Western Times News

Gujarati News

પાણી બચાવવા અને બગાડ અટકાવવા લોકમાનસમાં જાગૃતિ આવે તે અનિવાર્ય: પાણી પુરવઠા મંત્રી 

પ્રતિકાત્મક

જળસંગ્રહ શક્તિમાં વધારો થાય તથા શ્રમિકોને રોજગારી મળે તે આશયથી આયોજિત રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ

·        છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરાયા જેમાં તળાવો ઉંડા કરવાના/નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો સંપન્ન

·        કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફસફાઇના કામો કરવામાં આવેલ છે. જેનાથી ૮૬૧૯૬ લાખ ઘનફુટ જેટલો જળસંગ્રહ શકિતમાં વધારો: ૧૭૭.૭૪ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું છે કે, પાણી બચાવવા અને પાણીનો બગાડ અટકાવવા લોકમાનસમાં જાગૃતિ આવે તે અત્યંત અનિવાર્ય છે ત્યારે રાજ્યમા છેલ્લા પાંચ વર્ષથી જળસંગ્રહ શક્તિમાં વધારો થાય તથા શ્રમિકોને રોજગારી મળે તે આશયથી આયોજિત રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

મંત્રીશ્રીએ આજે ગુજરાત વિધાનસભા ખાતે છેલ્લા દિવસનો આભાર પ્રસ્તાવમાં સહભાગી થતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે તા.૧૭મી ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ થયો છે. જળસંચયના આ કામોથી ચોમાસા દરમિયાન મહત્તમ જળસંગ્રહ થશે તથા ઉપલબ્ધ પાણીનો કરકસરયુકત અને ઉચિત ઉપયોગ કરવા અને જળસંચયના આ ઉમદા અભિયાનમાં સરકાર સાથે જોડાવા માટે સૌને અનુરોધ કર્યો હતો.

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં પાણીની ઉપલબ્‍ધિમાં કુદરતી અસમાનતા છે. મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં ૭૧ ટકા પાણી, ઉત્‍તર ગુજરાતમાં ૧૧ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૧૬ ટકા અને કચ્‍છમાં માત્ર ૨ ટકા પાણીની ઉપલબ્‍ધિ છે.

રાજયમાં કચ્‍છ વિસ્‍તારમાં વાર્ષિક સરેરાશ ૪૦૦ મી.મી., સૌરાષ્‍ટ્રમાં ૪૦૦ થી ૮૦૦ મી.મી. અને અન્‍ય વિસ્‍તારોમાં સરેરાશ ૮૦૦ થી ૨૦૦૦ મી.મી. વરસાદ પડે છે. સાથે સાથે વધતી  જતી વસ્તી, આર્થિક વિકાસ, વધતુ જતું શહેરીકરણ અને લોકોના જીવનધોરણમાં સતત સુધારો થવો વગેરે જેવી બાબતો પાણીનો વપરાશ વધારવામાં એક યા બીજી રીતે કારણભૂત થઇ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, જળસ્ત્રોતનો વિકાસ અને સંરક્ષણ એ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. આ માટે જળસંરક્ષણ, પાણીની સમાન અને કરકસરયુકત વહેંચણી તથા જળસ્ત્રોતમાં વધારો આ ત્રણેય બાબતો પરત્વે સતત વિચારણા અનિવાર્ય બની છે.  આજે આ પૈકી જળસંરક્ષણ માટે સ્થાનિક કક્ષાએ જે તે વિસ્તારના જળસ્ત્રોતો જેવા કે ચેકડેમ, તળાવો, બોરીબંધ વગેરે રીચાર્જ કરવામાં કેટલીક સગવડતાઓ રહેલી છે.

તેમણે ઉમેર્યુ કે, પાણી બચાવવા અને પાણીનો બગાડ અટકાવવા લોકમાનસમાં જાગૃતિ આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાનની શરૂઆત વર્ષ ૨૦૧૮માં ૧ લી મે, એટલે કે, ગુજરાત સ્થાપના દિવસે કરવામાં આવી.

આ જળ અભિયાનને મળેલ બહોળા પ્રતિસાદ તથા ઉત્કૃષ્ટ પરિણામને ધ્યાને લઇ વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨માં કોરોનાની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ વચ્ચે પણ જળ સંગ્રહ શક્તિમાં વધારો થાય તથા શ્રમિકોને રોજગારી મળે તે આશયથી સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંચયમાં વધારો થાય તે માટે મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, અનુશ્રવણ તળાવો, જળાશય તથા ચેકડેમ ડીસિલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની સાફસફાઇ તથા મરામત અને જાળવણી, નદી/ તળાવ/ વોકળા/ કાંસની સાફસફાઇ, નદીઓ પુન:જીવિત કરવી.

પરંપરાગત જળ સ્ત્રોતોના નવિનીકરણના કામો તથા નવા તળાવો તથા ચેકડેમો, વન તળાવો, ખેત-તલાવડી, માટીપાળા, ગેબીયન, કન્ટુર ટ્રેન્ચ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ વગેરે જેવા કામો હાથ ધરવામાં આવે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવેલ છે. જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવેલ છે.

કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફસફાઇના કામો કરવામાં આવેલ છે. જેનાથી ૮૬૧૯૬ લાખ ઘનફુટ જેટલો જળ સંગ્રહશકિતમાં વધારો થયેલ છે તથા ૧૭૭.૭૪ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. સાથો સાથ અન્ય વિકાસના કામોને પણ વેગ મળ્યો છે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં સારો વરસાદ થાય ત્યારે આ અભિયાન હેઠળ થયેલ કામગીરીનો લાભ ચોક્કસ દેખાય છે. આ કામો થકી પાણીના સંગ્રહમાં વધારો થવાથી કૂવાઓમાં તળ ઉંચા આવ્યા છે અને સિંચાઇ વ્યવસ્થા સુદૃઢ થઈ છે. તળાવો, ચેકડેમો વગેરેમાં પાણીનો સંગ્રહ થવાથી સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ હળવી થઇ છે તથા ખેડૂતોને લાભ થયેલ છે. ભૂગર્ભ જળના તળ ઉંચા આવવાથી સિંચાઇ અર્થે થતા વીજ વપરાશમાં ઘટાડો થયો છે.

અભિયાન અંતર્ગત થયેલ ખોદાણના કામો થકી નીકળેલ માટી અને કાંપનો ખેડૂતોના ખેતરમાં તથા જાહેર વિકાસના કામોમાં ઉપયોગ થયેલ છે. ઉપરાંત આ માટે સરકાર દ્વારા રોયલ્ટીમાં માફી પણ આપવામાં આવી છે.

અભિયાન અંતર્ગત જળ સંચયના કામો માટે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, એ.પી.એમ.સી., દૂધ મંડળીઓ તથા રાજ્ય સરકારશ્રીના જાહેર સાહસો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અભિયાન અંતર્ગત લોકભાગીદારીથી કામો કરતી વિવિધ સંસ્થાઓની લાગણી ધ્યાને રાખી ચાલુ વર્ષે લોકભાગીદારીથી થતા માટી/મુરમના ખોદાણના કામો માટેના ભાવ,

જે વર્ષ ૨૦૨૨માં રૂ.૪૦.૦૦ પ્રતિ ઘન મી. હતા, તેમાં વધારો કરી રૂ.૫૨.૦૦ પ્રતિ ઘન મી. કરવામાં આવી છે, જેમાં સરકારશ્રીનો ફાળો ૬૦ ટકા રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જે સંસ્થાઓને સ્વખર્ચે કામો કરવા હોય તેમને સરકાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ તા. ૧૭/૦૨/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૪૦૦૦થી વધુ કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી ૩૦૦૦થી વધુ કામો પ્રગતિમાં છે.

ગુજરાત સરકારની જેમ ભારત સરકારે પણ પાણીનો સંગ્રહ અને પાણીનો બગાડ અટકાવવા માટેના હેતુથી જળ શકિત અભિયાન ૨૦૧૯થી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાં લોકોમાં પાણીના સંરક્ષણ અને સંગ્રહ કરવાની જાગૃતિ ફેલાય તે માટે દરેક જિલ્લામાં જળ શક્તિ કેન્દ્ર ખોલવા અને ગામવાઈઝ વિલેજ માસ્ટર પ્લાન તૈયાર કરવાની જોગવાઈ છે. જે અન્વયે ગુજરાત રાજ્યમાં ૩૧ જિલ્લામાં જળ શકિત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, જેથી સામાન્ય જનતાને જળસ્ત્રોતોને લગતી માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા ૧,૮૬,૬૪૯ ચેકડેમો બનાવવામાં આવેલ છે. જે પૈકી જળ સંપત્તિ વિભાગ દ્વારા ૯૪૦૯૨ નવા ચેકડેમ બનાવવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જળસંપત્તિ વિભાગ દ્વારા ૯૬૬ નાના અને ૩૭૮ મોટા ચેકડેમ પૂર્ણ થયેલ છે. આમ, રાજ્યમાં આવેલ ચેકડેમોથી આશરે ૪,૪૬,૫૦૧ હેકટર વિસ્તારને સીધી અને આડકતરી રીતે સિંચાઈના લાભ મળે છે.

રાજ્ય સરકારે જળસંરક્ષણમાં લોકભાગીદારી વધે તે હેતુથી સુજલામ સુફલામ જળઅભિયાન માં લોકભાગીદારીવાળા કામોને પ્રાધાન્ય આપ્યુ છે. સાથોસાથ રાજયમાં તૂટી ગયેલા ચેકડેમોને રીપેર કરવા માટે તાજેતરમાં ૮૦:૨૦ના ધોરણે સ્વૈચ્છિક સંસ્થાઓને આપવાનું નક્કી કરાયું છે જેથી એક સાથે ચોમાસા પહેલાં વ્યાપક કામગીરી જનભાગીદારીથી થઇ શકે અને ચોમાસામાં વહી જતાં પાણીને રોકી મહત્તમ લાભ લઇ શકાય.

તેમણે ઉમેર્યું કે, દેશના જે ભાગોમાં ભૂગર્ભ જળ સ્તર ઘણું જ નીચે ઉતરી ગયેલુ હોઈ તેવા ભાગોમાં કેન્દ્ર સરકાર દ્વારા અટલ ભુજલ યોજના અંતર્ગત ચેકડેમ, તળાવ ઉંડા કરવા, વોટરશેડ, રીચાર્જ કુવા બનાવવા વગેરે જેવી કામગીરી થકી ભૂગર્ભ જળ સ્તર ઉંચું લાવવા અથવા જળસ્તર નીચે જવાના દરમાં ઘટાડો કરવાનું આયોજન છે.

આ યોજના અંતર્ગત ગામોના વિવિધ સમુદાયની આગેવાની હેઠળ વોટર સિક્યોરીટી પ્લાન તૈયાર કરવાનું આયોજન છે. જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાત વિસ્તારના ૦૬ જીલ્લાના ઓવર એકસ્પ્લોઈટેડ વિસ્તારના ૩૬ તાલુકાઓની ૧૮૭૩ ગ્રામ પંચાયતોના ૨૨૩૬ ગામડાઓમાં અમલમાં મુકવામાં આવ્યા છે.

આમ છેલ્લા ૨૦ વર્ષમાં સરકારે જળ શક્તિના મહત્ત્વને સમજીને જળસંચયને જન શક્તિ સાથે જોડવાનું કાર્ય કર્યું છે. આજે રાજ્યમાં હજારો ચેકડેમો, બોરી બંધો, ખેત તલાવડીઓ, ગામ તળાવ, સીમ તળાવ, જલમંદિર જેવા જળસંચયના કામોને લીધે કરોડો ઘન મીટર પાણીનો સંગ્રહ થયો છે. સૂકા ભઠ્ઠ ખેતરો લીલાછમ થયા છે. આજે ગુજરાતને લગભગ ટેન્કર ફ્રી રાજ્ય બનાવી દેવામાં આવ્યું છે.

ધારાસભ્યશ્રી ભગવાનજીભાઇ કરગટીયાએ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું કે,”જળ એ જ જીવન છે” ત્યારે જળસંગ્રહ માટે રાજ્યમાં વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ દરમિયાન ચોમાસા પહેલાં રાજ્યમાં જળ સંગ્રહનો વ્યાપ વધે તે આશયથી રાજયમાં લોકભાગીદારી થકી “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે.

“સુજલામ સુફલામ જળ અભિયાન”ના ફળસ્વરૂપ જળસંચયનો વ્યાપ જોતાં આ અભિયાન અંતર્ગત ૨૦૨૩ના વર્ષની તા.૧૭-૦૨-૨૦૨૩થી જળસંચયના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ઉપલબ્ધ પાણીનો કરકસરયુક્ત અને ઉચિત ઉપયોગ કરવા માટે જળ સંચય અભિયાનને વધુ સક્રિય તથા સફળ બનાવવા સહિયારા પ્રયાસો કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસ્તાવમાં ધારાસભ્યો સર્વશ્રી ભગાભાઈ બારડ, શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રી પ્રવીણભાઈ માળી, અને શ્રી સરદારભાઇ ચૌધરીએ પણ પોતાના વિચારો રજૂ કરી સમર્થન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.