Western Times News

Gujarati News

સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી મોડેલને સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવશે: રાજયપાલ

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રજીએ પ્રાકૃતિક ખેતી કરતા સુરત જિલ્લાના ખેડુતો અને જિલ્લા નોડલ ઓફિસરો સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા બેઠક યોજી

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રજીએ પ્રાકૃતિક ખેતી કરતા સુરત જિલ્લાના ખેડુતો અને જિલ્લા નોડલ અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય તે માટે બેઠક યોજી સંવાદ કર્યો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે આયોજિત બેઠકમાં રાજયપાલશ્રીએ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સુરત જિલ્લાના ખેડૂતો અને અધિકારીઓ શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા હોવાનું જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પર ભાર મૂકતાં જણાવ્યું કે, સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી મોડેલને સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાને સાકારિત કરી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં સમગ્ર રાજ્યમાં મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે.

 

રાજ્યપાલશ્રીએ વેચાણ વ્યવસ્થા અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે ટાઉન કે ગામ નક્કી કરી ખેડૂતો પોતાના પાકોનું વેચાણ કરી શકે તે માટેની બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે આયોજન કરવામાં આવશે.

વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરતા ખેડુતો પ્રથમ વર્ષે ૮ થી ૧૦ કિવન્ટલ સુધી જીવામૃત, ઘનજીવામૃતના ઉપયોગથી કોઇ નુકસાન નથી. તેનાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે. આ ઉપરાંત રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીક્ષેત્રે આવેલા બદલાવ અંગેની વિગતો આપી હતી.

બેઠકમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોએ પોતાના અનુભવો વર્ણવતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના કારણે ઓર્ગેનિક કાર્બનમાં થયેલ વધારો, શાકભાજીની ઉત્તમ કવોલિટી, પ્રાકૃતિક ખેતી પેદાશોના વધુ ભાવો મળ્યા છે.

આ અવસરે જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન. જી. ગામીતે જણાવ્યું હતું કે, હાલ સુરત જિલ્લામાં ૧૯,૦૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. ૧૨૦ માસ્ટર ટ્રેનર દ્રારા ખેડુતોને ખેતી કરવા માટે તાલીમ આપવામાં આવી રહી હોવાની વિગતો આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, દ. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી કે.એન.ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. કે. વસાવા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન. જી. ગામીત, તથા જિલ્લા-તાલુકાના પ્રાકૃતિક ખેતીના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.