Western Times News

Gujarati News

ચેઈન સ્નેચિંગના કારણે બાઈક પરથી નીચે પટકાઈ મહિલા

સુરત, રવિવારે NH-૪૮ પર ચેઈન સ્નેચરો દ્વારા નિશાન બનાવવામાં આવેલા ૫૦ વર્ષીય મહિલાને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેઓ કોમામાં સરી પડ્યા છે્‌. તેમના ગળામાં રહેલી ચેઈનને સ્નેચરોએ છીનવી લેવાનો પ્રયાસ કરતાં તેઓ રોડ પર પટકાયા હતા.

નવસારી ગ્રામીણ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ‘આરોપીઓ અને તેમની બાઈકને ઓળખવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યું છે’, તેમ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું. નવસારીના જલાલપોરની શિવગંગા સોસાયટીના રહેવાસી રંજન પાઘડાળ માથામાં વધારે ઈજા થતાં હાલ સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેમની સ્થિતિ ગંભીર છે.

રંજન, જેઓ અમરેલી જિલ્લાના બગસરાના રહેવાસી છે, તેઓ રવિવારે સવારે સુરતથી નવસારી પરત ફરી રહ્યા હતા. તેઓ પતિ મનસુખની બાઈક પાછળ બેઠા હતા, જેઓ વ્યવસાયે રત્નકલાકાર છે.

શનિવારે તેઓ સુરતમાં રહેતા એક સંબંધીના ઘરે ગયા હતા. રવિવારે સવારે આશરે સવા નવ વાગ્યાની આસપાસ તેઓ ધોળા પીપળા ઓવરબ્રિજના સર્વિસ રોડ પર હતા ત્યારે પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેમના ગળામાં રહેતી સોનાની ચેઈન આંચકી હતી.

મનસુખ પાઘડાળે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પત્ની રોડ પર પડી ગયા હતા અને માથા, બંને ઘૂંટણ, પીઠ, સાથળ અને ડોકના ભાગે ગંભીર ઈજા થઈ હતી. શખ્સો સુરતથી જ મહિલાનો પીછો કરી રહ્યા હતા કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તે શોધવાનો પ્રયાસ કરી રહી છે કે શખ્સો કંઈ દિશામાંથી આવ્યા હતા અને કઈ દિશામાં ભાગ્યા હતા.

શહેરમાં ચેઈન અને મોબાઈલ સ્નેચિંગના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. મોબાઈલ સ્નેચિંગના અનેક કિસ્સા બાદ પોલીસે હાલમાં જ શહેરના જનકા માર્કેટમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાંથી જરૂરી દસ્તાવેજાે વગરના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. બે દિવસ પહેલા વડોદરાના પાદરામાં પણ ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી.

અહીં આવેલા હનુમાનજી મંદિરે દર્શન માટે રિક્ષામાં જઈ રહેલા વૃદ્ધાના ગળામાંથી રિક્ષાચાલક અને તેના સાગરિતોએ ચેઈન છીનવી લીધી હતી. બાદમાં તેઓ તેમને રસ્તામાં જ ઉતારીને ફરાર થઈ ગયા હતા.

આગળ ચેકિંગ ચાલી રહ્યું હોવાનું કહીને રિક્ષાચાલકે બીજા માર્ગેથી રિક્ષા ચલાવી હતી. આ દરમિયાન એક શખ્સ પણ તેમા બેસી ગયો હતો. થોડે આગળ જઈને બંનેએ આ કારનામું કર્યું હતું. આ મામલે તેમણે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.