Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ખાણદાણ સહાય યોજના હેઠળ સુરત જિલ્લામાં 47 લાખથી વધુ રકમની સહાય ચુકવાઈ

સહાયનું ધોરણ ૫૦ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરાયું : મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ‘ખાણદાણ સહાય યોજના’ હેઠળ સુરત જિલ્લામાં બે વર્ષ દરમિયાન ૨૨૩૫ લાભાર્થીઓને ૪૭ લાખ રૂપિયાથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખેડૂતહિતલક્ષી સરકારે પશુપાલકોની ચિંતા કરી વિયાણ બાદ ‘ખાણદાણ સહાય યોજના’ વર્ષ ૨૦૨૧- ૨૨થી અમલમાં મૂકી છે. આ યોજનની શરૂઆત સમયે માત્ર દૂધ મંડળીના સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ આપવામાં આવતો હતો અને સહાયનું ધોરણ ૫૦ ટકા હતું.

આ યોજનાનો લાભ રાજ્યના તમામ પશુપાલકો લઈ શકે તેમજ પશુપાલકે સહાય મેળવવા માટે કોઇ પણ જાતનો ફાળો ન આપવો પડે તે માટે આ રાજય સરકારે વર્ષ ૨૦૨૨-૨૩થી આ યોજનાનો લાભ સભાસદ તેમજ બિન સભાસદ એટલે કે રાજ્યના તમામ પશુપાલકોને આપવાનું નક્કી કરવામાં આવ્યુ તેમજ સાથે સાથે સહાયનું ધોરણ પણ ૧૦૦ ટકા કરવામાં આવ્યુ છે એમ મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું.

યોજનાના હેતુઓ સ્પષ્ટ કરતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પશુના વિયાણ બાદ આર્થિક રીતે નબળા હોય એવા પશુપાલકો પશુને યોગ્ય માત્રામાં ખાણદાણ આપી શકતા નથી

જેના કારણે તેમનુ પશુ ક્ષમતા મુજબનું દૂધ આપી ન શકવાના કારણે આવા પશુપાલકને આર્થિક નુકનાસાન થાય છે. પશુપાલકોને આવું આર્થિક નુકસાન ના થાય તેમજ પશુમાં વિયાણ બાદ થતા રોગો અટકાવી શકાય તે માટે ખાણદાણ-સમતોલ આહાર આપવું અત્યંત જરૂરી છે.

યોજના હેઠળ સહાય મેળવવા માટેના ધોરણ તથા જરૂરી દસ્તાવેજો અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પશુઓના વિયાણ પછીના એક માસ સુધીના ધોરણે સહાય આપવામાં આવે છે, જેમાં પશુના શરીર નિભાવ માટે દરરોજ એક કિલોગ્રામ અને દૂધ ઉત્પાદનના ૫૦ ટકા લેખે ચાર કિલોગ્રામ એમ દરરોજ પાંચ કિલોગ્રામ સમતોલ દાણની ખાસ જરૂર છે.

વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના હેઠળ લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિ.ગ્રા. એટલે કે ૩૬૦૦ રૂપિયાનું ખાણદાણ પેટે ૧૦૦ ટકા લેખે સહાય આપવામાં આવે છે.

બારકોડેડ રેશન કાર્ડની નકલ, સરકાર માન્ય ફોટા વાળા ઓળખપત્રની નકલ, પશુ વિયાણ થયા અંગેનું સંબંધિત સરકારી પશુધન નિરિક્ષકનું પ્રમાણપત્ર, સક્ષમ અધિકારીશ્રીના દિવ્યાંગ અંગેના પ્રમાણપત્રની નકલ, અનુ. જાતિ અને અનુ. જનજાતિ પશુપાલકો માટે જાતિનો દાખલો રજૂ કરવો જરૂરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers