Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાટણ જિલ્લા માહિતી કચેરીના ફિલ્મ ઓપરેટરને ભાવસભર વિદાયમાન અપાયું

માહિતી બ્યુરો, પાટણ, પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે છેલ્લા ૩૨ વર્ષથી સેવા આપતા ફિલ્મ ઓપરેટરશ્રી બટુકભાઈ બુસા વયનિવૃત થતા માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી. શ્રી બટુકભાઈ બુસાને જિલ્લા માહિતી પરિવાર દ્વારા શ્રીફળ-સાકર તેમજ સાલ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. વર્ષ ૧૯૯૧થી પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે પોસ્ટિંગ થયા બાદ છેલ્લા બત્રીસ વર્ષથી તેઓ પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે સેવાઓ આપી રહ્યા હતા.

સંયુક્ત માહિતી નિયામકશ્રી હિમાંશુ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા શ્રી બટુકભાઈ બુસાને શ્રીફળ, સાકર અને સાલ તેમજ મોમેન્ટો અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકશ્રી હિમાંશુ ઉપાધ્યાયે બટુકભાઈના કામને બિરદાવતા જણાવ્યું હતુ કે, બટુકભાઈ કચેરીની તમામ કામગીરીમાં સહભાગી બન્યા છે. તેઓનો નિવૃતિકાળ સુખરૂપ, આનંદમય, અને આરોગ્યમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમારે પણ બટુકભાઈની કામગીરીને યાદ કરતા તેઓને શુભેચ્છા પાઠવી હતી.

વય નિવૃતિ સમયે શ્રી બટુકભાઈ બુસાએ જણાવ્યું કે, પાટણ ખાતે છેલ્લા ૩૨ વર્ષથી સેવા આપી. આ ૩૨ વર્ષ ખુબ યાદગાર રહ્યા છે. ફરજ પરના કાર્યકાળ કચેરીના સ્ટાફ દ્વારા ખુબ જ સારો સહયોગ મળી રહ્યો. બટુકભાઈએ સૌનો આભાર વ્યક્ત કરીને આજરોજ વિદાય લીધી હતી. આ સાથે જ સંયુક્ત માહિતી નિયામકશ્રી હિમાંશુ ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામકશ્રી પાટણ કુલદીપ પરમાર, નિવૃત સંયુક્ત માહિતી નિયામકશ્રી આર.આર.તુરી, નિવૃત નાયબ માહિતી નિયામકશ્રી કાન્તાબેન પટેલ, પૂર્વ સહાયક માહિતી નિયામકશ્રી ભરતભાઈ રાવલ, તેમના પરિવારજનો, પત્રકારમિત્રો તેમજ અન્ય કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને સ્ટાફના સૌ મિત્રોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers