Western Times News

Gujarati News

Rajkot: નશાકારક કફ સિરપની 13338 બોટલો ઝડપાઈ, એકની ધરપકડ

રાજકોટ, રાજકોટમાં શહેર એસઓજીની ટીમે એક રહેણાંક મકાનમાંથી નશાકારક કફ સીરપની ૧૩૩૩૮ બોટલો ઝડપાઈ હતી. જેમાં એક શખ્સની ધરપકડ કરાઈ છે જ્યારે કચ્છના મેડિકલ સંચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. આદિપુરમાં બસ સ્ટેશન સર્કલ પાછળ રહેતા સમીર ગોસ્વામીએ તેના રાજકોટ રહેતા સાળા મિતેશપરી રાજેશપરી ગોસાઈ (ઉ.વ.૨૯, રહે.શિતલ પાર્ક નજીક હિંમતનગર શેરી નં.૫, રાજકોટ)ને ટ્રાન્સપોર્ટ મારફત માલ મોકલ્યો હતો. મિતેશ અહીં સ્થાનિક ગ્રાહકોને માલની ડિલિવરી કરતો હતો. રૈયા રોડ પર ભાડાના મકાન બે મહિનાથી સીરપનો જથ્થો છુપાવ્યો હતો. જે ૨૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરાયો છે.

આ અંગે એસઓજી સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી સૌરભ તોલંબિયા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયાની સૂચનાથી એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા અને તેમની ટીમ નશાકારક પદાર્થની હેરફેર અટકાવવા કામગીરીમાં હતી. Rajkot: Narcotic cough syrup seized one arrested

દરમિયાન શહેર એસઓજીના એએસઆઇ ડી.બી.ખેરને બાતમી મળી હતી કે રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત પાર્ક શેરી નં.૭માં આવેલ એક મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સીરપની બોટલોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે અને મિતેશ નામનો શખ્સ આ જથ્થાનું બિનઅધિકૃત રીતે વેચાણ કરે છે.

બાતમીના આધારે એસઓજી ટીમે દરોડો પાડતા મકાનના રૂમમાંથી ૧૩૩૩૮ કફ સીરપની બોટલો મળી આવેલ હતી. આ જથ્થાની કિંમત રૂા. ર૩,૦૭,૯૦૦ ગણી કબ્જે કરાઇ હતી.

એફએસએલ અધિકારી વાય.એચ.દવે અને ડ્રગ્સ ઇન્સ્પેકટર તેજલબેન મહેતાએ સ્થળ પર આવી કફ સીરપની બોટલો અંગે ખરાઇ કરી હતી. એસઓજીના પીઆઇએ યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સ્થળ પર હાજર મળી આવેલ મિતેશની પુછપરછ કરતા જાણવા મળેલ કે આ સીરપનો જથ્થો કચ્છના સમીર ગોસ્વામીએ ટ્રાન્સપોર્ટ મારફત મોકલાવ્યો હતો.

પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સમીરના પત્ની મિતેશના મામાના દિકરી હોય એ સંબંધે મિતેશ બનેવી સમીરે મોકલેલા સીરપને ગ્રાહકની ડીલીવરી આપવાનું કાર્ય કરતો હતો. આ કામગીરીમા એસઆઇ વિરમભાઇ ધગલ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, કોન્સ્ટેબલ કિશોરભાઇ ઘુઘલ, મુકેશભાઇ ડાંગર, ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ જાડેજા વગેરે પણ ફરજ પર રહ્યા હતા.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.