે તે સ્થળે પાઈપોના ટુકડા બદલવાને બદલે એક સાથે તમામ લાઈનો બદલવી જરૂરી બની છે

અન્યથા આ સમસ્યા અને પાણીજન્ય રોગચાળાનો કોઈ જ ઉકેલ આવશે નહી. પાણીના પ્રદુષણના કારણે દાણીલીમડા, નારોલ, સુએજ ફાર્મ સહિતના વિસ્તારોની ફેકટરીઓ સીલ કરવામાં આવી છે આ ફેકટરીઓ માટે મ્યુનિ. કોર્પો. દ્વારા સીઈટીપી બનાવવામાં આવેલ છે જેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે

જાે આ પ્લાન્ટ શરૂ કરવામાં આવે તો તમામ ફેકટરીઓ ફરીથી શરૂ થઈ શકશે અને હજારો બેકાર કારીગરોને રોજગારી મળી શકશે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે ખોટી ફરિયાદ કરનાર તત્વો વધી રહયા છે. કોટ વિસ્તારમાં જ આ પ્રકારે ફરિયાદ કરનાર એક કહેવાતા આરટીઆઈ એક્ટિવીસ્ટની માસિક આવક રૂા.રપ લાખ છે

તથા રપ થી ૩૦ જણાની ટીમ સાથે તેઓ ઠેરઠેર ફરી કાયદેસર-ગેરકાયદેસર બાંધકામોના ફોટા પાડી અરજીઓ કરે છે અને અધિકારીઓ સાથેના મેળાપીણા કરી મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે તેવી રજુઆત પણ તેમણે કરી હતી. વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની તકલીફ દુર કરવા રજુઆત કરી હતી

તેમણે જણાવ્યું હતું કે વેજલપુર વિધાનસભા વિસ્તારમાં નવી સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવામાં આવે તો વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી છુટકારો મળી શકે તેમ છે. બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહ એ પણ તેમના મત વિસ્તારમાં નવી સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવા માટે રજુઆતો કરી હતી.

જયારે એલિસબ્રીજના ધારાસભ્ય અમિતભાઈ શાહે તેમના મત વિસ્તારમાં પાણીની બે નવી ટાંકીઓ બનાવવા માટેની ડીમાન્ડ ફરીથી દોહરાવી હતી. સુત્રોએ જણાવ્યા મુજબ ભાજપના ધારાસભ્યોએ ટી.પી રોડ ખુલ્લા કરવા, રોડ પર થતાં દબાણો દુર કરવા, રીઝર્વ પ્લોટ ખાલી કરાવવા તેમજ ગેરકાયદેસર બાંધકામો અટકાવવા રજુઆત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.