Western Times News

Gujarati News

અદ્યતન ટેકનોલોજીથી ગુન્હાઓ ઉકેલતી રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી

નાર્કો-એનાલિસીસ, બ્રેઇન ઇલેક્ટ્રીકલ ઓસીલેશન સિગ્નેચર પ્રોફાઇલીંગ, સસ્પેકટ ડીટેકશન સીસ્ટમ, લેયર્ડ વોઇસ એનાલીસીસ, સાયકોલોજીકલ એસેસમેન્ટ, આઇ ડિટેકટર, પોલિગ્રાફ જેવી અત્યાધુનિક ટેકનોલોજીથી ઉકેલાય છે ગુન્હાઓ

વિધાનસભા ગૃહ ખાતે લેયર્ડ વોઇસ એનાલીસીસ પદ્ધતિ અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુન્હાઓ ઉકેલવામાં આવી રહ્યાં છે. State Forensic Science Laboratory solving crimes with advanced technology

LVA (લેયર્ડ વોઇસ એનાલીસીસ) ઉપકરણમાં રૂબરૂ પૂછપરછ કરીને તેમજ ઓનલાઇન તથા વ્યક્તિની રેકર્ડ કરેલી વાતચીતનું પૃથક્કરણ કરીને સચોટ અભિપ્રાય આપવામાં આવે છે. લેયર્ડ વોઇસ એનાલીસીસ પદ્ધતિનો ઉપયોગ રાજ્યની એફ. એસ. એલ. દ્વારા વર્ષ ૨૦૧૧થી કરવામાં આવી રહ્યો છે.

મંત્રીશ્રીએ લેયર્ડ વોઇસ એનાલીસીસથી ઉકેલવામાં આવેલા ગુન્હાઓ વિશે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ખૂનના ૩૨ કેસમાં ૯૫ વ્યક્તિઓ, જાતીય અત્યાચારના ૧૪ કેસમાં ૩૨ વ્યક્તિઓ, ભ્રષ્ટાચારના ૧૧૦ કેસમાં ૧૫૩ વ્યક્તિઓ, એટ્રોસિટીના ૧૯ કેસમાં ૮૦ વ્યક્તિઓ મળી કુલ ૧૭૫ ગુનામાં કુલ ૩૩૩ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે.

જ્યારે, અત્યાર સુધીમાં ૯૫૮ ગુનાઓમાં કુલ ૨૦૭૮ વ્યક્તિઓની તપાસ આ પદ્ધતિથી કરવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગૃહમાં રાજ્યની એફ.એસ.એલ.માં બ્રેઇન મેપિંગ માટે કોઇ ટેક્નોલોજી ઉપલબ્ધતા તથા તે અંગે છેલ્લા બે વર્ષમાં રાજ્ય બહારના કેસોમાંથી થયેલી કુલ પરીક્ષણ ફીની આવક અંગે પૂછાયેલ

અન્ય પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યની એફ.એસ.એલ.માં બ્રેઇન મેપિંગ માટે બ્રેઇન ઈલેક્ટ્રીકલ ઓસીલેશન સિગ્નેચર પ્રોફાઇલીંગ (BEOS) ટેક્નોલોજી ઉપલબ્ધ છે. તેના પૃથ્થકરણના આધારે વ્યક્તિના મગજમાં ગુનો કર્યા અંગેનું અનુભવિક જ્ઞાન છે કે કેમ, તે નક્કી કરવામાં આવે છે. બી.ઇ.ઓ.એસ. ટેસ્ટ કરવા માટે વ્યક્તિની સ્વૈચ્છિક સંમતિ તથા કોર્ટ ઓર્ડર અનિવાર્ય છે.

રાજ્યની એફ.એસ.એલ. દ્વારા છેલ્લા બે વર્ષમાં બી.ઇ.ઓ.એસ. ટેસ્ટથી રાજ્ય બહારના ૩૭ કેસમાં કુલ ૭૬ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે.  તેમજ આ ટેસ્ટથી  કેસોના પૃથ્થકરણ માટે નમૂના દીઠ રૂ. ૭૩,૨૦૫ની પરીક્ષણ ફી લેવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય બહારના કેસોથી રાજ્યની એફ.એસ.એલ.ને કુલ રૂ. ૫૫,૬૩,૫૮૦ની આવક થયેલ છે.

રાજ્યની ફોરેન્‍સિક સાયન્‍સ લેબોરેટરીમાં ઉપયોગમાં લેવાતી અદ્યતન ટેકનોલોજીઓ વિશેના પૂરક પ્રશ્ન અન્વયે વિગતો પૂરી પાડતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની ફોરેન્‍સિક સાયન્‍સ લેબોરેટરીમાં સાયકોલોજીકલ તપાસ માટે નીચે મુજબની અદ્યતન ટેકનોલોજીઓ વસાવવામાં આવેલ છે.

એફ. એસ. એલ. દ્વારા ગુન્હાઓ ઉકેલવા માટે નાર્કો-એનાલિસીસ, બ્રેઇન ઇલેક્ટ્રીકલ ઓસીલેશન સિગ્નેચર પ્રોફાઇલીંગ (BEOS), સસ્પેકટ ડીટેકશન સીસ્ટમ, લેયર્ડ વોઇસ એનાલીસીસ (LVA), સાયકોલોજીકલ એસેસમેન્ટ, આઇ ડિટેકટર, લાય ડિટેકટર (પોલિગ્રાફ) જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.