Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૨૦૨૩-૨૪માં દેશનો વિકાસ દર ૬.૮ ટકા રહેવાનો અંદાજ

કેન્દ્રીય નાણાંમંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યોઃ નોમિનલ જીડીપી ગ્રોથ ૧૧ ટકા રહેવાની સંભાવનાઓ ઃ કોરોના સંકટ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરી દેવાઇ

નવી દિલ્હી, સંસદમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણ આપ્યું હતું. ત્યાર બાદ કેન્દ્રીય નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે આર્થિક સર્વે રજુ કર્યો હતો. ૨૦૨૩-૨૪માં દેશનો વિકાસ દર ૬.૬ ટકાથી ૬.૮ ટકા સુધી રહેવાનું અનુમાન છે.નાણાંકિય વર્ષ ૨૦૨૪માં રિયલ જીડીપી ગ્રોથ ૬.૫ ટકા રહેવાનું અનુમાન છે.

નોમિનલ જીડીપી ગ્રોથ ૧૧ ટકા રહેવાની સંભાવનાઓ છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજાે તબક્કો ૧૩ માર્ચથી શરૂ થઈને ૬ એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન ૨૭ બેઠકો થશે.આર્થિક સર્વેક્ષણ પ્રમાણે દેશની આર્થિક વ્યવસ્થા ચાલુ નાણાકિય વર્ષના ૭ ટકાની તુલનામાં ૬.૫ ટકાથી વધશે. ગત વર્ષમાં વિકાસ દર ૮.૭ ટકા રહ્યો હતો.

ભારત વિશ્વમાં સૌથી વધુ આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહેશે. જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં એમએસએમઈના ક્રેડિટ ગ્રોથમાં ૩૦.૬ ટકાનો વધારો થશે.

ઈસીએલજીએસના કારણે એમએસએમઈના ક્રેડિટ ગ્રોથમાં વધારો થશે. કેપિટલ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થવાનું અનુમાન છે. જ્યારે કોર્પોરેટ અને બેંકિંગ સેક્ટરની બેલેન્સ શીટ મજબૂત હોવાનો પણ દાવો કરાયો છે. પીએમ ગતિ શક્તિ અને નેશનલ લોજિસ્ટિકથી મેન્યુફેક્ચરિંગને મજબૂતી મળશે.

કોરોનાકાળ બાદ દેશ ઝડપથી આગળ વધ્યો છે. દેશમાં ઉત્પાદનોમાં વૃદ્ધિ થઈ રહી છે. જ્યારે રોકાણોમાં પણ વધારો થયો છે. પીપીપી મામલે ભારત ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યો છે. જ્યારે વિનિમય દરના મામલે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દેશની અર્થવ્યવસ્થાએ કોરોનાકાળમાં જે ગુમાવ્યું હતું તે ફરીવાર મેળવી લીધું છે. વૈશ્વિક, આર્થિક અને રાજનૈતિક વિકાસને આધારે આગામી નાણાંકિય વર્ષમાં દેશનો વિકાસ દર ૬.૬ ટકાથી આઠ ટકા સુધી હશે.

આર્થિક સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૨૨-૨૩માં આર્થિક વિકાસ દર ૭ ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે, જ્યારે ૨૦૨૧-૨૨ માટે આર્થિક સર્વેક્ષણનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે ૨૦૨૨-૨૩માં, ભારતીય અર્થતંત્ર ૮ થી ૮.૫ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ હતો.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટને કારણે આર્થિક વિકાસ દર ગયા વર્ષે વ્યક્ત કરાયેલા અંદાજ કરતાં ઓછો હોઈ શકે છે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સંકટ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરી દેવામાં આવી છે અને કોરોનાને કારણે ખેતી પર તેની અસર ન્યૂનતમ જાેવા મળી છે. ઊંચા ફુગાવા દરથી ખાનગી રોકાણ અવરોધાયું છે.

બે વર્ષના કોરોનાને કારણે તે સમય થોડો મુશ્કેલીવાળો રહ્યો હતા અને તેના કારણે મોંઘવારી વધી જેને લીધે પોલિસીઓ પર પણ અસર થઇ હતી. સપ્લાય ચેઈન ખોરવાથી મોંધવારીમાં વધારો થયો હતો. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો કર્યો છે. કોરોનાની સૌથી વધુ અસર સર્વિસ સેક્ટર પર જાેવા મળી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers