માણેક ચોકના બુલિયન ટ્રેડર સાથે ૨૩ લાખની છેતરપિંડી
અમદાવાદ, ૪૦૦ ગ્રામ સોનું ખરીદીને બદલામાં ખોટી ચલણી નોટો પકડાવી અજાણ્યા શખ્સે ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સોમવારે શહેરના માણેક ચોકના એક બુલિયન ટ્રેડરે ખાડિયા પોલીસ સમક્ષ નોંધાવી હતી. નિકોલમાં રહેતા ૪૬ વર્ષીય નેનારામ ઘાંચીએ ફરિયાદમાં જણાવ્યા હતું કે, ૨૫મી જાન્યુઆરીએ સવારે એક અજાણ્યા શખ્સે તેમને ફોન કર્યો હતો અને પોતે કોટ વિસ્તારમાં બુલિયન ટ્રેડિંગની દુકાન ચલાવતો હોવાનું કહ્યું હતું.
‘નાકોડા બુલિયન્સ’ના માલિક તરીકે પોતાની ઓળખ આપનારા આ શખ્સે નેનારામને તેમની પાસેથી ૫૦૦ ગ્રામ સોનું ખરીદવા માગતો હોવાનું કહ્યું હતું. શખ્સે નેનારામને કહ્યું હતું કે, તે સોનાના બદલામાં રોકડ રકમ આપશે. જેના જવાબમાં તેમણે તેને કહ્યું હતું કે, હાલ તેમની પાસે ૪૦૦ ગ્રામ સોનું છે જે તેને વેચી શકે છે અને બાદમાં ૧૦૦ ગ્રામ સોનાની ગોઠવણ કરી આપશે.
૨૫મી જાન્યુઆરીએ સાંજે, નેનારામે તેને તેમની પાસેથી સોનું લઈ જવા માટે કહ્યું ત્યારે શખ્સે તેમને ઢાળની પોળ પાસે કોઈને સોનું લઈને મોકલવાનો આગ્રહ કર્યો હતો.
નેનારામે તેમના એક કર્મચારીને ઢાળની પોળ પાસે મોકલ્યો હતો જ્યારે શખ્સે તેને ચલણી નોટોથી ભરેલી બેગ આપી હતી અને તેની પાસેથી સોનું લઈ લીધું હતું. શખ્સે નેનારામના કર્મચારીને ૫૦૦ ગ્રામ સોનાના બદલામાં બેગમાં ૩૦ લાખ રૂપિયા મૂક્યા હોવાનું કહ્યું હતું. ૧૦૦ ગ્રામ સોનું નેનારામ પાસેથી લેવાનું બાકી હોવા છતાં તેણે ૭ લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા હોવાનું શખ્સે કર્મચારીને કહ્યું હતું.
જ્યારે બુલિયન ટ્રેડરે ચલણી નોટો તપાસી તો જાણવા મળ્યું હતું કે, શખ્સે માત્ર ઉપરના દરેક બંડલમાં જ અસલી નોટો મૂકી હતી અને બાકીની ચલણી નોટો નકલી હતી.
તેમણે પૈસા માગવા માટે ફોન કર્યો તો તેણે ડિસ્કનેક્ટ કરી દીધો હતો અને ત્યારબાદ કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. નેનારામે ખાડિયા પોલીસનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા શખ્સ સામે વિશ્વાસભંગ, છેતરપિંડી અને નકલી નાણા આપવાની ફરિયાદ નોંધાવી હતી.SS1MS