અમેરિકા ભારત -ચીન સીમા વિવાદ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે

અમેરિકન વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા વેદાન્ત પટેલે કહ્યું અમેરિકા સીમા પાર કે વાસ્તવિક નિયંત્રમ રેખા પર ઘૂસણખોરી, સૈન્ય કે નાગરિક દ્વારા ક્ષેત્રીય દાવોને આગળ વધારવા માટે કોઇપણ એકતરફી પ્રયાસનો સખત વિરોધ કરે છે.
નવી દિલ્હી, અમેરિકાએ ફરી એકવાર ભારતના પક્ષમાં ચીનને ખરી ખોટી સંભળાવી દીધી છે. સંયુક્ત રાજ્ય અમેરિકા (યુએસ)એ સ્પષ્ટ રીતે કહ્યું કે તે કોઇપણ એકતરફી પ્રયાસ અને વાસ્તવિક નિંયત્રણ રેખા (એલએસી) પર ઘૂસણખોરીનો વિરોધ કરે છે.
ખાસ વાત છે કે, અમેરિકાનું આ નિવેદન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ભારત -ચીન સીમ પર તૈનાત પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકો સાથેની મુલાકાતના થોડાક દિવસો બાદ આવ્યુ છે. અમેરિકન વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા વેદાન્ત પટેલે કહ્યું કે, અમેરિકા ભારત -ચીન સીમા વિવાદ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.
આની સાથે જ તેમને કહ્યું કે, અમેરિકા સીમા પાર કે વાસ્તવિક નિયંત્રમ રેખા પર ઘૂસણખોરી, સૈન્ય કે નાગરિક દ્વારા ક્ષેત્રીય દાવોને આગળ વધારવા માટે કોઇપણ એકતરફી પ્રયાસનો સખત વિરોધ કરે છે. પટેલે કહ્યું કે અમેરિકા ભારત અને ચીનને વિવાદિત સીમાઓ પર ચર્ચા કરવા માટે હાલની દ્વીપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવો માટે પ્રોત્સાહિત કરે છે.
પટેલે નિયમિત રીતે મીડિયા બ્રીફિંગમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, ભારત અને ચીનના પાછળ હટી જવાના કારણે અમેરિકાને રાહત મળી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલની અમેરિકન એનએસએ જેક સુલિવન સહિત તમામ મોટા નેતૃત્વ સાથે વાતચીત માટે એક ખાસ પ્રવાસ પર વૉશિંગટન પહોંચતા પહેલા બાઇડન તંત્રએ કહ્યું કે અમેરિકા માટે ભારત એક ખુબ મહત્વપૂર્ણ ભાગીદાર છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦ થી સતત ભારત અને ચીનની વચ્ચે સીમા સંઘર્ષ ગરમાયેલો છે. એપ્રિલ ૨૦૨૦ બાદ ભારત અને ચીન સીમા મામલામાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિ પર રાજકીય અને સૈન્ય સહિત કેટલાય સ્તર પર વાતચીત થઇ છે. ભારત અને ચીનના સૈન્ય વચ્ચે સરહદે આવનાર સમયમાં થનારી હરકતને લઈને ગંભીર ચેતવણી આપવામાં આવી છે.
લદ્દાખના હિમાલય પ્રદેશમાં ભારતીય પોલીસ દ્વારા કરાયેલ સુરક્ષા મૂલ્યાંકનથી આશંકા ઉભી થઈ છે કે, ભારતીય અને ચીની સૈનિકો તેમની વિવાદિત સરહદ પર વધુ અથડામણ કરી શકે છે. કારણ કે બેઇજિંગ આ ક્ષેત્રમાં લશ્કરી માળખાને વધુ મજબૂત બનાવવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચેની અથડામણમાં ભારતના ૨૪ સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. સૈન્ય અને રાજદ્વારી વાતચીત બાદ એશિયાની બે મહાસત્તાઓ વચ્ચેનો તણાવ ઘણો ઓછો જરૂર થયો છે. પરંતુ ગયા વર્ષે જ ડિસેમ્બરમાં પણ પૂર્વી હિમાલય ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે નવી અથડામણ થઈ હતી, જાેકે તેમાં કોઈનું મૃત્યુ થયું નહોતું.
અથડામણમાં બંને પક્ષના સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ મૂલ્યાંકન લદ્દાખ પોલીસ દ્વારા નવા ગોપનીય સંશોધન પેપરનો એક ભાગ છે જે ૨૦ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન યોજાયેલી ટોચના પોલીસ અધિકારીઓની કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રોઇટર્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.