Western Times News

Gujarati News

શંકા-કુશંકા અને હકીકત

શું વાત કરું તમને ! હું એવાય ખેડૂત મિત્રોના પરિચયમાં આવ્યો છું કે એકબીજાની અંદરોઅંદરની વાતચીત દરમિયાન આપણી ખેતી વિશે, આપણે પાળેલી ગાયો વિશે, આપણા ખેતીપાકોમાં અપાતાં ખાતરો અને છંટાતી દવાઓ વિશેની કે કોઈ નવતર પ્રયોગ- અખતરો કર્યો હોય તો તેના વિશેની વાતો આપણા મોઢે સાંભળ્યા પછી એમને સંતોષ થવાને બદલે શંકા જાગતી હોય કે આ બધી વાતો સાચી થોડી હોય ? અને એનું સાચ કઢાવવા એ સીઆઈડી બની આપણી ગેરહાજરીમાં વાડી પર જાતે-પોતે પહોંચે અને રૂબરૂ બધું જુએ અને વાડીમાં કામ કરતા મજૂર-ભાગિયાને મોેઢે વાત-વિગત ન જાણે ત્યાં સુધી એને કોઠે ધાન નથી પચતું હોતું !જાેકે એનાથી આપણને કોઈ ફેર પડવો ન જાેઈએ.

અરે, એવાય ટીકાકારોનો અનુભવ થયો છે કે પાદરે બસસ્ટેન્ડના બાકડે કે મંદિરના ઓટલે બેઠા બેઠા, “અલ્યા ભાઈ, રાખોને હવે ! ઈ ભાઈ વાતુ ભલેને સજીવખેતીની કરતા હોય, આપણને ખબર ન હોય એમ એની ગાડીયું તો ભોમાં હાલતી હોય ! આપણી મંડળીમાંથી ડીએપી-યુરિયા કે જંતુનાશકો ન ખરીદતા હોય તેથી શું એ નહીં વાપરતા હોય એવું થોડું માની લેવાય ? દવા અને ખાતર તો હવે બધા ગામની મંડળીયું રાખતી થઈ ગઈ છે. બાજુના કોઈ ગામડાથી કે શહેરમાંથી કોઈ દુકાનદાર પાસેથી નહીં લાવી નાખતા હોય એની થોડી આપણને ખબર છે ?” આવી વાતો કરી પડ ગજવતી હોય અને મોઢાની મોળ્ય ઉતારતી હોય એવી હસ્તિઓનો પણ સમાજમાં તોટો નથી !

મોરારિબાપુને કથા દરમિયાન વાત કરતા સાંભળ્યા છે કે “ખેડૂતને જેમ ખેતીપાકોને નડતરરૂપ થતાં નિંદામણને કાઢવા નાણું ખરચીને દાડિયા કરવા પડતા હોય છે, તેમ ભાઈઓ-બહેનો બાપ ! આવી પાછળથી કુથલી કરનારા મહાનુભાવો તો આપણા અવગુણોનું નિંદામણ કરનારા વગર પૈસાના દાડિયા જ ગણાય ! એ જેટલું વધુ નિંદામણ કરે એટલા આપણે વધુ ચોકસાઈ રાખતા થઈ જઈએ કહોને આપણા વ્યવહારો એટલા વધુ શુદ્ધ બની રહે. એવી હસ્તિઓને તો ધન્યવાદ આપવા ઘટે.’

મારા પરિચયવાળા એક ખેડૂભાઈ છે, જે વાત વાતમાં ફલાણાભાઈ સાવ લોભિયા છે અને ફલાણાભાઈ તો ન બોલે એટલું જ સાચું- રુંવાડે રુંવાડે ખોટા ! અને એ ભાઈ તમને બહુ સારા લાગે છે પણ એનો વિશ્વાહ કરવામાં જાેજાે હો, કયારેક ભેખડે ભરાવી ન દે એનું ધ્યાન રાખજાે ! એવું કહ્યા કરે અને પાછા છેલ્લે તો એમ ઉેમેરે કે, આ તો તમે મારા નજીકના ગણાઓ એટલે કહું છું. બાકી આપણને કોઈની પછવાડેથી વાતુ કરવાનું કે એની ઈર્ષા કરવાનું ન ફાવે હો હીરજીભાઈ !” આવું કહેનાર હિતેચ્છુઓ એના સ્વભાવ મુજબ વાતો કર્યા કરે, આપણે એમાં ન ભળીએ આપણે તો એમણે કરેલી વાતોમાં કાંઈ લેવા જેવું છે ? તો તે લઈ લેવું એનો સ્વભાવ એને મુબારક !

કોઈ વળી હું કરું હું કરું, શકટનો ભાર જેમ શ્વાન તાણે- “મેં આમ કર્યું એમા બીજાને ખબર શું પડે ? એમ સ્વમૂખે જ પોતાના કામના, પોતાની પ્રવૃતિના અને પોતાની જ રહેણી કરણીના વખાણમાંથી ઉંચા જ ન આવતા હોય તેમાં આપણી વાત કયારે સાંભળે કહો ! એમને આપણી વાત કરવાની જરૂરેય શી હોય ? એના વખાણ એને મુબારક !
મારો કહેવાનો આશય એવો જરીકેય નથી કે આપણે કોઈની ભાઈબંધી ન કરવી કે કોઈની સાથે હળવું-ભળવું નહી.. મિત્રતા તો થઈ શકે એટલાની વધારે કરવી સારા મિત્રો એ તો આપણી મોંઘી મૂડી ગણાય પણ મિત્રતા ઘાટી કરતાં પહેલાં આપણા સુખ-દુઃખમાં મળતી સાચી સલાહ, હુંફ અને સધિયારો કેવા પ્રકારના મળે એમ છે એવી ખાતરી કરી લેવી જરૂરી ગણાય.

અને આગળ કહું તો ખેડૂત સમાજમાં સારા માણસોનોય તોટો નથી હો ભાઈઓ ! જેઓ આપણા કે અન્યો દ્વારા સારા થઈ રહેલા કાર્યો જાેઈ, આપણી વાતો સાંભળી રાજી થાય અને અન્યોને પણ સારપની વાત કરે, જાણ કરે અને દિલથી રાજીપો વ્યકત કરતા હોય મારી જાણમાં તો એવાયે મહાનુભાવો છે કે જેને આપણે કોઈ મુંઝવણ જણાવી હોય અને માનો કે એમની પાસે આપણે જણાવેલ મુંઝવણનો સંતોષકારક ખુલાસો નથી એમ એને પોતાને લાગે તો આપણને એવી અન્ય વિશિષ્ટ વ્યક્તિનો નામ-નંબર આપે અને આપણી મુંઝવણનો ઉકેલ આપવા બાબતે એને ભલામણ કરી સામેથી મદદગારી કરે. અરે! આવા કામને તો આંગળી ચિંધ્યાનું પુણ્ય ગણે અને હોંશે હોંશે કાયમ સથવારો અને સલાહ આપવાની પોતાની ફરજ સમજી ખુશી ખુશી અનુભવે.

આ તો સમાજ છે ભાઈ ! કોઈ આવું કહે, કઈ તેવું કહે ! ગામને મોઢે કંઈ ગળણું બાંધવા થોડું જવાય ? ગળણું તો ગોળાને મોઢે જ બંધાય ને ? આપણે હંસવૃત્તિ રાખી આપણને ઉપયોગી એવી બધી વિગતો એમની સાથેની વાતો અને ચર્ચામાંથી શોધી લઈએ. નકામી અને બિનઉપયોગી વાતો એની મેળે ખરી પડશે. એની ચિંતા આપણે નહીં કરવાની મિત્રો !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.