Western Times News

Gujarati News

કેનેડા બોર્ડર પર બોટ ડૂબી જતાં મોતને ભેટેલા ૩ ગુજરાતી મહેસાણાના

બોટમાં સેન્ટ લોરેન્સ નદી ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનને કારણે દુર્ઘટના બનવા પામી હતી

અમદાવાદ,  અમેરિકા-કેનેડા બોર્ડર પર મોતને ભેટેલા આઠ લોકોમાં સામેલ ત્રણ ગુજરાતીઓની ઓળખ થઈ ગઈ છે. આ તમામ લોકો કેનેડાની બોર્ડર ક્રોસ કરી ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય ગુજરાતીઓ ચૌધરી સમાજના છે અને તેઓ મહેસાણા જિલ્લાના માણેકપુરા ગામના હતા.

મૃતકોમાં ૫૦ વર્ષના પ્રવીણ ચૌધરી, તેમની ૨૪ વર્ષની દીકરી વિધિ અને ૨૦ વર્ષનો દીકરો મિત સામેલ છે. જાેકે, કેનેડિયન પોલીસ દ્વારા સત્તાવાર રીતે તેમના નામ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યા. ગુરૂવારે અમેરિકા-કેનેડા બોર્ડર પર સેન્ટ લોરેન્સ નદીમાં જે બોટ પલ્ટી હતી તેમાં સવાર ૮ લોકોના મૃતદેહ રેસ્ક્યુ ટીમને મળ્યા હતા. તે વખતે મૃતકોમાં સામેલ ત્રણ લોકો ભારતીય હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ તેમની ઓળખ પ્રસ્થાપિત નહોતી થઈ શકી.

મૃતકોમાં સામેલ ત્રણ લોકો ગુજરાતી હોવાનું કન્ફર્મ થતાં ગુજરાત પોલીસ પણ આ કેસની તપાસમાં સામેલ થાય તેવી પૂરી શક્યતા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આ મામલે કેનેડિયન પોલીસના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જાન્યુઆરી ૨૦૨૨માં કેનેડા બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસમાં ડિંગુચાના પરિવારનું મોત થયાની ઘટનામાં પણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેટલાક એજન્ટોની ધરપકડ કરી તેમને જેલના હવાલે કર્યા હતા.

એક અંદાજ અનુસાર, ગુજરાતથી દર વર્ષે પાંચેક હજાર લોકો ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળે છે, જેમાંના મોટાભાગના મેક્સિકો બોર્ડર ક્રોસ કરી અમેરિકા જતા હોય છે. ડિંગુચાની ઘટના બાદ વાયા કેનેડા અમેરિકા જતાં લોકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો હતો.

તેવામાં હવે વધુ ત્રણ ગુજરાતીઓના મોત થયા બાદ પોલીસની ભીંસ વધવા છતાંય એજન્ટો કઈ રીતે ઓપરેટ કરી રહ્યા છે તે સવાલ ઉભો થયો છે.ગુજરાતી પરિવાર જે બોટમાં સવાર હતો તેમાં તેમની સાથે બે બાળકો સાથે રોમાનિયન ફેમિલી પણ સવાર હતું, આ ઘટનામાં રોમાનિયન ફેમિલીના પણ તમામ ચાર સભ્યોના કરૂણ મોત થયા છે.

જેમાં ત્રણ વર્ષ અને એક વર્ષના એક-એક બાળકનો પણ સમાવેશ થાય છે. કેનેડિયન પોલીસે આ ઘટનામાં માર્યા ગયેલા રોમાનિયન ફેમિલીની ઓળખ જાહેર કરી દીધી છે. આ ફેમિલી અમેરિકામાં ઘૂસીને ઓર્લેન્ડોમાં રહેતા પોતાના પરિવારજનો પાસે જવાનું હતું.

બીજી તરફ જે ગુજરાતીઓના આ ઘટનામાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે તેઓ ક્યારે ગુજરાતથી નીકળ્યા હતા, અને કયા એજન્ટો મારફતે અમેરિકા જવાના હતા તેની કોઈ વિગતો હજુ સુધી નથી મળી શકી.

કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં કુલ આઠ લોકોના મૃતદેહ મળ્યા છે. ગુરૂવારે સાંજના સમયે આ બોટ ડેમેજ થઈ હતી, અને દલદલમાં ફસાઈ જતાં તેમાં સવાર લોકોના મોત થયા હતા. વળી, આ લોકો જ્યારે બોર્ડર ક્રોસ કરવા નીકળ્યા ત્યારે વાવાઝોડાં જેવી સ્થિતિને કારણે નદીમાં પ્રવાસ કરવો પણ ખૂબ જ જાેખમી હતો. તેમની બોટ પણ એટલી નાની હતી કે તેની કેપેસિટી પણ આઠ લોકોને વહન કરવાની નહોતી.

બોર્ડર એરિયામાં સેન્ટ લોરેન્સ નદીમાં એક બોટ ડૂબી છે તેવા મેસેજ મળતા જ કેનેડિયન ઓથોરિટી દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જાેકે, વાતાવરણ ખરાબ હોવાના કારણે તેમાં વિઘ્ન ઉભું થયું હતું. આખરે ૨૪ કલાકના સર્ચ બાદ રેસ્ક્યુ ટીમને એક પછી એક કુલ આઠ ડેડબોડી મળી આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.