Western Times News

Gujarati News

“કાલિન ભૈય્યા” વતન પહોંચ્યાઃ ગ્રામજનો સાથે રુદ્ર મહાયજ્ઞમાં લીધો ભાગ

પંકજ ત્રિપાઠી પત્ની અને દીકરી સાથે પોતાના વતન પહોંચ્યા -મિર્ઝાપુરમાં કાલિન ભૈય્યાનો રોલ કરીને ખ્યાતિ મેળવનારા બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી હાલ પોતાના વતનમાં પહોંચ્યા

મુંબઈ,  વેબ સીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં ‘ગુરુજી’ તો ‘મિર્ઝાપુર’માં ‘કાલિન ભૈય્યા’નો રોલ કરીને ખ્યાતિ મેળવનારા બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી હાલ પોતાના વતનમાં પહોંચ્યા છે.

બિહારના ગોપાલગંજ જિલ્લામાં આવેલા બેલસંડ ગામના તેઓ વતની છે. પંકજ ત્રિપાઠી પોતાની પત્ની અને દીકરી સાથે પૈતૃક ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે રુદ્ર મહાયજ્ઞમાં પણ હાજરી પુરાવી હતી. જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.

પરંતુ ફરી એકવાર તેઓ પોતાના ગામની મુલાકાત લેશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પંકજ ત્રિપાઠી ગામમાં આવેલી માધ્યમિક સ્કૂલમાં સોલર સિસ્ટમ, પાણીની ટાંકી સહિતની મૂળભૂત સુવિધાઓનું નિરીક્ષણ કરશે અને તેનું ઉદ્‌ઘાટન કરશે.

આ સરકારી સ્કૂલને પંકજ ત્રિપાઠીના પરિવારના સભ્યોએ બનાવેલા ટ્રસ્ટ ‘બનારસ તિવારી હેમંતી દેવી ફાઉન્ડેશને’ દત્તક લીધી છે. આ ટ્રસ્ટ દ્વારા સ્કૂલમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની સાથે બાળકોને સ્પોર્ટ્‌સ કિટનું વિતરણ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. બાળકોને વધુ સારો માહોલ પૂરો પાડી શકાય તે હેતુસર સ્કૂલનું પુનઃનિર્માણ થયું છે

અને તેનું ઉદ્‌ઘાટન થવાનું છે. જે પંકજ ત્રિપાઠીના હસ્તે થશે. પંકજ ત્રિપાઠીના ભત્રીજા ડૉ. મદેશ તિવારીએ જણાવ્યું કે, પંકજ ત્રિપાઠી અહીં બે દિવસ સુધી રોકાવાના હતા. બરૌલીના બેલસંડ ગામમાં રામ-જાનકી મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. આ મંદિરમાં ૯ દિવસ સુધી રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના માટે કાશીથી ૯ વિદ્વાન પંડિતોને બોલાવવામાં આવ્યા છે. ગુરુવારે આ રુદ્ર મહાયજ્ઞમાં પંકજ ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સામેલ થયા હતા. પૂજામાં હાજરી આપ્યા બાજ તેઓ આગામી ફિલ્મના શૂટિંગ માટે દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ ફરી એકવાર એક દિવસ માટે ગામમાં પાછા આવશે અને સ્થાનિકો સાથે મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે, પંકજ ત્રિપાઠી બરૌલીના બેલસંડ ગામના રહેવાસી છે. તેમને પોતાના ગામ પ્રત્યે ખૂબ પ્રેમ છે. તેમને જ્યારે પણ બોલિવુડની વ્યસ્ત લાઈફમાંથી સમય મળે ત્યારે તેઓ ગામમાં રહેતા માતાપિતાને મળવા આવી જાય છે. ગ્લેમરની દુનિયામાં રહેતા પંકજ ત્રિપાઠી પર તેનો રંગ ચડ્યો નથી અને આજે પણ તેઓ ગામની માટી સાથે જાેડાયેલા છે.

તેઓ ફિલ્મી દુનિયાની લોકપ્રિય ચહેરો બની ગયા છે ત્યારે પંકજ ત્રિપાઠી બેલસંડ આવ્યા હોવાની જાણ થતાં જ લોકોના ટોળા તેમની ઝલક મેળવવા આવવા લાગ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.