Western Times News

Gujarati News

ર૦૦રના દુષ્પ્રચારના રી-રનથી મોદીને ફાયદો થશે કે નુકસાન ?

(એજન્સી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ મનમાં મલકાઈ રહ્યા હશે. ર૦ર૪ની ક્રિટિકલ લોકસભાની ચૂંટણી હવે એક વર્ષ દૂર છે ત્યારે એમના કટ્ટર વિરોધીઓ જ એમની ચિંતા ઓછી કરી રહ્યા છે. રર વર્ષથી નરેન્દ્ર મોદી સતત પાવરમાં રહ્યા છે. પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હવે દેશના વડાપ્રધાન તરીકે, કોઈ કબૂલ કરે કે નહીં, એ હકીકત છે કે, નરેન્દ્ર મોદીની રાજકીય સફળતા અને અંગત લોકપ્રિયતા અતૂટ રાખવામાં એમના દૂશ્મનોનો મોટો ફાળો છે. જે ટોળકીએ ર૦૦રમાં નરેન્દ્ર મોદીને વિલન તરીકે ચીતરીને એમને ખતમ કરવાની કોશિશ કરી એ ફરીથી સક્રિય થઈ ગઈ છે. એમના દરેક પ્રયત્નો છતાં મોદીના અશ્વમેઘને તેઓ રોકી શક્યા નથી, દરેક દાવ અજમાવી જાેયા પછી પણ એમના હાથ હેઠા પડ્યા એટલે એમનો જુનો આલાપ ફરીથી શરૂ કર્યો છે.

ર૦૦રના કોમી રમખાણો માટે મોદી જ જવાબદાર હોવાની પિપૂડી લાગવી શરૂ થઈ ગઈ છે. ભારત પર ર૦૦ વર્ષ સુધી રાજ કર્યું હોવાનો નશો જેમને ઉતર્યો નથી, ફકત ચામડીનો રંગ ગોરો હોવાથી જ પોતાને સુપિરિયર માનતા તેમજ આર્થિક રીતે ખોખલા થઈ ગયેલા બ્રિટનની એક ચેનલે ગુજરાતમાં થયેલા ર૦૦રના કોમવાદી હુલ્લડો પર બે ભાગની એક ડોકયુમેન્ટરી બનાવી. વીસ વર્ષ સુધી એમને આ ડોકયુમેન્ટરી બનાવવાનું નહીં સુઝયું. ર૦ર૪ની રાષ્ટ્રીય ચૂંટણી પહેલા મોદીની ઈમેજ ખરડવાનો પ્રયત્ન કેમ કરવામાં આવ્યો એ સમજવા માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી.

સંપૂર્ણ રીતે ડાબેરી, હિન્દુ વિરોધી અને સ્યૂડો સેક્યુલર બ્રિટિશ ચેનલના સંચાલકો અને પ્રોડ્યુસરો આંતરરાષ્ટ્રીય સ્તરે મોદી અને ભારતની ઈમેજ ડેમેજ કરવા માંગતા હતા. ફરીથી ગુજરાત સહિત દેશના બીજા ભાગોમાં પણ કોમી આગ ફેલાવવા માગતા હતા. ર૦ વર્ષ સુધી એમણે વાપરેલા તમામ હથિયારો બોદા સાબિત થયાં હતાં. મોદીને માત આપવા માટે એમણે ગાંધી કુટુંબ, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, લબાડ લેફિટસ્ટો, ભ્રષ્ટ મીડિયા, સમાજદ્રોહી અર્બન નકસલોને અજમાવી જાેયા. બધા હવાઈ ગયેલા સુતળી બોમ્બની જેમ ફૂસ થઈ ગયા. ત્યાં જ એમની ઉંઘ હરામ થઈ જાય એવી વાત નરેન્દ્ર મોદીએ કરી. ભાજપના નેતાઓ અને કાર્યકરોને મોદીએ સાફ શબ્દોમાં સમજાવી દીધું કે, મુસ્લિમો પ્રત્યે દ્વેષભાવ રાખો નહીં. મુસ્લિમો ભાજપને ભલે મત નહીં આપે, એમને સાચવો, ટ્રિપલ તલાક નાબુદી જેવા સુધારાવાદી પગલાને કારણે મુસ્લિમ મહિલાઓની દૃષ્ટિ પણ ભાજપ માટે બદલાવા માડી હતી.

નરેન્દ્ર મોદીને કોમવાદી ઠેરવવાનું હવે એમના માટે સરળ રહ્યું નહોતું. વીસ વર્ષ દરમિયાન ગુજરાતમાં એકપણ કોમવાદી હુલ્લડો થયા નહોતાં. કરફયુ એટલે શું એની ખબર નવી પેઢીને નથી. ઉત્તર પ્રદેશ જેવા સંવેદનશીલ રાજયમાં પણ શાંતિ સ્થપાઈ ગઈ, હુલ્લડો પર મટન શેકનારાઓ હતાશ થઈ ગયા અને એટલે જ આ ડોકયુમેન્ટરી ફિલ્મનું તિકડમ કરવામાં આવ્યું.

જાેકે, જયારે જયારે મોદીને ‘મોત કા સોદાગર’ ‘ફાસિસ્ટ’ ‘કૂવામાના દેડકા’, ‘માસ મર્ડરર’… જેવા વિશેષણોથી નવાજવામાં આવ્યા ત્યારે ત્યારે મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે જવાને બદલે ઉપર તરફ જગયો છે. ર૦૦રમાં ગોધરા ખાતે ટ્રેઈનનો ડબ્બો સળગાવીને પ૮ જેટલા નિર્દોષ રામભક્તોની અતિક્રૂર રીતે હત્યા કરવામાં આવી ત્યાર પછી ફાટી નીકળેલા આક્રોશને કારણે ગુજરાત ભડકે બળ્યું. એઝ યુઝવલ સસ્પેકટો તરત જ મેદાનમાં આવી ગયા. એમની આંખોમાં ખાસ પ્રકારની ચમક હતી. દિવસો સુધી કેટલીક ન્યુઝ ચેનલો, રાષ્ટ્રિય અખબારો અને કહેવાતા લિબરલો મોદીની પાછળ બટર ચિકન ખાઈને લાગી ગયા.

જાેકે ગુજરાતની શાણી જનતા બધુ જ જાણતી હતી. જેમ જેમ મોદીને કટ્ટર હિન્દુવાદી તરીકે પ્રોજેકટ કરીને એમની વિરુદ્ધ ષડયંત્રો રચાતા ગયા તેમ તેમ રાજકિય રીતે મોદી મજબૂત થતા ગયા. મોદીની લોકપ્રિયતાનો ઉંડો પાયો નાંખવામાં સેકયુલરોએ ખૂબ મદદ કરી !
અને એટલે જ ગોરાઓના સડેલા દિમાગમાંથી ઉપજેલો નવો પ્લાન પણ નરેન્દ્ર મોદીને નુકસાન નહીં, ફાયદો જ કરશે. ર૦૦રમાં આ દાવ ખેલનારાઓ તો આ ઠોસ સત્ય જાણે જ છે ! જેઓ નથી જાણતા, એમને હવે જાણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.