Western Times News

Gujarati News

PMOના અધિકારીની ઓળખ આપી કાશ્મીરમાં ફરતો ગુજરાતનો ઠગ ઝબ્બે

શ્રીનગર, આજકાલ જાણે ટ્રેન્ડ બની ગયો છે કે નકલી પોલીસ અધિકારી કે નકલી ઓફિસર કે પછી નકલી એમએલએ બનીને લોકોને ઠગી લેવામાં આવે.

વડોદરામાં દંપતીએ ગાડીઓ ભાડે મૂકવાની લાલચ આપી ૧૫ લોકોને ઠગ્યા

આ દરમિયાન હવે એક અનોખો જ મામલો સામે આવ્યો છે. PMOમાં એડિશનલ સેક્રેટરી તરીકે કાર્યરત હોવાનું જણાવી જમ્મુ-કાશ્મીરમાં પોલીસ પ્રોટેક્શન લઈને ફરતા ગુજરાતના નકલી અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ આરોપીની ઓળખ કિરણ પટેલ તરીકે થઈ હતી.

મામલો એમ છે કે આરોપી કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં પોતે પીએમઓ એટલે કે વડાપ્રધાનના કાર્યાલયથી આવ્યો હોવાનું કહીને સરકારી કર્મચારીઓને છેતર્યા હતા. એટલું જ નહીં અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી. હાલમાં તેની શ્રીનગર પોલીસ દ્વારા કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે.

 

માહિતી અનુસાર કિરણ પટેલ નામના આ ઠગ વ્યક્તિએ પોલીસ પ્રોટેક્શન પણ લઈ લીધું હતું અને તેને ફાઈવ સ્ટાર હોટલના રૂમની બહાર પણ પોલીસ ઊભી રખાઈ હતી. કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તેણે શ્રીનગરના લાલચોકની તથા ગુલમર્ગની પણ મુલાકાત લીધી હતી.

જમ્મુ-કાશ્મીર CIDના ઈનપુટના આધારે શ્રીનગર પોલીસને કિરણ પટેલ (Kiran Patel) નકલી અધિકારી હોવાની જાણ થઈ અને તેમણે હોટલમાંથી જ તેની ધરપકડ કરી લીધી હતી. આટલી મોટી બેદરકારી સામે આવતા હવે હાઈ-લેવલની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ બાબત એ છે કે કિરણ પટેલ અગાઉ અમદાવાદમાં છેતરપિંડીના આક્ષેપો થઈ ચૂક્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે, કિરણ પટેલ ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતો. તેની ધરપકડ કરવામાં આવે તે પહેલા તેણે ઉરીની કમાન પોસ્ટથી, એલઓસીની નજીક, શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો હતો.

શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, તેણે સરકારી મેજબાનીની મજા માણી, તેને પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) અને લક્ઝરી હોટેલમાં રૂમમાં અપાયો હતો. હવે તેની સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લેવાયો છે.

પુલવામાના ડેપ્યુટી કમિશનર બશીર ઉલ હક અને પોલીસ અધિક્ષક ઝુલ્ફીકાર આઝાદની જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કે કથિત વ્યકિતને સમયસર કેવી રીતે પકડવામાં આવ્યો ન હતો. સૂત્રો મુજબ ગુજરાત પોલીસની એક ટીમ પણ તપાસમાં જાેડાઈ હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસ આ ઘટના અંગે મૌન છે.

પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓને તેની જાણ થાય તે પહેલા સીઆઈડી શાખાએ જ આ ભેજાબાજને શોધી કાઢ્યો હતો. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.