પ્રધાનમંત્રી મોદી ભારત-ઓસી.વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ જાેવા અમદાવાદ આવશે
(એજન્સી)અમદાવાદ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ મેચની ટેસ્ટ શ્રેણી ૯ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ શ્રેણીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઈનલને લઈને આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન શ્રેણીની ચોથી મેચને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં યોજાનારી ટેસ્ટ મેચ જાેવા આવશે.
અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ જાેવા માટે પીએમ મોદી પણ સ્ટેડિયમ પહોંચશે.
આટલું જ નહીં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝની આ છેલ્લી મેચના સાક્ષી બનવા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ ભારત આવશે. એક અખબારના અહેવાલ મુજબ, બંને દેશોના વડાપ્રધાન સ્ટેડિયમમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જાેવા મળશે.
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક છે. આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ ૯ માર્ચથી શરૂ થશે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હોવાથી તેઓ પ્રથમવાર ક્રિકેટ મેચ જાેવા અમદાવાદ આવશે.
ઓસ્ટ્રેલિયન ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારત આવશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ૯ ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે. શ્રેણીની આગામી ત્રણ ટેસ્ટ મેચ દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદમાં રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તમામ મેચ જીતવી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાે ટીમ ઈન્ડિયા આ તમામ મેચ જીતી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર પણ બની જશે.