Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાલનપુર ખાતે નિવાસી અધિક કલેકટરના હસ્તે લાડલી ગિફ્ટ યોજનામાં ૭ દિકરીઓને રૂ. ૨૫-૨૫ હજારની ભેટ અપાઇ

મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને દાતાઓના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતાં નિવાસી અધિક કલેકટર આર.એન.પંડ્યા

(માહિતી બ્યુરો, પાલનપુર) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા કલાનિધિ ટ્રસ્ટ, કાણોદર આયોજીત કાર્યક્રમમાં પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર. એન. પંડ્યાના હસ્તે લાડલી ગિફ્ટ યોજનામાં ૭ દિકરીઓને રૂ. ૨૫- ૨૫ હજારની ફિક્સ ડીપોઝીટની ભેટ આપવામાં આવી હતી. ડૉ. વિક્રમભાઈ એમ. મહેતા મિત્ર વર્તુળ- પરિવાર, મુંબઈના અનુદાનિત ફંડમાંથી છેલ્લાં ૧૨ વર્ષથી નિયમિત પાંચ શ્રેષ્ઠ દિકરીઓને લાડલી ગીફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ ૭ દિકરીઓને અધિક કલેકટરશ્રીના હસ્તે વ્યક્તિગત રૂ. ૨૫,૦૦૦/- ની લાડલી ગિફ્ટની ફિક્સ ડિપોઝીટ અપાઇ હતી તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર નારી રત્નો, જેમાં દાંતા ટ્રાયબલ વિસ્તારમાં મેડીકલ ઓફિસર તરીકે શ્રેષ્ઠ સેવા આપનાર ર્ડા. નિશા ડાભી અને દિકરી વધામણાનું કાર્ય કરનાર અંકિતાબેન મહેશ્વરી તથા શ્રી બેચરભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આદિજાતિ વિસ્તારમાં સિકલસેલ એનિમીયા ધરાવતી બહેનોને પોષણ કીટ આપવામાં આવી હતી. આ સંસ્થામાંથી સૌ પ્રથમવાર એફ.ડી. મેળવનાર દિકરી ધ્રુવી પ્રતિકભાઇ મિસ્ત્રીનું સાફો પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે બનાસકાંઠા નિવાસી અધિક કલેકટરશ્રી આર.એન.પંડ્યાએ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને માન- સન્માન આપવાનો છે. મહિલા ધારે તો શું ન કરી શકે તેના વિવિધ ઉદાહરણો આપતા તેમણે જણાવ્યું કે, દાનવોના સંહાર માટે મા દુર્ગાએ શક્તિનું સ્વરૂપ ધારણ કરી તેમનો નાશ કર્યો હતો. તેમણે મહિલાઓને દુષણો સામે અવાજ ઉઠાવવાનું આહવાન કરતા કહ્યું કે, ઘર, પરિવાર કે સમાજમાં ક્યાંય શોષણ થતું હોય તો મહિલાઓએ અવાજ ઉઠાવવો જાેઇએ.

ભગવાન બુધ્ધે પણ કહ્યું છે કે, આપણા દુઃખોનું મૂળ આપણે પોતે જ છીએ. જાે આપણે આપણી જાતને મદદ કરીશું તો જ બધા લોકો આપણી મદદમાં આવશે. મહિલાઓ પર થતાં અત્યાચારો અને સતામણી અટકાવવા માટે સરકાર દ્વારા ૧૮૧ મહિલા અભ્યમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તેના પર સંપર્ક કરીને પણ મુશ્કેલીના સમયમાં મદદ મેળવી શકાય છે. તેમણે મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર અને દાતાશ્રીઓની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, અંતરીયાળ અને છેવાડાના વિસ્તારમાં રહેતી મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને તેમના પરિવારને લાભ મળે તે માટે કામ કરતી સંસ્થા અને દાતાશ્રીઓને અભિનંદન પાઠવી દાતાશ્રીઓ પણ આવા સેવાકાર્યોમાં ઉદાર હાથે ફાળો આપે છે તેની સરાહના કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers