Western Times News

Gujarati News

બહુચરાજી મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે: પ્રથમ તબક્કામાં ૨૦ કરોડની ફાળવણી

The peak height of Bahucharaji temple will be 71.5 feet

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે.

જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે.

તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.