Western Times News

Gujarati News

ઇ-સંજીવની: આ એપથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડોકટર પાસેથી બિમારી વિશે સૂચન લઇ શકાય છે

Mann ki baat PM Modi (98)

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતની  આ ૯૮મી કડીમાં આપ સૌની સાથે જોડાઇને મને ખૂબ આનંદ આવી રહ્યો છે. સેન્ચ્યુરી તરફ વધી રહેલી મન કી બાતને તમે બધાએ, સહભાગીદારીથી અદભૂત પ્લેટફોર્મ બનાવી દીધું છે.

દરમહિને લાખો સંદેશાઓમાં કેટલાય લોકોની મન કી બાત મારા સુધી પહોંચે છે. તમે તમારા મનની શક્તિને તો જાણો જ છો, તેવી જ રીતે, સમાજની શક્તિથી કેવી રીતે દેશની શક્તિ વધે, તે આપણે મન કી બાતની અલગઅલગ કડીઓમાં જોયું, સમજ્યું અને મે અનુભવ કર્યો છે, સ્વીકાર પણ કર્યો છે.

મને તે દિવસ યાદ છે, જયારે આપણે મન કી બાતમાં ભારતના પરંપરાગત ખેલકૂદને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તે પછી તરત જ દેશમાં ભારતીય ખેલકૂદ સાથે જોડાવાની, તેમાં રમવાની, અને તેને શીખવાની એક લહેર વ્યાપી ગઇ હતી. મન કી બાતમાં જયારે પણ ભારતીય રમકડાંની વાત થઇ ત્યારે દેશના લોકોએ તેને પણ ઉત્સાહભેર વધાવી લીધી હતી.

હવે ભારતીય રમકડાઓનો એટલો ક્રેઝ વધ્યો છે કે, વિદેશોમાં પણ તેની માંગ ખૂબ વધી રહી છે. જયારે મન કી બાતમાં આપણે સ્ટોરી ટેલીંગમાં ભારતની વિવિધ પધ્ધતિઓ વિશે વાત કરી, ત્યારે તેની ખ્યાતિ પણ દૂરદૂર સુધી વ્યાપી ગઇ. વધુને વધુ લોકો ભારતની સ્ટોરી ટેલીંગની પદ્ધતિઓ તરફ આકર્ષિત થવા લાગ્યા.

મિત્રો, તમને યાદ હશે, સરદાર પટેલ જયંતિ પર એટલે કે , એકતા દિવસના અવસર પર મન કી બાતમાં આપણે ૩ સ્પર્ધાની વાત કરી હતી. આ સ્પર્ધાઓ,  દેશભક્તિ પર ગીત, હાલરડાં અને રંગોળી હતી. મને એ જણાવતાં આનંદ થાય છે કે આ સ્પર્ધાઓમાં સમગ્ર દેશના ૭૦૦થી વધુ જીલ્લાઓના પાંચ લાખથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બાળકો, મોટાઓ, અને વડીલો બધાંએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો અને ૨૦થી વધુ ભાષાઓમાં તેની એન્ટ્રીઝ મોકલી હતી. આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા દરેક સ્પર્ધકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમારામાંથી દરેક પોતાનામાં જ ચેમ્પિયન છે, કલાસાધક છે. તમે દરેકે સાબિત કર્યું કે, પોતાના દેશની વિવિધતા અને સંસ્કૃતિ માટે તમારા હૃદયમાં કેટલો પ્રેમ છે.

મિત્રો, આજે આ અવસર પર મને લતા મંગેશકરજી, લતા દીદીની યાદ આવે તે ખૂબ સ્વાભાવિક છે, કેમ કે, જયારે આ સ્પર્ધાઓ શરૂ થઇ હતી ત્યારે લતા દીદીએ ટ્વીટ કરીને દેશની જનતાને વિનમ્ર આગ્રહ કર્યો હતો કે, તેઓ આ સ્પર્ધામાં જોડાય.

મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.

(Kannad Sound Clip (35 seconds) HINDI Translation)

“સૂઇ જા, સૂઇ જા, દિકરા,

મારા સમજદાર દિકરા, સૂઇ જા

દિવસ પૂરો થયો છે, અને અંધારૂં છવાઇ ગયું છે,

નિંદર રાણી આવી જશે,

તારાઓના બગીચામાંથી,

સપનાઓ લઇને આવશે,

સૂઇ જા, સૂઇ જા,

જોજો….જો… જો…

જોજો….જો… જો…”

અસમના કામરૂપ જીલ્લાના રહેવાસી દિનેશ ગોવાલાજીએ આ સ્પર્ધામાં બીજો પુરસ્કાર જીત્યો હતો. તેમણે જે હાલરડું લખ્યું છે તેમાં પ્રદેશની માટી અને સ્ટીલના વાસણો બનાવનાર કારીગરોની પ્રખ્યાત કળાની છાપ છે.

(Assamese Sound Clip (35 seconds) HINDI Translation)

કુંભાર દાદા થેલો લઇને આવ્યા છે,

થેલામાં શું છે ?

ખોલીને જોયું કુંભારના થેલાને,

થેલામાં હતી એક સુંદર કટોરી !

મારી ગુડિયાએ કુંભારને પૂછ્યું,

કેવી છે આ નાની કટોરી!

ગીત અને હાલરડાંની જેમ જ રંગોળી સ્પર્ધા પણ ખૂબ લોકપ્રિય રહી. તેમાં ભાગ લેનારાઓએ એક એકથી ચડિયાતી સુંદર રંગોળી બનાવીને મોકલી. તેમાં વિજેતા, પંજાબના કમલકુમાર રહ્યાં. તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને અમર શહીદ વીર ભગતસિંહની ખૂબ જ સુંદર રંગોળી બનાવી હતી.

મહારાષ્ટ્રના સાંગલીના સચિન નરેન્દ્ર અવસારીજીએ  પોતાની રંગોળીમાં જલિયાંવાલા બાગ અને તેનો નરસંહાર અને શહીદ ઉધમસિંહની બહાદૂરીને ચિત્રિત કરી હતી. ગોવાના રહેવાસી ગુરૂદત્ત વાન્ટેકરજીએ ગાંધીજીની રંગોળી બનાવી હતી, જયારે પોંડીચેરીના મલાતિસેલ્વમજીએ પણ આઝાદીના કેટલાય મહાન નેતાઓ પર કેન્દ્રિત રંગોળી બનાવી હતી.

દેશભક્તિ ગીત પ્રતિયોગિતાના વિજેતા આંધ્રપ્રદેશના ટી.વિદય દુર્ગાજી છે. તેમણે તેલુગુમાં પોતાની રચના મોકલી હતી. તેમણે પોતાના પ્રદેશના પ્રસિદ્ધ સ્વતંત્રસેનાની નરસિંહા રેડ્ડી ગારૂજીથી ઘણા પ્રેરિત રહ્યા છે, તમે પમ સાંભળો, વિજય દુર્ગાજીની રચના.

(Telugu Sound Clip (27 seconds) HINDI Translation)

રેનાડું પ્રાંતના સૂરજ,

હે વીર નરસિંહ !

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અંકુર છો, અંકુશ છો!

અંગ્રેજોના ન્યાય રહિત નિરંકુશ દમનકાંડને જોઇને

તારૂં લોહી ઉકળ્યું અને જ્વાળા બન્યો !

રેનાડું પ્રાંતના સૂરજ,

હે વીર નરસિંહ!

તેલુગુ પછી હવે હું તમને મૈથિલીમાં એક ક્લીપ સંભળાવું છું. જેને દીપક વત્સજીએ મોકલી છે. તેમણે પણ આ સ્પર્ધામાં પુરસ્કાર મેળવ્યો છે.

(Maithili Sound Clip (30 seconds) HINDI Translation)

ભારત વિશ્વની શાન છે ભાઇ,

આપણો દેશ મહાન છે,

ત્રણેય દિશાઓ સમુદ્રથી ઘેરાયેલી,

ઉત્તરમાં કૈલાશ બળવાન છે,

ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી,

કોશી, કમલા,

આપણો દેશ મહાન છે ભાઇ,

તિરંગામાં પ્રાણ છે,

મિત્રો આશા છે કે, તમને આ ક્લીપ ગમી હશે. સ્પર્ધાઓમાં આવેલી આ પ્રકારની રચનાઓની યાદી ખૂબ લાંબી છે, તમે સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઇટ પર જઇને તમારા પરિવાર સાથે મળીને તેને જોઇ અને સાંભળી શકો છો, તમને ખૂબ પ્રેરણા મળશે.

મારા વ્હાલા દેશવાસીઓ, હવે બનારસની વાત કરીએ, શરણાઇની કરીએ, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાનની જયારે વાત હોય, ત્યારે સ્વાભાવિક છે મારૂં ધ્યાન તે તરફ આકર્ષાય. થોડાક દિવસ પહેલાં “ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન યુવા પુરસ્કાર” આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર સંગીત અને કલા ક્ષેત્રના નવા ઉભરી રહેલા પ્રતિભાશાળી કલાકારોને આપવામાં આવે છે.

આ કલાકારો કલા અને સંગીત વિશ્વની લોકપ્રિયતા વધારવાની સાથે તેના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ તમામમાં તે કલાકારો પણ સમાવિષ્ટ છે જેમણે એવા વાદ્યોમાં પોતાનું જીવન ખર્ચી નાંખ્યું જે વાદ્યોની ખ્યાતિ સમયની સાથે ઓછી થઇ રહી છે. હવે તમે બધા જ આ સાઉન્ડ ક્લીપને ધ્યાનથી સાંભળો.

(Sound Clip (21 seconds) Instrument- ‘सुरसिंगार’, Artist -जॉयदीप मुखर्जी)

શું તમે જાણો છો કે આ ક્યું વાદ્ય છે ?  શક્ય છે કે તમને કદાય ખબર ના પણ હોય ! આ વાદ્યનું નામ “સુરસિંગાર” છે. અને આ ધૂનને તૈયાર કરી છે જોયદિપ મુખર્જીએ. જોયદીપજી, ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન પુરસ્કારથી સન્માનિત યુવાનોમાં સામેલ છે. આ વાદ્યની ધૂન છેલ્લા ૫૦ અને ૬૦ દસકાઓથી દુર્લભ થઇ ગઇ હતી.

પરંતુ જોયદીપ સુરસિંગારને ફરીથી પ્રખ્યાત બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. તેવી જ રીતે એક બહેન ઉપ્પલપૂ નાગમણિજીનો પ્રયાસ પણ ખૂબ જ પ્રેરિત કરે છે, તેમણે મેન્ડોલીનમાં કર્ણાટક વાદ્યયંત્રમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેવી જ રીતે સંગ્રામસિંહ સુહાસ ભંડારેજીને વારકરી કીર્તન માટે પુરસ્કાર મળ્યો છે, આ યાદીમાં માત્ર સંગીત સાથે જોડાયેલ કલાકારો જ નહિં –

વી દુર્ગા દેવીજીને નૃત્યની એક પ્રાચીન શૈલી, “કરકટ્ટમ” માટે પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર અન્ય એક વિજેતા, રાજકુમાર નાયકજીને, કે જેમણે તેલંગણાના ૩૧ જીલ્લામાં ૧૦૧ દિવસ સુધી ચાલનાર પેરિની ઓડીસીનું આયોજન કર્યુ હતું. આજે લોકો તેમને પેરિની રાજકુમારના નામથી ઓળખવા લાગ્યા છે, પેરિની નાટ્યમ, ભગવાન શિવને સમર્પિત એક નૃત્ય છે.

જે કાકતીય રાજવંશના સમયમાં ઘણું લોકપ્રિય હતું. આ રાજવંશના મૂળિયા આજે તેલંગણા સુધી જોડાયેલા છે. એક અન્ય પુરસ્કાર વિજેતા સાઇખૌમ સુરચંદ્રા સિંહજી છે. તે મૈતેઇ પુંગ વાદ્ય બનાવવાના પારંગત તરીકે તેઓ ઓળખયા છે. આ વાદ્યનો સંબંધ મણિપુર સાથે જોડાયેલો છે. પુરણસિંહ એક દિવ્યાંગ કલાકાર છે, જે રાજૂલા-મલુશાહી, ન્યૌલી, હુડકા બોલ, જાગર જૈવી વિભિન્ન સંગીતકળાને લોકપ્રિય બનાવી રહ્યા છે.

તેમણે આ સંદર્ભે કેટલાય ઓડિયો રેકોર્ડિંગ્સ તૈયાર કર્યા છે. ઉત્તરાખંડના લોકસંગીતમાં પોતાની કળાનું દર્શન કરાવીને પુરણસિંહે કેટલાય પુરસ્કાર જીત્યા છે. સમયની સીમાને ધ્યાનમાં રાખીને હું અહિંયા દરેક વિજેતાઓની વાતો ભલે ન કરી શકું, પરંતુ મને વિશ્વાસ છે કે, તમે એ વિષે જરૂર વાંચશો. મને આશા છે કે, આ દરેક કલાકાર કળાને વધુ ખ્યાતનામ બનાવવા માટે દરેકને પ્રેરિત કરતા રહેશે.

મારા વ્હાલા દેશવાસીઓ, ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહેલા આપણા દેશમાં ડીજીટલ ઇન્ડિયાની શક્તિ ખૂણેખૂણે જોઇ શકાય છે.

ડીજીટલ ઇન્ડિયાની તાકાતને ઘરે ઘરે પહોંચાડવા માટે અલગ અલગ એપ્સની ખૂબ મોટી ભૂમિકા હોય છે. એવી જ એક એપ છે ઇ-સંજીવની. આ એપથી ટેલી કન્સલટેશન એટલે કે, દૂર બેઠાબેઠા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, ડોકટર પાસેથી પોતાની બિમારી વિશે સલાહ સૂચન લઇ શકાય છે.

આ એપનો ઉપયોગ કરીને અત્યાર સુધી ટેલી-કન્સલટેશન કરનારાઓની સંખ્યા ૧૦ કરોડને પણ પાર કરી ગઇ છે. તમે કલ્પના કરી શકો છો, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૧૦ કરોડ કન્સલટેશન્સ ! દર્દી અને ડોકટરની વચ્ચે અદભૂત સંબંધ – આ ખૂબ મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિ માટે હું તમામ ડોકટરો અને આ સુવિધાનો લાભ લેનારા દર્દીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવું      છું. ભારતના લોકોએ, ટેકનોલોજીને, કેવી રીતે પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે, તે આ જીવતું-જાગતું ઉદાહરણ છે. આપણે જોયું કે, કોરોના સમયમાં ઇ-સંજીવની એપના માધ્યમથી ટેલી-કન્સલટેશન લોકો માટે વરદાનરૂપ સાબીત થયું છે. મને પણ ઇચ્છા થઇ કે, મન કી બાત માટે આપણે આ વિષય સંદર્ભે એક ડોકટર અને એક દર્દી સાથે વાત કરીએ, સંવાદ કરીએ, અને તમારા સુધી એ વાતો પહોંચાડીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે, ટેલી-કન્સલટેશન, લોકો માટે, કેટલું ઉપયોગી નીવડ્યું છે. આપણી સાથે સિક્કિમના ડોકટર મદન મણીજી છે. ડૉકટર મદન મણીજી સિક્કિમના રહેવાસી છે, પરંતુ તેમણે MBBS ધનબાદથી કર્યું છે. અને પછી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી M.D કર્યું છે. તમણે ગ્રામીણ વિસ્તારોના કેટલાય લોકોને ટેલી-કન્સલટેશનના માધ્યમથી સહાય કરી છે.

પ્રધાનમંત્રી જીઃ-નમસ્કાર, નમસ્કાર, મદન મણિજી.

ડૉ.મદનમણિઃ-જી, નમસ્કાર, સાહેબ.

પ્રધાનમંત્રી જીઃ- હું નરેન્દ્ર મોદી બોલી રહ્યો છું.

ડૉ.મદનમણિઃ-જી, જી, સાહેબ.

પ્રધાનમંત્રી જીઃ-તમે તો બનારસમાં ભણ્યા છો.

ડૉ.મદનમણિઃ-જી, હું બનારસમાં ભણ્યો છું સાહેબ.

પ્રધાનમંત્રી જીઃ-તમારું મેડિકલ એજ્યુકેશન ત્યાં જ થયું.

ડૉ.મદનમણિઃ-જી, જી,.

પ્રધાનમંત્રી જીઃ-તો જયારે તમે બનારસમાં હતા ત્યારનું બનારસ અને હાલનું બદલાયેલું બનારસ કયારેય જોવા ગયા કે નહિં.

ડૉ.મદનમણિઃ-જી, પ્રધાનમંત્રીજી, જયારથી હું પાછો સિક્કિમ આવ્યો છું, ત્યારથી હું જઇ નથી શક્યો, પરંતુ મેં સાંભળ્યું છે કે, બનારસ ખૂબ બદલાઇ ગયું છે.

પ્રધાનમંત્રી જીઃ-તો તમને બનારસ છોડ્યે કેટલા વર્ષ થયાં ?

ડૉ.મદનમણિઃ-બનારસ ૨૦૦૬માં છોડ્યું હતું સાહેબ,

પ્રધાનમંત્રી જીઃ-અરે…, તો તો તમારે જરૂર જવું જોઇએ.

ડૉ.મદનમણિઃ-જી, જી.

પ્રધાનમંત્રી જીઃ-મેં ફોન એટલા માટે કર્યો હતો કે, તમે સિક્કિમના છેક અંતરિયાળ પહાડોમાં રહીને ત્યાંના લોકોને ટેલી-કન્સલટેશની ઘણી સેવાઓ આપી રહ્યા છો.

ડૉ.મદનમણિઃ-જી.

પ્રધાનમંત્રી જીઃ-હું મન કી બાતના શ્રોતામિત્રોને તમારો અનુભવ સંભળાવવા માંગું છું.

ડૉ.મદનમણિઃ-જી.

પ્રધાનમંત્રી જીઃ-મને જણાવોને, તમારો અનુભવ કેવો રહ્યો ?

ડૉ.મદનમણિઃ-અનુભવ, ખૂબ સારો રહ્યો પ્રધાનમંત્રીજી. એમાં એવું છે કે, સિક્કિમમાં ખૂબ પાસે જે PHC છે, ત્યાં ગાડીથી જવા માટે પણમાં ઓછામાં ઓછા ૧૦૦-૨૦૦ રૂપિયા ખર્ચાય છે. અને ડોકટર મળે કે ના પણ મળે તે અલગ સમસ્યા. તો ટેલી-કન્સલટેશનના માધ્યમથી અંતરિયાળ વિસ્તારના લોકો પણ અમારા સુધી સીધા જોડાય છે. અને લોકો પોતાની જૂની બિમારીઓ, તેમના રીપોર્ટસ અને તેમની વર્તમાન પરિસ્થિતિ અમને જણાવે છે.

પ્રધાનમંત્રી જીઃ-એટલે કે, ડોક્યુમેન્ટ ટ્રાન્સફર કરો છો.

ડૉ.મદનમણિઃ-જી, જી. ડોક્યુમેન્ટ ટ્રાન્સફર પણ કરીએ છીએ અને જો તેઓ ટ્રાન્સફર ના કરી શકે તો અમને વાંચીને સંભળાવે છે.

પ્રધાનમંત્રી જીઃ-ત્યાંના વેલનેસ સેન્ટરના ડોકટર જણાવે છે…

ડૉ.મદનમણિઃ-જી, વેલનેસ સેન્ટરમાં જે Community Health Officer રહે છે તેઓ .

પ્રધાનમંત્રી જીઃ-અને જે દર્દી છે તે પોતાની સમસ્યાઓ તમને સીધી જ જણાવે છે.

ડૉ.મદનમણિઃ-જી, દર્દીઓ પણ અમને પોતાની સમસ્યાઓ જણાવે છે, પછી તેમના જૂના રેકોર્ડસ જોઇને અમારે કંઇ અન્ય બાબતો જાણવી હોય, જેમ કે, છાતીની તપાસ કરાવવી હોય, પગમાં સોજા છે કે નહીં ? તેની તપાસ કરાવવી હોય, અને તે CHO એ તપાસ નથી કરી તો અમે લોકો તેમને કહીએ છીએ કે, જુવો સોજા છે કે, નહીં. આંખો જુઓ, એનીમિયા છે કે નહીં, અને જો તેમને ઉદરસ આવતી હોય તો છાતીની તપાસ કરાવવા અને તેનાં ધબકારા માટેની તપાસ કરાવવાનું જણાવીએ છીએ.

પ્રધાનમંત્રી જીઃ-તમે વોઇસ કોલ કરો છો કે વીડીયો કોલનો ઉપયોગ કરો છો ?

ડૉ.મદનમણિઃ-જી, વિડિયો કોલનો ઉપયોગ કરીએ છીએ.

પ્રધાનમંત્રી જીઃ-તો દર્દીઓને તમે જ તપાસો છો.

ડૉ.મદનમણિઃ-જી. દર્દીઓને જોઇને તપાસી શકીએ છીએ.

પ્રધાનમંત્રી જીઃ-દર્દીને કેવી લાગણી થાય છે ?

ડૉ.મદનમણિઃ-દર્દીને સારૂં લાગે છે, કારણ કે, તેઓ ડોકટરને નજીકથી જોઇ શકે છે. તેમને મુંઝવણ રહેતી હોય છે કે, તેમની દવાઓની માત્રા ઓછી કરવાની છે કે વધારવાની છે, કેમ કે, સિક્કિમમાં મોટાભાગના દર્દીઓ એવા છે કે જેમને ડાયાબીટીસ, હાઇપરટેન્શન હોય છે. અને ડાયાબીટીસ તેમજ હાઇપરટેન્શનની દવાઓની માત્રા વધઘટ કરવા કે તેને બદલવા માટે તેમને ડોકટરને મળવા માટે ઘણું દૂર જવું પડતું હોય છે, પરંતુ ટેલી-કન્સલટેશનના માધ્યમથી તેમની દરેક સમસ્યાઓ પળ માત્રમાં દૂર થઇ જાય છે. અને દવાઓ પણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાંથી મફતમાં મળી જાય છે. તો તેઓ ત્યાંથી દવાઓ પણ લેતા જાય છે.

પ્રધાનમંત્રી જીઃ-અચ્છા, મદન મણિજી, તમે તો જાણો જ છો કે, દર્દીનો એક સ્વભાવ હોય છે કે, જયાં સુધી તેઓ ડોકટર આવે નહીં, ડોકટરને જુવે નહીં, ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. અને ડોકટરને પણ દર્દીઓને તપાસવાની આદત રહેલી હોય છે, અને હવે આ બધું જ ટેલીકોમમાં કન્સલટેશનના માધ્યમથી થાય છે, ત્યારે ડોકટરને કેવો અનુભવ થાય છે, તેમજ દર્દીને કેવો અનુભવ થાય છે ?

ડૉ.મદનમણિઃ-જી, અમને પણ જ્યારે એવું લાગે કે, દર્દીને બરાબર તપાસવો પડશે ત્યારે અમે લોકો વિડીયોમાં જ CHOને દર્દીને તપાસવાની દરેક બાબતો અંગે જાણ કરીએ છીએ, અને કયારેક તો દર્દીને વિડિયોમાં પાસે બોલાવીને તેની જે પણ મુશ્કેલીઓ છે, જેમ કે કોઇને ચામડીની સમસ્યા હોય, તો તેને વિડીયોના માધ્યમથી જોઇ લઇએ છીએ, તેનાથી તેઓને સંતોષ થાય છે.

પ્રધાનમંત્રી જીઃ-અને પછી તેમના ઉપચાર પછી તેમને સંતોષ મળે ત્યારે કેવો અનુભવ થાય છે ? દર્દી સુધારો અનુભવે છે ?

ડૉ.મદનમણિઃ-જી, તેમને ખૂબ સંતોષ મળે છે, અને અમને પણ સંતોષ મળે છે સાહેબ, હું અત્યારે સ્વાસ્થ્ય વિભાગમાં છું, અને સાથોસાથ ટેલી-કન્સલટેશન પણ કરૂં છું. તો ફાઇલની સાથેસાથે દર્દીને તપાસવાનો મને ખૂબ સારો અનુભવ થયો છે.

પ્રધાનમંત્રી જીઃ-સરેરાશ, કેટલા દર્દીઓ ટેલી-કન્સલટેશનના માધ્યમથી આવે છે ?

ડૉ.મદનમણિઃ-અત્યાર સુધી મેં ૫૩૬ દર્દીઓને તપાસ્યા છે.

પ્રધાનમંત્રી જીઃ-અરે.. વાહ, એનો અર્થ એ થયો કે, તમને મહારથ હાંસલ થઇ ગઇ છે.

ડૉ.મદનમણિઃ-જી, આ ફરજ નિભાવીને સારૂં લાગે છે,

પ્રધાનમંત્રી જીઃ-હું તમને શુભકામનાઓ આપું છું. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે સિક્કિમના દૂરદૂરના જંગલોમાં, પહાડોમાં રહેનારા લોકોની ખૂબ જ સેવા કરી રહ્યા છો. અને ખુશીની વાત એ છે કે, આપણા દેશના દૂરદૂરના વિસ્તારમાં પણ ટેકનોલોજીનો આટલો સરસ ઉપયોગ થઇ રહ્યો છે. મારા તરફથી તમને ખૂબ જ શુભેચ્છાઓ.

ડૉ.મદનમણિઃ-જી, આભાર સર,

મિત્રો, ડોકટર મદન મદન મણિજીની વાતોથી જાણવા મળે છે કે, ઇ-સંજીવની એપ કેવી રીતે તેમની મદદ કરી રહી છે. ડૉકટર મદનજી પછી હવે આપણે બીજા એક મદનજી સાથે વાત કરીએ. તે ઉત્તરપ્રદેશના ચંદૌલી જીલ્લાના રહેવાસી મદન મોહન લાલજી છે. આ એક સુંદર સંયોગ કે, ચંદૌલી પણ બનારસ સાથે જોડાયેલું છે. તો આવો મદન મોહનજી પાસેથી જાણીએ ઇ-સંજીવનીના વિષયમાં એક દર્દી કેવો અનુભવ કરે છે ?

પ્રધાનમંત્રી જીઃ-મદન મોહનજી પ્રણામ.

મદન મોહન જીઃ-નમસ્કાર, નમસ્કાર સાહેબ,

પ્રધાનમંત્રી જીઃ-નમસ્કાર., અચ્છા, મને જણાવો કે, તમે ડાયાબીટીસના દર્દી છો.

મદન મોહન જીઃ- જી,

પ્રધાનમંત્રી જીઃ-અને તમે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેલી-કન્સલટેશનના માધ્યમથી પોતાની બિમારી માટે મદદ લો છો.

મદન મોહન જીઃ-જી.,

પ્રધાનમંત્રી જીઃ-એક દર્દી તરીકે હું તમારા અનુભવ સાંભળવા માંગું છું, જેથી હું દેશવાસીઓ સુધી એ વાત પહોંચાડી શકું કે, આપણા ગામડાઓમાં રહેતા લોકો ટેકનોલોજીનો કેવો સુંદર રીતે ઉપયોગ કરી શકે છે.

મદન મોહન જીઃ- જી., સાહેબ હોસ્પીટલો દૂર છે. અને જ્યારે ડાયાબીટીસનો હુમલો થાય ત્યારે અમારે પાંચથી છ કિલોમીટર દૂર જઇને નિદાન કરાવવું પડતું હતું, તેની તપાસ કરાવવી પડતી હતી. અને હવે જયારથી તમારા દ્વારા આ વ્યવસ્થા બનાવાઇ છે ત્યારથી તપાસ કરાવવા જઉં છું ત્યારે બહારના ડોકટરો સાથે પણ મારી વાત કરાવવામાં આવે છે. અને દવા પણ આપવામાં આવે છે. આનાથી મને અને અન્ય લોકોને પણ ઘણો લાભ થયો છે.

પ્રધાનમંત્રી જીઃ-તો તમે દર વખતે એક જ ડોકટરને બતાવો છો કે, ડોકટર બદલાતા હોય છે ?

મદન મોહન જીઃ-જ્યાં સ્થાનિક ડૉકટરને મુંઝવણ અનુભવાય છે ત્યારે તેઓ અમારી વાત અન્ય ડોકટરો સાથે કરાવે છે.

પ્રધાનમંત્રી જીઃ-અને ડોકટર તમને જે સલાહ-સૂચન કરે છે તેનો લાભ થાય છે.

મદન મોહન જીઃ-અમને તેનો ખૂબ જ લાભ થાય છે, અને ગામડાંના અન્ય લોકોને પણ તેનાથી ખૂબ લાભ થાય છે. દરેક લોકો ત્યાં પૂછે છે કે, ભાઇ અમારું BP છે, અમને ડાયાબીટીસ છે, તપાસ કરો, દવા જણાવો. અને પહેલા તો અમે પાંચથી છ કિલોમીટર દૂર જતા હતા. લાંબી લાઇનોમાં ઉભા રહેતા હતા. પેથોલોજીમાં પણ લાંબી લાઇનો લાગતી હતી. પૂરો એક દિવસ બગડતો હતો.

પ્રધાનમંત્રી જીઃ-એનો અર્થ એમ કે, તમારો સમય પણ વેડફાતા બચી રહ્યો છે.

મદન મોહન જીઃ-અને પૈસા પણ ખર્ચ થતા હતા, જયારે અહિંયા નિઃશુલ્ક સેવાઓ અપાઇ રહી છે.

પ્રધાનમંત્રી જીઃ-અચ્છા, તો તમે જ્યારે પ્રત્યક્ષરૂપે ડોકટરને મળો છો ત્યારે તમને વિશ્વાસ થાય છે કે, ડોકટર છે, તેમણે મારી નાડી તપાસી લીધી છે, મારી આંખો તપાસી લીધી છે, મારી જીભને પણ જોઇ લીધી છે. તો એક અલગ અનુભવ થતો હોય છે. હવે જ્યાર ટેલી-કન્સલટેશનના માધ્યમથી તપાસ થાય છે, તો ત્યારે તમને અદ્દલ એવો સંતોષ થાય છે ?

મદન મોહન જીઃ-હા, સંતોષ થાય છે. તેઓ અમારી નાડી પકડી રહ્યા છે, સ્ટેથોસ્કોપથી તપાસી રહ્યા છે, એવો અનુભવ પણ થાય છે. અને અમે ખુશ થઇએ છીએ કે, તમારા દ્વારા આટલી સુંદર વ્યવસ્થા બનાવવામાં આવી છે, જેના કારણે હવે અમારી તમામ સમસ્યાઓનું નિવારણ થઇ ગયું છે. પહેલા અમારે ખૂબ જ સમસ્યાઓ ઉઠાવવી પડતી હતી, ગાડીનું ભાડું ચૂકવવું પડતું હતું અને ત્યાં જઇને લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડતું હતું, જયારે હવે અમે ઘરે બેઠાબેઠા તમામ પ્રકારની સુવિધાઓ મેળવી રહ્યા છીએ.

પ્રધાનમંત્રી જીઃ-મદન મોહનજી, મારા તરફથી તમને અઢળક શુભકામનાઓ, આટલી ઉંમરે પણ તમે નવી ટેકનોલોજી શીખ્યા, અન્ય લોકોને પણ આ વિષે જણાવજો. જેથી તેમનો પણ સમય બચી જાય, પૈસા પણ બચે અને તેમને જે માર્ગદર્શન મળે છે, તેનાથી દવાઓ પણ સારી રીતે મેળવી શકાય છે.

મદન મોહન જીઃ-હા, સાહેબ, જરૂર..

પ્રધાનમંત્રી જીઃ-ફરીથી તમને અઢળક શુભકામનાઓ, મદન મોહનજી.

મદન મોહન જીઃ-સાહેબ, તમે કાશી વિશ્વનાથને બનારસનું કેન્દ્ર બનાવી દીધું, તેનો વિકાસ કર્યો. અમારા તરફથી તમને ખૂબ શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રી જીઃ- ધન્યવાદ. મેં કયાં બનાવ્યું છે, એ તો બનારસના લોકોએ બનાવ્યું છે, અમને તો મા ગંગાની સેવા માટે મા ગંગાએ બોલાવ્યા. તમને પણ ખૂબ શુભકામનાઓ, પ્રણામ.

મદન મોહન જીઃ-જી. નમસ્કાર સાહેબ,

પ્રધાનમંત્રી જીઃ- જી, નમસ્કાર.

મિત્રો, દેશનાં સામાન્ય માનવી માટે, મધ્યમ વર્ગ માટે, પહાડી વિસ્તારના રહેવાસીઓ માટે, ઇ-સંજીવની, જીવન રક્ષા માટેની એપ બની રહી છે. આ ભારતની ડિઝીટલ ક્રાંતિની શક્તિ છે અને તેનો પ્રભાવ આજે આપણે તમામ ક્ષેત્રોમાં જોઇ રહ્યાં છે. ભારતનાં UPI ની શક્તિ પણ આપ સૌ જાણો છો. દુનિયાનાં ઘણાં દેશો આ તરફ આકર્ષાયા છે. થોડાંક દિવસો પહેલા ભારત અને સિંગાપુર વચ્ચે UPI-Pay Now Link Launch કરવામાં આવ્યું છે. હવે સિંગાપુર અને ભારતનાં લોકો, પોતાનાં મોબાઇલ વડે બિલકુલ એવી જ રીતે પૈસા ટ્રાન્સફર કરી શકસે જેમ તેઓ પોતાનાં દેશમાં કરી શકે છે. ભારતની ઇ-સંજીવની એપ હોય કે પછી UPI, તે Ease of Living ને વધારવામાં ખૂબ સહાયક સાબિત થયું છે.

મારાં વ્હાલાં દેશવાસીઓ, જ્યારે કોઈ દેશમાં વિલુપ્ત થઇ રહેલાં પક્ષીની પ્રજાતીને, કોઇ જીવ-જંતુને બચાવી લેવામાં આવે છે, ત્યારે તેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થાય છે. આપણાં દેશમાં આવી અનેક મહાન પરંપરાઓ છે કે જે લુપ્ત થઇ ગઇ હતી, લોકોનાં મનમસ્તિષ્ક પરથી ભૂલાઇ ચુકી હતી, પરન્તુ હવે તેને લોકોની ભાગીદારીની શક્તિથી પુર્નજીવિત કરવાનાં પ્રયત્નો કરાઇ રહ્યાં છે તો તેની ચર્ચા માટે મન કી બાતનાં મંચ કરતાં વધુ સારું મંચ બીજું કયું હોઇ શકે ?

હવે, હું તમને જે જણાવવા માંગું છું તે જાણીને તમે ખૂબ ખુશ થશો, આપણા વારસા માટે ગૌરવ અનુભવશો. અમેરિકામાં રહેતા શ્રીમાન કંચન બેનરજીના વારસાના રક્ષણને જોડતા આવા જ એક અભિયાન તરફ મારૂં ધ્યાન આકર્ષિત થયું છે, હું તેમને અભિનંદન પાઠવું છું. મિત્રો, પશ્ચિમ બંગાળમાં હુબલી જીલ્લાના બાસ બેરિયામાં આ મહિને “ત્રિબેની કુમ્ભો મોહોત્શોવ”નું આયોજન કરાયું. તેમાં આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા. પરંતુ શું તમે જાણો છો, કે આ મહોત્સવ આટલો વિશેષ કેમ છે ? વિશેષ એટલા માટે છે કેમ કે, આ પરંપરાને ૭૦૦ વર્ષ પછી પુનર્જીવીત કરવામાં આવી છે. આમ તો, આ પરંપરા હજારો વર્ષ જૂની છે, પરંતુ દુર્ભાગ્યથી ૭૦૦ વર્ષ પહેલાં બંગાળના ત્રિબેનીમાં યોજાનાર આ મહોત્સવ બંધ થઇ ગયો હતો. આ મહોત્સવને સ્વતંત્રતા પછી શરૂ કરવો જોઇતો હતો પરંતુ તે ન થઇ શક્યો. બે વર્ષ પહેલાં, સ્થાનિક લોકો અને “ત્રિબેની કુમ્ભો પૉરિચાલોના શૉમિતિ”ના માધ્યમથી આ મહોત્સવ ફરી શરૂ કરવામાં આવ્યો. હું આ આયોજન સાથે જોડાયેલ દરેક લોકોને ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે માત્ર એક પરંપરાને જ જીવીત નથી કરી રહ્યા પરંતુ તમે ભારતના સાંસ્કૃતિક વારસાની પણ રક્ષા કરી રહ્યા છો.

મિત્રો, પશ્ચિમ બંગાળમાં ત્રિબેની વર્ષોથી એક પવિત્ર સ્થાનના રૂપમાં ઓળખાય છે. તેનો ઉલ્લેખ વિભિન્ન મંગલકાવ્ય, વૈષ્ણવ સાહિત્ય, શાક્ત સાહિત્ય અને અન્ય બંગાળી સાહિત્યિક રચનાઓમાં પણ મળે છે. વિભિન્ન ઐતિહાસિક દસ્તાવેજો દ્વારા એ જાણ થાય છે કે, ક્યારેક આ ક્ષેત્ર સંસ્કૃત, શિક્ષા અને ભારતીય સંસ્કૃતિનું કેન્દ્ર હતું. કેટલાય સંત તેને માઘ સંક્રાંતિમાં કુંભ સ્નાન માટે પવિત્ર સ્થાન માનતા હતા. ત્રિબેનીમાં તમને કેટલાય ગંગાઘાટ, શિવમંદિર અને ટેરાકોટા વાસ્તુકલાથી નિર્માણ પામેલી પ્રાચીન ઇમારતો જોવા પણ મળશે. ત્રિબેનીના વારસાને પુનઃસ્થાપિત કરવા માટે અને કુંભ પરંપરાના ગૌરવને પુનઃજીવીત કરવા માટે અહિં ગયા વર્ષે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત સદીઓ પછી, ૩ દિવસના કુંભ મહાસ્નાન અને મેળાએ આ વિસ્તારમાં એક નવીન ઉર્જાનો સંચાર કર્યો હતો. ૩ દિવસ સુધી દરરોજ થતી ગંગા આરતી, રૂદ્રાભિષેક અને યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ વર્ષે થઇ ચૂકેલ મહોત્સવમાં વિભિન્ન આશ્રમ, મઠ અને અખાડા પણ સામેલ થયા હતા. બંગાળી પરંપરાઓથી જોડાયેલ વિભિન્ન કળા જેમ કે, કિર્તન, બાઉલ, ગોડિયોં નૃત્તોં, સ્ત્રી-ખોલ, પોટેર ગાન, છોઉ નાચ, આ તમામ  કળા સાંજના કાર્યક્રમોમાં આકર્ષણનું કેન્દ્ર હતી. આપણા યુવાનોને દેશના સુવર્ણ ભૂતકાળ સાથે જોડવા માટેનો આ એક સરાહનીય પ્રયાસ છે. ભારતમાં આવી કેટલીય પરંપરા છે, જેને આપણે પુનર્જીવીત કરવાની જરૂર છે. મને આશા છે કે, આ વિશે થનાર ચર્ચાવિચારણા, લોકોને આ દિશા તરફ પ્રેરિત કરશે.

મારા વ્હાલા દેશવાસીઓ, સ્વચ્છ ભારત અભિયાનમાં આપણા દેશમાં લોકભાગીદારીના માળખાઓને જ બદલી નાંખ્યા છે. દેશમાં કયારેય પણ કશું સ્વચ્છતા સાથે જોડાયેલું હોય છે ત્યારે લોકો તેની જાણકારી મારા સુધી પહોંચાડે છે. આવી જ એક વાત માટે મારૂં ધ્યાન હરિયાણાના યુવાનોના સ્વચ્છતા અભિયાન પર કેન્દ્રિત થયું છે. હરિયાણામાં એક ગામ છે-દુલ્હેડી. અહિંના યુવાનોએ નિશ્ચય કર્યો કે, આપણે ભિવાની શહેરને સ્વચ્છતાની બાબતમાં એક મિશાલ બનાવવી છે. તેમણે યુવા સ્વચ્છતા તેમજ જનસેવા સમિતિ નામથી એક સંગઠન બનાવ્યું છે. આ સમિતિ સાથે જોડાયેલ યુવાનો સવારે ચાર વાગે ભિવાની પહોચીં જાય છે. શહેરના અલગઅલગ વિસ્તારોમાં ભેગા થઇને તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવે છે. આ લોકો અત્યાર સુધી શહેરના અલગઅલગ વિસ્તારમાંથી કેટલાય ટન કચરાને સાફ કરી ચૂક્યા છે.

મિત્રો, સ્વચ્છ ભારત અભિયાનનું એક મહત્વપૂર્ણ આયામ વેસ્ટ ટુ વેલ્થ પણ છે. ઓડિશાના કેંદ્રપાડા જીલ્લાના એક બહેન કમલા મોહરાના એક સ્વયં સહાયતા જૂથ ચલાવે છે. આ જૂથની મહિલાઓ દૂધની થેલી અને અન્ય પ્લાસ્ટિક પેકિંગથી છાબડી અને મોબાઇલ સ્ટેન્ડ જેવી અન્ય વસ્તુઓ પણ બનાવે છે. આ તેમના માટે સ્વચ્છતાની સાથે સાથે કમાણીનો પણ એક સારો માર્ગ બની રહ્યો છે. જો આપણે નિશ્ચય કરી લઇએ તો સ્વચ્છ ભારતમાં આપણું ખૂબ મોટું યોગદાન આપી શકીએ છીએ. નાનામાં નાની પહેલ જેમ કે, પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ આપણે કાપડની થેલીનો સંકલ્પ લેવો જ જોઇએ. તમે ભવિષ્યમાં જોશો કે, તમારો આ સંકલ્પ કેટલો સંતોષ આપશે. અને અન્ય લોકોને પણ પ્રેરિત કરશે.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે આપણે સાથે મળીને એકવાર ફરી પ્રેરણાદાયક વિષયો પર વાત કરી. પરિવાર સાથે મળીને તેને સાંભળી અને તેને દિવસ દરમિયાન યાદ કરતાં રહીશું. આપણે દેશની કર્મઠતાની જેટલી ચર્ચા કરીએ છીએ એટલી જ ઉર્જા મળે છે. આ ઉર્જા પ્રવાહની સાથે આપણે આજે મન કી બાતની ૯૮મી કડી સુધી પહોંચી ગયા છે. આજથી થોડા દિવસ પછી હોળીનો તહેવાર છે. તમને બધાને હોળીની શુભકામનાઓ. આપણે આપણા તહેવારો વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે જ ઉજવવાના છે. તમારા અનુભવો મારી સાથે વહેંચવાના ભૂલશો નહિં. ત્યાં સુધી મને રજા આપશો. આવતી વખતે આપણે ફરીથી નવા વિષયો સાથે મળીશું, ખૂબ ખૂબ ધન્યવાદ.  નમસ્કાર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.