Western Times News

Gujarati News

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેનપદે તેજસ પટેલ બિનહરીફ

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના ચેરમેન પદની ખાલી જગ્યા માટે આજરોજ ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેરમેનપદ માટે ભાજપ દ્વારા તેજસ (જીગાભાઈ) બિપીનભાઈ પટેલને મેન્ડેટ આપ્યો હતો. Tejas Patel unopposed for Chairmanship in The Kheda District Central Co-operative Bank

જેઓની સામે અન્ય કોઈ જ ઉમેદવાર નહીં હોવાથી તેજસ પટેલ ચેરમેનપદે બિનહરીફ વિજયી બન્યા હતા. આમ હવે કેડીસીસીમાં આણંદ જીલ્લાનું પ્રભુત્વ નોંધપાત્ર રીતે વધ્યું હોવાનું જાેવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી સમાન ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક છેલ્લા ૭૪ વર્ષથી કાર્યરત છે. ખેડા, આણંદ અને મહિસાગરના ૨૦ જેટલા તાલુકાઓમાં ૮૪ જેટલી શાખાઓ આ બેંક ધરાવે છે. જેના લગભગ ૯ લાખ જેટલા ખાતેદારો છે.

આશરે બે હજાર કરોડના ટર્નઓવર ધરાવતી આ બેંકની સામાન્ય ચૂંટણી ગત જાન્યુઆરી ૨૦૨૨માં યોજાઈ હતી. ચાર વિભાગની ૨૧ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ચાર ઉમેદવારો બિનહરીફ થયા હતા. જ્યારે ૧૭ બેઠકો માટે મતદાન થયું હતુ. જેના પરિણામ બાદ પ્રથમ વખત કેડીસીસીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો હતો.

જેથી બેંકના ચેરમેનપદે વિપુલભાઈ પટેલ (ડુમરાલ) તથા વાઈસ ચેરમેનપદે રાજેન્દ્રભાઈ પરમાર (ગોલાણા)ની બિનહરીફ વરણી થઈ હતી. ત્યારબાદ ગતવર્ષે અમૂલની ચૂંટણીમાં વિપુલભાઈ પટેલ (ડુમરાલ) ચેરમેન બનતા તેઓએ કેડીસીસીના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું.

જેથી આ ખાલી પડતી જગ્યા માટે કેડીસીસીના સભાખંડમાં ચૂંટણી અધિકારી નડીયાદના પ્રાંત અધિકારી જે એમ ભોરણીયાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ચેરમેન પદ માટે ભાજપ દ્વારા તેજસ પટેલને મેન્ડેટ આપ્યો હતો. જેથી તેઓએ ચેરમેન પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.

અન્ય કોઈ જ ઉમેદવારી પત્ર નહીં ભરાતાં ચૂંટણી અધિકારીએ તેજસ પટેલને ચેરમેનપદે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. કેડીસીસીના ચેરમેન બનતા જ તેજસ પટેલે જણાવ્યું હતું કે ગામડામાં લોકોના ઘરઆંગણે બેંકની સેવાઓ લઇ જવાનો અમારો નિર્ધાર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાર્થક કરવા સહકારી બેંકના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ અને બેંકની સેવાઓ અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચાડવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે બેંકિંગ વ્યવસ્થામાં ખાસ કરીને સહકારી બેંકો ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન હોય છે.

બેંકમાં સહકારથી સમૃદ્ધિના નિર્ધાર સાથે આવેલા પરિવર્તનથી લોકોને સરકારની યોજનાઓના લાભથી વંચિત રાખતી નીતિઓનો અંત આવ્યો છે. બેંકનું કામ લોકોને સર્વિસ પૂરી પાડવાનું છે. ગામડામાં લોકોને ઘેરબેઠાં બેંકની સર્વિસનો લાભ મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે લોકોના ઘરે જઇને ધિરાણ આપવામાં આવશે.

સાથોસાથ આર્થિક રીતે મજબૂત બનાવવા માટે દેશની આર્થિક નીતિઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવશે. સખીમંડળો સ્વાવલંબી બને, ગામડામાં નાના પાયે ઉદ્યોગો શરૂ કરવામાં આવે તો ગામડાઓમાંથી શહેરીકરણ તરફ વળી રહેલા લોકોને ગામમાં જ રોજગારી મળી રહે.

ગ્રાહકોને લોન કે ધિરાણ મેળવવા બેંકમાં આવવું ના પડે અને લોકોના ઘરઆંગણે બેંકની સેવાઓ મળી રહે તે દિશામાં કામ કરવા અમારું બોર્ડ કટિબદ્ધ રહેશે. આજની ચૂંટણીમાં કેડીસીસી બેંકના ડિરેક્ટર્સ, જીએસસી બેંકના પ્રતિનિધિ તરીકે જેઠાભાઇ ભરવાડ,

ગુજરાત ભાજપ સહકારિતા સેલના કન્વીનર બિપિન પટેલ-ગોતા, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટેસ્ટ ઓફ ખેડૂત બન્યાં ચેરમેન

આણંદ જીલ્લામાં સહકારી ક્ષેત્રે નાની ઉંમરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ અને ટેસ્ટ ઓફ ખેડૂતનું સ્લોગન આપનાર તેજસ પટેલ આજે કેડીસીસીના ચેરમેન બન્યાં છે. તેઓ સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં નેતૃત્વ કરે છે. અત્યાર સુધીમાં તેઓ કૃભકો, ગુજકોમાસોલ, અમૂલ, કેડીસીસી, ટોબેકો ગ્રોઅર્સ ફેડરેશન, પેટલાદ બજાર સમિતી, પેટલાદ ખરીદ વેચાણ સંઘ, પીપળાવની સહકારી સંસ્થાઓ વગેરે સાથે તેજસ પટેલ વર્ષોથી સંકળાયેલા છે.

પ્રથમ વખત બંન્ને હોદ્દા
બૃહદ ખેડા જીલ્લામાંથી આણંદ જીલ્લાનું વિભાજન વર્ષ ૧૯૯૭થી થયું છે. એટલે કે ૨૫ વર્ષ બાદ પ્રથમ વખત કેડીસીસીમાં ચેરમેન પદ અને વાઈસ ચેરમેન પદ આણંદ જીલ્લાને મળ્યા છે. વા. ચેરમેન રાજેન્દ્રભાઈ પરમાર છેલ્લા ૧૫ વર્ષથી સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.

તેઓ ૧૦ વર્ષથી ગોલાણા દુધ મંડળીમાં ચેરમેન અને ખંભાત બજાર સમિતીમાં ડિરેક્ટર તરીકે સેવાઓ આપે છે. કેડીસીસીની ગત સામાન્ય ચૂંટણીમાં તેઓ ખંભાત બ્લોક ઉપર બિનહરીફ વિજેતા બની વા.ચેરમેન પદે નિયુક્ત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.