Western Times News

Gujarati News

વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૪મો પદવીદાન સમારોહ યોજાયો

ભારતના નવયુવાનો અમૃત્તપુત્રો છે: દેશની યુવાપેઢીનો ડંકો વિશ્વભરમાં વાગે છે -સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવ છે

Ø  ધર્મ એટલે કર્તવ્યપાલન: જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો, જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે:રાજ્યપાલ  શ્રી આચાર્ય દેવવ્રતજી

Ø  ગળામાં ગીત, હૈયામાં પ્રીત અને ચહેરા પર સ્મિત એ આદર્શ જીવનની ચાવી છે: નાટ્યકાર પદ્મશ્રી યઝદી કરંજીયા

 શૈક્ષણિક, સામાજિક જીવનમાં સમસ્યાઓ નડશે તો જ સફળતા મળશે: હીરા ઉદ્યોગપતિ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા

Ø  ૨૧ ભૂદેવોએ શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ૫૪મા પદવીદાન સમારોહના દીક્ષાંત પ્રવચનમાં ભારતના નવયુવાનોને અમૃત્તપુત્રો ગણાવ્યા હતા. The 54th graduation ceremony of Veer Narmad University was held

તેમણે દેશની યુવાપેઢીનો ડંકો વિશ્વભરમાં વાગે છે એમ જણાવી યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું.

યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ૧૧ વિદ્યાશાખાઓના ૮૮ અભ્યાસક્રમોના ૨૮,૯૪૯ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૬૩ પીએચ.ડી. તથા ૬ એમ.ફિલ. ધારકોને પદવીઓ એનાયત થઈ હતી.

સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ૧૧ ભૂદેવોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને તેત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

રાજ્યપાલશ્રીએ પ્રાચીન ગુરૂકુલ શિક્ષા પદ્ધતિમાં  દીક્ષાંત સમયે ગુરૂજનો દ્વારા આપવામાં આવતા ઉપદેશનો ઉલ્લેખ કરી વધુમાં જણાવ્યું કે, પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ પ્રકૃતિની ગોદમાં શિષ્યોને શિક્ષણ આપી જીવનના પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવી તેમના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતન કરતા અને શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘સત્યંવદ, ધર્મં ચર અને સ્વાધ્યાયાન્મા પ્રમદ:’-

સત્ય બોલવા, ધર્મનું આચરણ અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. પદવીપ્રાપ્તિ કરનારા વિદ્યાર્થીઓ સત્યના માર્ગ પર પોતાના કર્તવ્યધર્મનું પાલન કરે. સતત અભ્યાસરત રહે, એટલું જ નહી પોતાની જ્ઞાનસંપદાથી અન્યને પણ સમુદ્ધ કરે એમ જણાવી તેમણે યુવાનોને માતા પિતા અને ગુરૂજનોને દેવતુલ્ય ગણી તેમનો આદર કરવાની શીખ પણ આપી હતી.

રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતાં જણાવ્યું હતું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે.

ગુજરાતની ભૂમિ બહુરત્ના છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, ગુજરાતની ધરતી સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાન પુરૂષોની ભૂમિ છે. દેશને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ધરતીના સંતાન છે.

તેમણે વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું કે, જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો, જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજયપાલશ્રીએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સુવર્ણપદક મેળવનારા વિદ્યાર્થીઓની ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

પરાપૂર્વથી ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના ભારત સાથે વણાયેલી છે. એટલે જ કોરોનાકાળનો મક્કમપણે મુકાબલો કરી ભારતે વેક્સિનને જરૂર ધરાવતા દેશો સુધી પહોંચાડી છે. સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવ છે. અધિકારો માટે સૌ લડે છે, પરંતુ કર્તવ્યપાલનથી સૌ દૂર ભાગે છે. કર્તવ્યથી દૂર ભાગતા લોકોની માનસિકતા બદલવાની આવશ્યકતા છે એવો મત રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.

પ્રારંભે યુનિ.ના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ સંસ્કૃત ભાષામાં ઉદ્દબોધન કરતાં જણાવ્યું કે, યુનિવર્સિટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શાળા-કોલેજ અને યુનિવર્સિટીના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નીકળી કારકિર્દીની પડકારજનક સફર તરફ આગળ વધવા માટે સજ્જ બનવાની સાથે તેમણે ઉપસ્થિત યુવાધનને નવા પડકારોનો સામનો કરીને સમાજ-દેશના હિત કાજે લક્ષ્યને હાંસલ કરવાની શીખ આપી હતી.

૨,૩૧,૮૫૮ વિદ્યાર્થીઓના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં દેશમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. જેમાં ૧,૫૫,૮૪૫ વિદ્યાર્થીઓએ આઈડી બન્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ  લિખિત શુભેચ્છા સંદેશ પાઠવી પદવી મેળવનાર યુવા છાત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી. પદવીદાન સમારોહના પૂર્ણાહુતિ સમયે સામૂહિક વૈદિક રાષ્ટ્રગાનથી થઈ હતી. આ પ્રસંગે કુલસચિવશ્રી આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિખ્યાત નાટ્યકાર પદ્મશ્રી યઝદી કરંજીયાએ પ્રેરક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, ગળામાં ગીત, હૈયામાં પ્રીત અને ચહેરા પર સ્મિત એ આદર્શ જીવનની ચાવી છે. જીવનમાં હંમેશા સમયનો સદુપયોગ કરવો, માતા-પિતાનો આદર કરવો અને સદાય હસતા રહેવું. સોશિયલ મીડિયા, ડિજિટલ ટેકનોલોજી તમને માહિતી જરૂર આપશે, પણ સાચો પ્રેમ, હુંફ, જ્ઞાન અને સંસ્કાર શિક્ષકો-ગુરૂજનો અને માતાપિતા જ આપશે.

તેમણે કહ્યું કે, ‘માત્ર બે પૂંઠા વચ્ચેના કાગળો એ પુસ્તક નથી, પણ કોઈનું મન, હૃદય, ચહેરો વાંચવો અને કંઈ પણ વાંચી શકાય તે પુસ્તક છે. એટલે જ આંખો અને હ્રદય ખુલ્લા રાખી આસપાસની ગતિવિધિઓ, સમાજ અને માણસોને વાંચતા રહેવું. દેશની પ્રગતિના મૂળમાં પ્રજા હોય છે. દેશની પ્રગતિને પ્રજા પોતાની પ્રગતિ સમજે તો ભારતને ઉચ્ચ શિખરે પહોંચતા કોઈપણ તાકાત રોકી નહી શકે.

પ્રસિદ્ધ હીરા ઉદ્યોગપતિ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ પ્રેરક પ્રવચન કરતાં જણાવ્યું કે, જો શૈક્ષણિક, સામાજિક જીવનમાં સમસ્યાઓ નડશે તો જ સફળતા મળશે. તેમણે માતાએ બાળપણમાં આપેલી ‘સારો માણસ બનજે, મોટો માણસ બનજે અને પૈસાપાત્ર બનજે’ એ ત્રણ સૂત્રોની શીખનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ ત્રણ સૂત્રો જીવનભરનો સાર છે.

તેમણે પોતાની આજ સુધીની જિંદગી જીવવામાં મદદરૂપ બનેલા અને સફળતા અપાવનાર પાંચ વાક્યો- ‘આઈ એમ ધ બેસ્ટ’, ‘આઈ કેન ડુ ઈટ’, ‘ગોડ ઈઝ ઓલવેઝ વીથ મી’, ‘આઈ એમ ધ વિનર’, ‘ટુડે ઇઝ માય ડે’ ને જીવનમાં આત્મસાત કરવામાં આવે તો સફળતા તમારા કદ ચૂમશે એમ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓએ એક કોચલામાં ન રહેતાં મલ્ટીટેલેન્ટેડ બની બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા તેમજ શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવા શ્રી ધોળકિયાએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કુલસચિવશ્રી આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.