Vadodara: ત્રણ હજાર લોકોને વ્યાજખોરીના દૂષણમાંથી બચાવી બેંકમાંથી લોન અપાવાઈ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત બેંક લોન મંજૂરીપત્ર અપાયા
(માહિતી) વડોદરા, વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધની ઝૂંબેશ અંતર્ગત વડોદરા શહેર-જિલ્લા પોલીસ દ્વારા શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણમાંથી બચાવવા નાગરિકોને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે બેંક લોનના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધ યુદ્ધના ધોરણે ઝૂંબેશ ચલાવવા બદલ વડોદરા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વ્યાજખોરો માટે ગુજરાતમાં કોઈ સ્થાન નથી. વ્યાજખોરીનું દૂષણ ચલાવનારાઓ ગુજરાત બહાર જતા રહે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આ અભિયાન હેઠળ અત્યાર સુધી ત્રણ હજાર જેટલા પરિવારોને ના તો માત્ર વ્યાજખોરીના વિષચક્રમાંથી બચાવી લેવાયા છે, પરંતુ તેને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી બેંકમાંથી લોન અપાવી પોલીસે માનવીય અભિગમ દાખવ્યો છે.
શ્રી સંઘવીએ ઉપસ્થિત લાભાર્થીઓ અને અન્ય નાગરિકો પાસેથી સંકલ્પ લેવડાવ્યા હતા કે, તેઓ ક્યારેય ડાયરીના રૂપિયા નહીં લે. વ્યાજનું દૂષણ ચલાવનાર વ્યાજખોરોની લોભામણી વાતો કે જાહેરાતોમાં ન આવવા માટે પણ તેમણે ઉપસ્થિત લોકો પાસેથી સંકલ્પ લેવડાવ્યો હતો. શ્રી સંઘવીએ મક્કમતાથી કહ્યું કે, વ્યાજખોરીનું વિષચક્ર ચલાવવામાં જે કોઈ પણ સંડોવાયેલું હશે, તેને છોડવામાં નહીં આવે. વ્યાજખોરો વિરુદ્ધ માત્ર થોડા સમય માટે નહીં, પરંતુ જીવનભર આ અભિયાન ચલાવવામાં આવે તેવી તેમણે ગુજરાત પોલીસને સૂચના આપી હતી.
શ્રી સંઘવીએ કલેક્ટરશ્રી અતુલ ગોરને લાભાર્થીઓ માટે તત્પરતા, માનવીય અભિગમ અને અંગત રસ દાખવવા બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધ ચાલતા આ અભિયાનમાં પોલીસ કાર્યવાહી વિશે વિગતો આપતા શ્રી સંઘવીએ જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી ચાલતા આ અભિયાનમાં ગુજરાત પોલીસે ખૂણે-ખૂણેથી વ્યાજખોરોને પકડ્યા છે અને જેલમાં ધકેલ્યા છે.
અત્યાર સુધી ૧૩ હજારથી વધારે લોકોને અલગ-અલગ બેંક મારફત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાવવામાં આવી છે. અને લોનની રકમનો આંકડો રૂ. ૧૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૩૫૦૦થી વધારે પોલીસ દ્વારા લોક દરબાર યોજાયા છે, જેમાં વ્યાજખોરીના પીડિતોએ કરેલી ફરિયાદો- રજૂઆતોને ગંભીરતાથી લઈને એક હજારથી વધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.