Western Times News

Gujarati News

2014માં માત્ર 4 જ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ હતાં, જે આજે વધીને 107 થયાં

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ચતુર્થ પદવીદાન સમારોહ યોજાયો: ૩૧૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

શિક્ષણનો ઉદ્દેશ માત્ર કારકિર્દી જ ઘડવાનો નહિ, પરંતુ સંપૂર્ણ માનવી બનવાનો છે.-નવી શિક્ષણ નીતિ-૨૦૨૦માં આજના યુવાનને ‘ગ્લોબલ સિટિઝન’ બનાવવાની વિભાવના છે.

દેશના ૪૪ ટકા સ્ટાર્ટઅપ્સની મહિલાઓ દ્વારા તેમજ ૪૫ ટકા સ્ટાર્ટઅપ્સની નાના શહેરોમાંથી શરૂઆત થઈ છે.

ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર તથા સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિ

આજે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, GNLU ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો (Kendriya Vidyalaya convocation) ચતુર્થ પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં ૩૧૮ વિદ્યાર્થીઓને કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર તથા સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દીક્ષાર્થીઓને આહવાન  કરતાં કહ્યું કે, ‘મારા માટે ભારત સર્વપ્રથમ અને વિશ્વમાં ભારત સર્વપ્રથમ’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરજો. દીક્ષાર્થીઓની વર્ષ ૨૦૨૨ની આ બેચ અમૃત મહોત્સવની બેચ તરીકે ઓળખાશે,

જે આઝાદીના અમૃતકાળ દરમિયાન આવનારા ૨૫ વર્ષોમાં વ્યક્તિગત વિકાસની સાથે સાથે સમાજ-રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપશે. દેશે આઝાદીથી ૭૫ વર્ષ સુધીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. નાગરિકો આઝાદી પ્રાપ્તિ પાછળના સંઘર્ષને જાણે અને તેની પાછળના ઉપદેશને સમજે તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ અને આવનારા ૨૫ વર્ષોને અમૃતકાળ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

મંત્રી શ્રી શાહે નવી શિક્ષણ નીતિ વિશે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ-૨૦૨૦માં આજના યુવાનને ‘ગ્લોબલ સિટિઝન’ બનાવવાની વિભાવના રહેલી છે તથા આ નીતિમાં એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ પર વધુ ભાર મૂકાયો છે, જે ભારતના યુવાનને વિશ્વના કોઈપણ મંચ પર ઊભો રહેવા સક્ષમ બનાવશે.

અગાઉની શિક્ષણ નીતિઓ વિવાદોમાં ઘેરાયેલી રહી હતી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નો વિના વિરોધે સમગ્ર દેશે સહર્ષ સ્વીકાર કરી અમલ શરૂ કર્યો છે. વ્યક્તિ પોતાના વિચારોને માતૃભાષા થકી જ સરળતાથી નિર્ણય સુધી પહોંચાડે છે, આથી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તબીબી અને તકનિકી શિક્ષણ પણ માતૃભાષામાં આપવું જોઈએ તથા જરૂર પડ્યે માતૃભાષાના શબ્દકોષને પણ વિસ્તૃત કરવો જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી શ્રી શાહે સ્ટાર્ટઅપ્સ અંગે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં દેશમાં માત્ર ૭૨૪ જેટલા સ્ટાર્ટઅપ્સ હતાં, જે આજે ૭૦ હજારથી પણ વધારે છે. આ ઉપરાંત દેશમાં વર્ષ ૨૦૧૪માં માત્ર ચાર જ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ હતાં, જે આજે વધીને ૧૦૭ થયાં છે. આ ઉપરાંત દેશના કુલ સ્ટાર્ટઅપ્સમાંથી ૪૪ ટકા સ્ટાર્ટઅપ્સ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ ૪૫ ટકા સ્ટાર્ટઅપ્સ ટિયર-૨ અને ટિયર-૩ જેવા નાના શહેરોમાંથી શરૂ થયાં છે. જે રાષ્ટ્રની ઈનોવેશન ક્ષમતા અને સરકારની વિકાસના દરેક તબક્કે મદદની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્ષ ૨૦૧૩-૧૪માં માત્ર ૩,૦૦૦ જેટલી પેટન્ટ માટે અરજીઓ આવતી હતી, જેમાંથી માત્ર ૨૧૧ જ મંજૂર કરવામાં આવતી હતી. જ્યારે આજે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧.૫૦ લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત થાય છે, જેમાંથી ૨૪ હજાર મંજૂર કરવામાં આવી છે, જે પૈકી ૨૩,૭૦૦ જેટલી અરજીઓ તો માત્ર વ્યક્તિગત જ છે.

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ ડૉ. હસમુખ અઢિયાએ દીક્ષાંત ઉપદેશમાં કહ્યું હતું કે, આ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ ‘સારસ્વત ફેસ્ટિવલ’ છે, અહીં વિદ્યાર્થીઓને પોતાની વ્યક્તિગત સિદ્ધિઓ બદલ સન્માનિત કરવાની સાથે સાથે સમાજ અને રાષ્ટ્રની જવાબદારીથી જાગૃત કરવામાં આવે છે.

આ દીક્ષાંત સમારોહમાં ૩૭ પીએચ.ડી., ૧૮ એમ.ફિલ., ૨૨૪ અનુસ્નાતક અને ૩૯ સ્નાતક એમ કુલ ૩૧૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર ૨૨ વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. તેમજ ગુજરાતીમાં એમ.એ.માં પ્રથમ આવનાર વિદ્યાર્થીને કવિ શ્રી પિનાકીન ઠાકોર સુવર્ણચંદ્રક અને અર્થશાસ્ત્રમાં શ્રીમતી  વિદ્યાદેવી અગ્રવાલ સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા.

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી પ્રો. રમા શંકર દુબેએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે,  ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સ્થાયી પરિસરનો શિલાન્યાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ વડોદરા પાસે કુંઢેલા ગામે ૧૦૦ એકર જગ્યામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ પરિસરનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે છે, જ્યાં આગામી શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રાર શ્રી એચ. બી. પટેલ, દીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ તથા વિશ્વવિદ્યાલયના અધ્યાપકો-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.