Western Times News

Gujarati News

કોલેજમાં લેકચરરથી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીની સફર

ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસનો પરિચય -ચીફ જસ્ટિસ સોનિયા જી. ગોકાણીનો જન્મ 1961ની 26 ફેબ્રુઆરીએ જામનગરમાં થયો હતો. તેઓ ન્યાયીક સેવામાં જોડાયા ત્યારે 5 વર્ષ ગ્રાહક ફોર્મમાં કામગીરી કરી હતી.જે પછી 1995માં ડિસ્ટ્રીકટ જજ તરીકે સીધી નિમણુંક મેળવી હતી.

જે દરમિયાન મુખ્યત્વે સિવિલ અને ક્રિમિનલ કેસો પર કામ કર્યું હતું. કાયદા અંગેની તેમની સૂઝબૂઝને ધ્યાને લઇ ટાડાની સ્પેશ્યલ કોર્ટમાં તેમની ખાસ જજ તરીકે નિમણુંક થઈ.

વર્ષ 2003થી 2008 દરમિયાન સ્પેશ્યલ કોર્ટના જજ તરીકે આતંકવાદ વિરોધી કાયદા હેઠળના કેસમાં મહત્વના ચુકાદા આપ્યા હતા. 17 ફેબ્રુઆરી 2011માં તેઓ હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણુંક પામ્યા અને 25 ફેબ્રુઆરીમાં 2023ના રોજ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલાં જ તેઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે.

મૂળ જામનગરના વતની સોનિયા ગોકાણી કે.પી. શાહ લો કોલેજમાં લેક્ચરર હતા.  ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીએ માઈક્રોબાયોલોજી સાથે બીએસસીનો અભ્યાસ કર્યા પછી એલ.એલ.બી. (સ્પેશ્યલ) અને એલ.એલ.એમ. (ક્રિમિનલ)નો અભ્યાસ કરેલો. તેઓ મૂળ જામનગરના વતની હોય અહીંની કે.પી. શાહ લો કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપી હતી.

હાલમાં જ ગુજરાતના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંક થયેલી. જેથી મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી હોય ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ન્યાયમૂર્તિ સોનિયા જી. ગોકાણીની નિમણુંક કરાઈ છે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શ્રી ધનંજય વાય ચંદ્રચુડના આદેશમાં જણાવ્યું છે કે, 31 જાન્યુઆરી 2023 ના રોજના ઠરાવ દ્વારા, કોલેજિયમે ન્યાયાધીશ શ્રી અરવિંદ કુમારને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે બઢતીની ભલામણ કરી હતી. જેથી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની જગ્યા ભરવા જણાવાયું હતું.

શ્રીમતી જસ્ટિસ સોનિયા જી ગોકાણી ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. તેણીની નિમણૂક 17 ફેબ્રુઆરી 2011 ના રોજ કરવામાં આવી હતી અને 25 ફેબ્રુઆરી 2023 ના રોજ નિવૃત થવાના છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.