Western Times News

Gujarati News

તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વનો ભાગ ભજવતા ખાટા કરમદા

અગાઉ તે મોટાભાગના ખેતરની વાડ બનાવવામાં ઉપયોગમાં લેવાતી, આ સિવાય તેની પાતળી ડાળીઓના બળતણમાં પણ ઉપયોગ થતો

એ સમય હતો જ્યારે શાળામાં રીસેષ પડે ત્યારે વિદ્યાર્થીઓ શાળાના દરવાજા પાસે સૂંડલામાં કે રેંકડીમાં વેંચાતો ભાગ પાંચ-દસ પૈસામાં ખરીદે અને તેની લિજ્જત માણે. આ ભાગ મોટે ભાગે ચણીબોર, આંબળા, શિંગોડા, લીલી વરિયાળી કે ખાટા કરમદા હોય, ખાટા કરમદા નામે ઓળખાતું એ ફળ ખરેખર કરમદા ન હતા પરંતુ તેનુ સાચુ નામ હતું કસેડો જેને કરમદા કહીએ તે કદમાં મોટા, રંગે ઘેરા કાળા હોય પરંતુ કસેડો સ્વાદે ખાટા, લીલા રંગના અને ક દમાં કાળા મરી જેવા હોય.

કસેડો સૂકા ગરમ પ્રદેશને વધુ પસંદ કરે આથી તે ગીચ જંગલમાં કે નદી કાંઠે જાેવા મળતુ નથી. પરંતુ થોડી પથરાળ હોય તેવી જમીન પર અને સારા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળી રહેતો હોય તેવી જગ્યા પસંદ કરે છે. આમ તે આપણા ગીરના જંગલમાં જવલ્લે જ જાેવા મળે. જ્યારે હિંગોળગઢ, રામપરા અને બરડાના વનવિસ્તારમાં તે સામાન્ય છે.

કસેડો અંગ્રેજીમાં માયસોર સુમેક કહેવાય છે. જ્યારે તેનુ વૈજ્ઞાનિક નામ રહસ માયસોરેન્સીસ છે, જેનું વાનસ્પતિક કૂળ છે એનાકાર્ડિએસી છે. આ કૂળમાં કેરી અને સૂકા મેવાના કાજુનો સમાવેશ થાય છે. જેના પરથી તેનો સ્વાદ અને અગત્યતા કદાચ સમજાઈ જાય, કસેડો મધ્યમ ઉંચાઈ ધારણ કરે છે એટલે તે છોડ સ્વરૂપે કે વૃક્ષ સ્વરૂપે હોતુ નથી.

ઉપરાંત તેનું થડ વધુ પડતી જાડાઈ પણ ધારણ કરતું નથી. જ્યારે તેની ડાળીઓ ચોક્કસ સ્વરૂપની ગોઠવણ દર્શાવતી નથી પરંતુ અસ્તવ્યસ્ત અને એકબીજામાં ગૂંચવાયેલી રહે છે. તેની આ લાક્ષણિકતાને લીધે અગાઉ તે મોટાભાગના ખેતરની વાડ બનાવવામાં ઉપયોગમાં લેવાતી. આ સિવાય તેની પાતળી ડાળીઓના બળતણમાં પણ ઉપયોગ થતો.

ચોમાસા સિવાય તે સુકાયેલું હોય તેવું દેખાય પરંતુ પહેલા વરસાદ પછી તે તુરત ખીલી ઉઠે. નવા પાન ફુટતા તે ઘટ લીલા પાનની ઝાડી બની જાય. કસેડાના પાન પ્રમાણમાં નાના પરંતુ બિલીપત્ર જેવા ત્રણ પર્ણિકાના બનેલા હોય જેમાં વચ્ચેની પર્ણિકા મોટી હોય અને તેની આજુબાજુમાં રહેલી બે પર્ણિકા પ્રમાણમાં નાની હોય, પરંતુ ત્રણેય પર્ણિકા થોડી દળદાર લાગે અને તેની કિનાર તરંગ સ્વરૂપની હોય.

ઓગસ્ટ માસમાં તેના પર ફુલ ધારણ થાય. દરેક ડાળીની ટોચ પર ધારણ થતાં તેના ફુલ પ્રમાણમાં નાના લીલાશ પડતાં સફેદ રંગના હોય. આ ફુલ મંદ સુવાસ ધરાવે છે અને નિશાચર કીટકો દ્વારા પરાગિત થાય છે જે ફળમાં પરિણમે ત્યાં સુધીમાં આપણે ત્યાં નવેમ્બર માસ આવી ગયાહોય. કસેડાના ફળ લીલા રંગના અને ગોળાકાર જાેવા મળે. જે સ્વાદમાં ખાટા હોઈ તેને મીઠા સાથે ભેળવીને ખાઈ શકાય. કસેડાના ફળને ખાવા માટે દાંત મજબૂત જાેઈએ કારણ તેના ફળમાં ગર કરતાં બીજ વધુ જગ્યા રોકે છે.

કસેડાના દરેક ફળમાં એક જ બીજ હોય છે. જેને સાદી પરિભાષામાં ઠળીયો કહી શકીએ. એક જ બીજ ધરાવતાં કસેડાના ફળને અંગ્રેજીમાં ડૂપ કહેવામાં આવે છે. બીજની

આસપાસ રહેલ ગર માંસલ કરતાં રસાળ કે પાણીદાર વધુ હોય છે. કસેડાનું બીજ સખત બીજાવરણ ધરાવે છે તેથી ફળ સ્ટોન ફ્રુટ પણ કહેવાય છે. કસેડાના ફળનું જ્યારે રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી ગ્લાયકોસાઈડ, ફુલેવોનો ઈડ, આલ્કેલોઈડ, ટેનીન અને સ્ટિરોઈડ જેવા અગત્યના રસાયણો મળી આવેલ છે.

જે આપણી તંદુરસ્તી જાળવવામાં ખુબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત જાે નિષ્ણાંત આયુર્વેદાચાર્યના માર્ગદર્શનથી તેનો ઉપયોગ કરવામાં આવે તો તે લિવરની સારવારમાં અકસીર પુરવાર થાય છે. તેમજ તે એન્ટિઓક્સિડન્ટ તરીકે કાર્ય કરી આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

કસેડાના પાનમાં ટેનીન ઘટકનું પ્રમાણ વધુ રહેતું હોઈ અગાઉ તેનો ઉપયોગ ટેનેરીમાં ચામડુ કમાવવામાં થતો. કસેડાના પાન ઘેંટા બગરાનો ચારો પણ. બનતા કસેડો ઝાડીદાર સ્વરૂપ ધારણ કરે છે આથી ગાય ભેંસની જીભ તેના પાન સુધી પહોંચતી નથી. પરતં ઘેંટા બકરાની જીભ પહોંચી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers