Western Times News

Gujarati News

ગુજરાતમાં 4 લાખ કરતા વધુ મકાનો ઉપર સોલાર સીસ્ટમ ઈન્સ્ટોલ કરવા સબસીડી અપાઈ

પ્રતિકાત્મક

કલાઇમેટ ચેન્જ વિભાગની વર્ષ ૨૦૨૩-૨૪ની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચા અન્‍વયે  શ્રી મુળુભાઇ બેરા મંત્રી (કલાઇમેટ ચેન્જ)નું પ્રવચન

આજે હું મારા કલાઇમેટ ચેન્જ વિભાગની વર્ષ ર૦ર૩ -ર૪  માટેની અંદાજપત્રીય માંગણી ક્રમાંક:૧૦૭ હેઠળ મહેસુલી સદરે રૂ.૧ કરોડ ૯૪ લાખ ૧૨ હજાર લઇને ગૃહ સમક્ષ ઉપસ્થિત થયો છું.

માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કલાઇમેટ ચેન્જ અંગેની વૈશ્વિક સમસ્યાઓને નિવારવા કટીબધ્ધ છે તે આપના મારફત ગૃહને જણાવવા માંગુ છું. આગામી વર્ષના અંદાજપત્રીય જોગવાઇઓ ગુજરાત રાજયના કલાઇમેટ ચેન્જ પરત્વેના સંવેદનશીલ અભિગમને વધુ એક કદમ આગળ ધપાવશે તેવો મને વિશ્વાસ છે.

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતનાં  માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી ભર્યા અભિગમથી તેઓ જયારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે વર્ષ ર૦૦૯ માં કલાઇમેટ ચેન્જ માટે એક અલાયદા વિભાગ ની સ્થાપના કરી ગુજરાતને માત્ર ભારત દેશમાં જ નહિ પરંતુ સમગ્ર એશિયાખંડમાં કલાઇમેટ ચેન્જ વિભાગ સ્થાપવાની પ્રથમ સિધ્ધિ અપાવી છે.

તાજેતરમાં નીતિ આયોગ ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોના સ્ટેટ ક્લાઇમેટ એન્ડ એનર્જી ઇન્ડેક્ષમાં ગુજરાત રાજ્યએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે જે ગૃહને જણાવતા આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું.

આપણા દીર્ઘ દૃષ્ટા વડાપ્રધાન નરેદ્રભાઇ મોદી દ્વારા આપેલ પંચામૃત સંકલ્પોને  સ્વીકારીને ગુજરાતે પુનઃ પ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વધારવાનો સંકલ્પ કરેલ છે.

આપણા રાજ્યમાં મકાનો ઉપર ૨૩૬૬થી વધારે મેગાવોટ ક્ષમતાના સૌર ઉર્જા પ્લાન્ટ બેસાડેલ છે. ૪ લાખ કરતા વધુ રહેણાંક મકાનો ઉપર સોલાર સીસ્ટમ બેસાડવા લાભાર્થીઓને સહાય ચુકવેલ છે, તથા આગામી વર્ષમાં ૧ લાખથી વધારે લાભાર્થીઓને સોલાર સીસ્ટમ બેસાડવા માટે સબસીડી ચુકવવાનું આયોજન છે.

નવીન અને પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન પુરૂ પાડવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે, ત્યારે પવન ઉર્જાનીતિ હેઠળ રાજ્યની કુલ પવન વિદ્યુત ઉત્પાદન ક્ષમતા ૯૭૬૪ મેગાવોટ થાય છે જે સમગ્ર દેશમા દ્વિતિય ક્રમે છે.

ગૃહને જણાવતા મને આનંદ થાય છે કે, રાજ્યની પુનઃ પ્રાપ્ય ઉર્જાની કુલ સ્થાપિત ક્ષમતા ૧૯ હજાર મેગાવોટ થયેલ છે. જે દેશમાં હાલમાં બીજા ક્રમે રહેલ છે.

બેટરી સંચાલિત વાહનોની ખરીદી માટે પ્રોત્સાહન આપવું અને ૧૦ હજાર વિદ્યાર્થીઓ બેટરી આધારીત દ્વિ-ચક્રી ખરીદે તો  સહાય આપવા માટે રૂ.૧૨ કરોડની જોગવાઇ કરેલ છે.

સુધારેલ સ્મશાન ભટ્ઠી દ્વારા 5900 જેટલી સુધારેલ સ્મશાન ભટ્ઠી બેસાડેલ છે અને આગામી વર્ષમાં વધુ ૧૨૦૦ જેટલી ગ્રામ પંચાયતના સ્મશાન ગૃહમાં સુધારે સ્મશાન ભટ્ઠી માટે રૂ.૭ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે અને આગામી ૫ વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

સરકારી શાળા, કોલેજો, હોસ્પિટલોના મકાન પર સોલાર રૂફટોપ સ્થાપિત કરી ૮ મેગાવોટની ક્ષમતા ઉભી કરવા રૂ.૩૮ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. આગામી વર્ષમાં ૫૦ ગૌશાળા તથા અન્ય સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે રૂ.૬ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

તાજેતરમાં એકતા નગર ખાતેથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મિશન લાઇફ (લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ) કાર્યકરમનું ગ્લોબલ લોંચીંગ કરી સમગ્ર વિશ્વને એક નવી રાહ ચીંધી છે. મીશન લાઇફની અમલવારી માટે રૂ.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે તેમજ ગાંધીનગર શહેરમાં સરકારી ઇમારતો પર પી.પી.પી. પ્રોજેક્ટ માટે રૂ.૨.૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

પંચામૃત સંકલ્પો પૈકી ભારતમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્થાપિત કરવાનું આયોજન છે. તેને અનુરૂપ ગુજરાત રાજય માટે ૨૦૩૦ સુધીના પુનઃપ્રાપ્ય ઉર્જા લક્ષ્યાંકો નક્કી કરવાની વ્યૂહરચના બનાવવાનું આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.