લગ્ન પ્રસંગમાં જઈ રહેલા નણંદ-ભાભીના બેગમાં મૂકેલા 6.5 લાખના દાગીનાનો ડબ્બો ગાયબ

પ્રતિકાત્મક
આણંદ શહેરના બસસ્ટેન્ડમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયેલી તસ્કર ટોળી દ્વારા મુસાફરોના મોબાઈલ ફોનો તેમજ સોના-ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુઓની ચોરીઓ કરવામાં આવી રહી છે.
ત્યારે બોરસદથી આણંદના બસસ્ટન્ડમાં આવેલી બે મહિલાના ૩૧ તોલા સોનાના દાગીના કે જેની કિંમત ૬.૫૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તેની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર બોરસદ ખાતે રહેતા ફરિયાદી સુમનબેન પિયુષભાઈ મહેશ્વરી (મારવાડી)ગત ૨૪મી જાન્યુઆરીના રોજ બપોરના સુમારે પોતાની ભાભી ભાવિકાબેન શાહ (રે. મોડાસા)સાથે નડિયાદ ખાતે મામાના દીકરાના લગ્ન પ્રસંગમાં જવાનું હોય આણંદથી બસ મારફતે આણંદના નવા બસસ્ટેન્ડમાં આવ્યા હતા.
જ્યાં થોડો સમય બસની રાહ જોયા બાદ આણંદ-મેઢાસણ એસટી બસમાં સવાર થયા હતા. દરમ્યાન કોઈ તસ્કરોએ તેમની લગેજ બેગમાંથી એક નાનો ડબ્બો કે જેમાં સુમનબેન અને ભાવિકાબેનના કુલ ૩૧ તોલા સોનાના દાગીના મુક્યા હતા તેની ચોરી કરી લીધી હતી. બસમાં બેઠા બાદ સુમનબેનને ચોરી થયાની જાણ થતાં જ તેમણે બુમરાણ મચાવી મુકી હતી પરંતુ કોઈ મળી આવ્યુ નહોતુ.
ત્યારબાદ આજદિન સુધી તપાસ કરી હતી પરંતુ તસ્કર કે સોનાના દાગીનાનો કોઈ અત્તોપત્તો ના મળતાં આખરે આજે શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.