Western Times News

Gujarati News

સાવધાન : અતિ વ્યસ્ત જીવનશૈલી અને માનસિક તાણ હાર્ટ એટેકના મુખ્ય કારણો

ડૉક્ટરોના મતે યુવાનોમાં બે પ્રકારના હૃદયરોગના હુમલાઓ જાેવા મળતાં હોય છે. તેમના હૃદયની ધમની ઉપરની ચામડી ફાટી જવાથી જ્યારે એન્જિયો ગ્રામ કરવામાં આવે છે ત્યારે પણ તેમાં પૂરતા પ્રમાણમાં બ્લોકેજીસ દેખાતા નથી. બીજા પ્રકારનાં હાર્ટ એટેક મોટી ઉંમરની વ્યક્તિઓને આવે છે. અહીં ૯૦ ટકા જેટલા બ્લોકેજીસ ધમનીમાં દેખાય છે.

તેમનામાં ટ્રાયગ્લીસેરાઇડ્‌સનું પ્રમાણ વધુ હોય છે અને ‘સારા’ કોલેસ્ટેરોલનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. આજે, પહેલાના સમયની સરખામણીમાં અનેક યુવાનો હૃદય રોગની સમસ્યાઓથી પીડાતા જાેવા મળે છે. તેનું કારણ કદાચ જાગૃતિનો અભાવ અને ખોટી લાઇફસ્ટાઇલ હોઇ શકે. કસરતનો અભાવ અને અસ્વાસ્થ્યપ્રદ ભોજન તથા ધુમ્રપાન આજની યુવાન પેઢીમાં વધી રહ્યું છે, જેને કારણે યુવાનોમાં હૃદય રોગની સંખ્યા વધી રહી છે. A hectic lifestyle and mental stress are the main causes of heart attack

એક સંશોધન મુજબ જેમને અચાનક કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવે છે એવી દર સાતમાંથી અંદાજે એક વ્યક્તિ ૪૦ વરસથી નીચેની હોય છે એમ ડોકટરો કહે છે. આજે, વીસી પુરી થવાને નજીક પહોંચેલા યુવાનોને પણ કાર્ડિયાક અરેસ્ટ આવતા હોય છે. ડોકટરો એને માટે લોકોમાં વધતા જતા સ્ટ્રેસના ભયજનક પ્રમાણ અને બેઠાડુ જીવનશૈલીને દોષ આપે છે. ૮૦ ટકા કેસોમાં કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેક અથવા કોરોનરી બ્લોકેજ ને કારણે આવી શકે છે.

પરંતુ કાર્ડિયાક એરેસ્ટ ફક્ત ચાર મિનિટમાં દર્દીના મગજને નષ્ટ કરી નાંખે છે જ્યારે હાર્ટ એટેકમાં એવું નથી થતું. યાદ રાખવું જાેઇએ કે મહામારી પછીના સમયમાં પણ હાર્ટએટેક વિશ્વમાં સૌથી વધુ જીવ લેતી બીમારી છે. એટલું જ નહિ પણ મોટાભાગના હાર્ટએટેક ૪૫ વર્ષથી ઓછી ઉંમરે આવતા હોવાનું નોંધાયું છે તેમજ મહિલાઓની સરખામણીએ પુરુષો હાર્ટએટેકનો વધુ ભોગ બનતા હોવાનું જણાયું છે. તબીબો કહે છે કે, બ્લડપ્રેશર વિશે નાની ઉમરથી જ ધ્યાન રાખવાથી અકાળે થતા હૃદયરોગને અટકાવી શકાય છે.

એના માટે સૌ પ્રથમ તો ધ્રૂમપાનની આદત યુવાનોએ છોડવી પડશે. કૅન્સરની જેમ ધૂમ્રપાન હૃદયરોગનું મુખ્ય કારણ છે. ધૂમ્રપાન છોડયાના એક વર્ષમાં જ હાર્ટએટેકની સંભાવના ૫૦ ટકા ઘટી જાય છે. કોઇ વ્યક્તિને અચાનક જીવનમાં કદી ન અનુભવ્યો હોય એવો છાતીમાં અતિ તીવ્ર દુખાવો થાય તો પણ તેઓ એને ગેસની તકલીફ સમજીને અવગણે છે. તેઓ એ વાત સ્વીકારવા નથી માગતા કે નાની ઉંમરે પણ એમને હૃદય રોગની તકલીફ થઇ શકે છે’ યુવાન હૃદયને ઘણું વધુ નુકસાન થાય છે.

એટલે યુવાનોને વૃદ્ધો કરતા વધુ ખતરનાક હાર્ટ એટેક આવે છે. વૃદ્ધ વ્યક્તિના શરીરમાં કેલ્શિયમ સમયાંતરે કોલેસ્ટોરલ પર જામી જાય છે અને હૃદયને એ સ્થિતિની આદત પડી જાય છે. જ્યારે યુવાનોની રક્તવાહિનીઓમાં થોડુક પણ કોલેસ્ટ્રોરલ હોય તો હૃદયની ધમનીઓ ફુલે છે અને અચાનક હુમલો આવે છે.

બોમ્બે હોસ્પિટલના અગ્રણી કાર્ડિયોલોજીસ્ટે ભારતમાં હૃદયરોગના હુમલાનો ભોગ બનેલા પાંચ હજાર દરદીઓનો સર્વગ્રાહી અભ્યાસ કર્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે, હાર્ટ એટેક આવવાની વય ઘટીને ૪૦ વર્ષથી પણ ઓછી થઈ ગઈ છે.

તે જ પ્રમાણે અન્ય દેશની તુલનાએ ભારતમાં હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા ચાર ગણી વધારે છે. અતિ વ્યસ્ત જીવનશૈલી અને માનસિક તાણ હાર્ટ એટેકના મુખ્ય કારણો છે.

પ્રત્યેક વ્યક્તિના મગજમાં વિચારોનો પ્રવાહ ચાલ્યા જ કરે છે અને તે કારણે તાણ વધે છે.રોજબરોજની વાતો હોય કે નિયત ધ્યેય હાંસલ કરવાની યોજના બાબતના વિચારો હોય પણ વિચારોની શ્રૂંખલા અવિરત ચાલ્યા જ કરતી હોવાનું નિષ્ણાતો જણાવે છે. આ પ્રકારના વિચારોને કારણે શરીરમાં એડ્રેનાલાઈન અને નોરએડ્રેનાલાઈન છૂટું પડે છે. આ કારણે વ્યક્તિના હૃદયના ધબકારા વધી જાય છે અને ઉચ્ચ રક્તચાપની તકલીફ થાય છે. વારંવાર ધબકારા વધવાથી કે બ્લડપ્રેશર વધી જવાથી હૃદય પર તાણ પડે છે.

આ ઉપરાંત કોરોનરી આર્ટરી પણ સંકોચાતી જાય છે. વારંવાર આવી સ્થિતિનું નિર્માણ થતાં છેવટે હૃદય બીમાર પડે છે. હાલમાં તો ૩૦ વર્ષથી ઓછી વયના લોકો પણ હૃદયની સમસ્યાથી પીડાતાં જાેવા મળે છે. અને કાર્ડિયોલોજીસ્ટના મતે આનું કારણ અતિ ધૂમ્રપાન અથવા જનીન તત્વો છે.યુવાનોએ ધૂમ્રપાન છોડીને ‘નિયમીત કસરત અને આરોગ્યપ્રદ આહાર’નો મંત્ર અપનાવવો જાેઈએ. જાે કે, યુવાનોએ ત્રીસી પાર કર્યા બાદ સાવધાની રાખવાને બદલે તરુણાવસ્થાથી જ સંભાળ રાખવી જરૂરી છે.

વ્યક્તિની તંદુરસ્તીમાં પરિવાર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તેના વ્યક્તિત્વ વિશેનો ખયાલ આવી જાય છે. કારણ કે આ વયે જ બાળક જીદ, ગુસ્સો કે ચિંતા કરતા શીખે છે.આ દ્વારા તે ભવિષ્યમાં તાણનો સામનો કઈ રીતે કરી શકશે તેનો અંદાજ પણ આવે છે. એટલે બાળકને ઘરમાં તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડો જેથી ભવિષ્યમાં તેની તબિયત ઉપર વિપરીત અસર ન થાય એવી સલાહ કાર્ડિયોલોજીસ્ટો આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.