Western Times News

Gujarati News

નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજમાં કાવ્યગાન સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ અને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘કાવ્ય પઠન સ્પર્ધા’ અને ‘કાવ્યગાન સ્પર્ધા’ તથા ‘સ્વરચિત કાવ્ય લેખન સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ હર્ષની વાત છે કે આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્વરચિત કાવ્ય લેખન સ્પર્ધામાં ૧૨ તેમજ કાવ્ય પઠન અને કાવ્ય ગાન સ્પર્ધામાં ૪૮ વિદ્યાર્થીઓ એમ કુલ ૬૦ વિધાર્થીઓએ ભાગ લઈને સુંદર વાતાવરણ ઊભું કરી દીધું હતું.

કરુણ રસ, વીર રસ,હાસ્ય રસ અને શૃંગારસથી ભરપૂર કાવ્ય રચના ના પઠન તથા ગાન દ્વારા તેમજ ગઝલનો સુર છેડીને વિધાર્થીઓએ ખૂબ જ રસમય વાતાવરણ ઊભું કરી દીધું હતું. એટલું જ નહીં સ્વયં કોલેજના આચાર્યશ્રીએ ગઝલ ગાઈ ને તેમજ ત્રણેય વિભાગના અધ્યક્ષ તેમજ અધ્યાપકોએ પણ કાવ્ય વિશે પોતાની રુચિ પ્રગટ કરી કાવ્ય ગાન અને ગઝલ ગાન કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. મહેન્દ્રભાઈ દવે, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. કલ્પનાબેન ત્રિવેદી, હિન્દી વિભાગના અધ્યક્ષ ડો.રાનીબેન ગુર સહાની, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રા. નિશાબેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ડો. કલ્પનાબેન ત્રિવેદી,ડો. કલ્પનાબેન ભટ્ટ અને પ્રા.નિશાબેન વ્યાસે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. ત્રણે વિભાગના અન્ય અધ્યાપકોએ પણ આ સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.એ માં અભ્યાસ કરતા ગુજરાતી વિભાગના વિદ્યાર્થી ઝાલા આકાશે કર્યું હતું. આમ સમગ્ર સ્પર્ધા ગીત, ગુંજન, કાવ્યરસ,લય અને તાલમાં સુશોભિત થઈને સાર્થક નીવડી હતી.

સ્પર્ધાના અંતે ર્નિણય જાહેર કરવામાં આવ્યો તેમાં પ્રથમ નંબર અજય છાસટીયા, દ્વિતીય નંબર મંદાર મહેતા તેમજ તૃતીય નંબર ખોખર તહેસીનને પ્રાપ્ત થયો હતો. આચાર્યશ્રી તેમજ નિર્ણાયક ગણ અને અધ્યાપકોએ આ ત્રણેય વિજેતાઓને શુભકામનાઓ પાઠવી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.