Western Times News

Gujarati News

ગૃહરાજ્યમંત્રીએ ૧૨મી પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૩ની શરૂઆત કરાવી

દિવ્યાંગ રમતવીરો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુવિધાઓ આપવા ગુજરાત સરકાર હર હંમેશ કટિબદ્ધ છે ઃ હર્ષ સંઘવી

નડિયાદ, ગૃહરાજ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં દિવ્યાંગો માટે પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઈન્ડીયા તથા પેરા સ્પોર્ટ્‌સ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ, રમત ગમત સંકૂલ, મરિડા ભાગોળ રોડ,નડિયાદ ખાતે તા. ૨૭-૦૧-૨૦૨૩ થી ૨૯-૦૧-૨૦૨૩ સુધી યોજાનાર ૧૨મી જુનિયર તથા સબ જુનિયર નેશનલ કક્ષાની પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૩ની શરૂઆત કરાવી હતી.

આ પેરાએથલિટ્‌સ રમત સ્પર્ધામાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણીપુર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના પેરા એથલીટ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં એથલેટિક ગેમ્સમાં ૧૦૦/ ૪૦૦/૧૫૦૦ મીટર દોડ, ઊંચીકુદ, ભાલાફેંક, ગોળાફેંક, ચક્રફેંક, ક્લબ થ્રો જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે. ૧૨મી જુનિયર સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેપીયનશીપ ૨૦૨૩ની શરૂઆત કરાવતા મંત્રી હર્ષભાઈ સંઘવી એ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પેરા એથલીટ ખેલાડીઓને કોઈ પણ હાલાકી ન રહે તે રાજ્ય સરકારની હરહંમેશ કોશિશ રહી છે. ગુજરાત સરકાર દિવ્યાંગ ખેલાડીઓ માટે સારા ટ્રેનરની પસંદગી કરી તેમને શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ તરફ દોરી જવા માટે સંપૂર્ણં પ્રયાસ કરી રહી છે.

સાથોસાથ દિવ્યાંગ ખેલાડીઓ અન્ય ખેલાડીઓ સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રેક્ટિસ કરી શકે તે માટેની માળખાગત સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ બનાવી રહી છે. જેમાં દિવ્યાંગો માટે અલગ શૌચાલય, બાથરૂમ અને અલગ બેડ જેવી સુવિધાઓથી સુસજ્જ સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે.જુદા જુદા રાજ્યથી આવતા દિવ્યાંગ ખેલાડીઓને આવકારતા મંત્રીશ્રીએ ખેલાડીઓ સાથે મળી ફોટોશૂટ કરાવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યૌ હતો. તેમણે સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ ખાતે ચાલતા યોગ શિબિર સ્પર્ધામાં જાેડાયેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને તેમનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે પદ્મશ્રી અને અર્જુના એવોર્ડી પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસીડેન્ટ ડૉ. દીપા મલિકે જણાવ્યું હતું કે પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શન હેઠળ દેશભરના દિવ્યાંગ ખેલાડીઓ તેમની શારીરિક ખામીઓથી ઉપર ઉઠી સખત મહેનત દ્વારા સફળતાના વિવિધ આયામો સર કર્યા છે. ટોક્યો અને રિયો ઓલમ્પિકમાં દિવ્યાંગ ખેલાડીઓએ મેઇન સ્ટ્રીમ રમતના ખેલાડીઓ કરતાં પણ શ્રેષ્ઠ દેખાવ કરી વધુ મેડલ મેળવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું દિવ્યાંગ રમત સ્પર્ધાઓમાં વર્લ્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણેના માપદંડો મુજબ જ રમત સ્પર્ધા યોજાય તે જરૂરી હોવાથી દિવ્યાંગ રમતવીરો માટે સવિશેષ સુવિધાઓ અગત્યની છે. વધુમાં નડિયાદ મુકામે રમતના આયોજન બદલ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતનો આભાર માન્યો હતો.આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.