Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગુજરાતની પુરુષ ટીમે કબડ્ડીમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતની મહિલા ટીમ પ્રથમ વખત ગ્રૂપ સ્ટેજ સુધી પહોંચી

(માહિતી) અમદાવાદ, ભારત સરકાર કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે ન્યૂ મલ્ટી પર્પસ હોલ, પરેડ ગ્રાઉન્ડ, દેહરાદુન, ઉત્તરાખંડ ખાતે તારીખ ૨૦થી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન અખિલ ભારતીય કબડ્ડી ટુર્નામેન્ટ સ્પર્ધા ૨૦૨૨ – ૨૩નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાત સચિવાલય ટીમની પુરુષ અને મહિલા ટીમ એમ થઇને બે ટીમોએ ભાગ લીધો હતો.

આ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટમાં ગુજરાતની પુરુષ ટીમે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને કબડ્ડીમાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજાે ક્રમાંક મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જ્યારે ગુજરાતની મહિલા ટીમ પ્રથમ વખત ગ્રૂપ સ્ટેજ સુધી પહોંચી શકી. આમ ગુજરાત સચિવાલયની બંને ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે.

ગુજરાત કબડ્ડી ટીમના કેપ્ટન તરીકે હિતેશ ટોરીયાના નેતૃત્વ હેઠળ જયદીપ ચૌધરી, દિલીપ ચૌધરી, કેતન પટેલ, જીગ્નેશ પટેલ, ઘનશ્યામ પટેલ, યોગેશ પરીખ, અરવિંદ ચૌધરી, વિકાસ પટેલ, અંકિત જાેશી, નાગજીભાઈ મીર, અજય ચારેલ, નિખિલ રૂડાણી, વિનેશ ચૌધરીએ ભાગ લીધો હતો. ટીમના મેનેજર તરીકે સંજય બરંડા અને શિરિષ સંગાડાએ પ્રતિનિધિત્વ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં કબડ્ડીમાં ગુજરાતે પ્રથમ વખત મેડલ પ્રાપ્ત કરીને નવો ઇતિહાસ રચ્યો છે. વિજેતા ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

ભાઈઓની સાથે બહેનોએ પણ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ટીમના કેપ્ટન જયા ખાંટના નેતૃત્વમાં દર્શના પટેલ, નૂતન માલવિયા, પારુલ નિનમા, સીમા શાહ, મોંઘી ચૌધરી, ઉર્વિશા ઝાલા, વર્ષા સિસોદિયા, જાગૃતિ પટેલ, તેજલ ચૌહાણ, હર્ષા ઠાકોર, વેજલ પટેલ, શ્રદ્ધા બારડે ભાગ લીધો હતો. તેમજ મેનેજર તરીકે ઉમાબેન કાતરીયાએ ભાગ લીધો અને બહેનોએ પણ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગ્રૂપ સ્ટેજ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દહેરાદુન ખાતે કબડ્ડીની નેશનલ ઇવેન્ટમાં ભાગ લેતા પૂર્વે ગુજરાતની પુરુષ અને મહિલા ટીમના ખેલાડીઓ માટે સ્પેશિયલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અથાગ મહેનતના પરિણામે ગુજરાતની પુરુષ અને મહિલા ટીમના ખેલાડીઓ નેશનલ લેવલ પર પણ ઝળક્યા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આગામી વર્ષે યોજાનાર કબડ્ડીની નેશનલ ઇવેન્ટમાં ગુજરાતની ટીમ વધુ સારું પ્રદર્શન કરે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers