Western Times News

Gujarati News

કર્મચારીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી દુકાનના માલિકે ૩૮ ડમી સિમકાર્ડ ઈશ્યૂ કર્યા

ATSએ આપેલા રિપોર્ટના આધારે તપાસ શરૂ-ડમી સીમની બોલબાલાઃ નોંધણી કોઈના નામે અને વાપરે કોઈ

અમદાવાદ, અમદાવાદ સહિત દેશભરમાં આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનની મોડસ ઓપરેન્ડી પકડાયા બાદ પછી સિમકાર્ડનો ઉપયોગ ટાળવા માટે અનેક ફાયદા સુધારવામાં આવ્યા છે, પણ, બદલાયેલા કાયદામાંથી છીંડા શોધી ડમી સિમકાર્ડના વેચાણ અને ઉપયોગ કરવાના ગોરખધંધા બેરોકટોક ચાલી રહ્યા છે. The shop owner issued 38 dummy SIM cards using employee photographs

ગુજરાત એટીએસની ટીમે ડમી સિમકાર્ડનો ડેટા અમદાવાદ એસઓજીને આપ્યો છે. જેના આધારે ગુરુવારે બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. બંને શખ્સો રૂપિયા કમાવવાની લાલચે તેના જ કર્મચારીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને ૨૮ ડમી સિમકાર્ડ બનાવી દીધાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

બોગસ કોલ સેન્ટર, ક્રિકેટ સટ્ટો, ખંડણી, ધમકી જેવા અનેક ગંભીર પ્રકારના ગુનાને રોકવા માટે ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને સિમકાર્ડ વેચનાર લોકો પર તવાઈ બોલાવી રહી છે. ગુજરાત એટીએસએ કેટલાક શંકાસ્પદ નંબર અમદાવાદ એસઓજીની ટીમને આપ્યા હતા.

જેના આધારે એસઓજીની ટીમે મણિનગરની માહી એન્ટરપ્રાઈઝ નામના કર્મચારી તેમજ માલિક વિરુદ્ધ ચીંટિંગનો ગુનો દાખલ કર્યાે છે. એટીએસએ સિમકાર્ડ અંગેના ઇનપુટ એસઓજી ક્ચેરીને આપ્યા હતા જેમાં સિમકાર્ડ વેચતા પીઓએસ (પોઈન્ટ ઓફ સેલ) ડીટેઈલ આપી હતી.

સિમકાર્ડ વેચતા પીઓએસ અલગ અલગ વ્યક્તિનાં નામે સિમકાર્ડ એક્ટિવ કરવા સીએએફ (કોમન એપ્લિકેશન ફોર્મ) વિગતો ભરતા હતા. સિમકાર્ડ વેચતા લોકો ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને તેની વિગતો સીએએફમાં ભરતા હતા અને બાદમાં તેમના કર્મચારીનો ફોટોગ્રાફ્સ અપલોડ કરીને સિમકાર્ડ ખરીદી લેતા હતા.

માહિતીના આધારે એસઓજીની ટીમે દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચામુંડાકૃપા નિવાસમાં રહેતા અંકિત પરમારની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. અંકિતના ફોટોગ્રાફ્સના આધારે અલગ અલગ નામે સિમકાર્ડ ઇશ્યૂ થઇ ગયાં હતાં. એસઓજીએ અંકિત સમક્ષ હકીકત રજૂ કરી ત્યારે તે પણ ચોંકી ગયો હતો

અને બાદમાં તેણે સમગ્ર હકીકત કહી દીધી હતી. અંકિત વર્ષ ૨૦૧૮માં મણિનગર ક્રોસિંગ પાસે આવેલી માહી એન્ટરપ્રાઈઝ નામના એરટેલના સ્ટોરમાં કોલર તરીકે નોકરી કરતો હતો. અંકિતનું કામ ગ્રાહકોને ફોન કરીને પોસ્ટપેટ કાર્ડ લેવા માટે સમજાવવાનું હતું.

માહી એન્ટરપ્રાઈઝના માલિક રાહુલ ગજ્જર છે. જે પહેલાં જશોદાનગર અને હાલ યુકેમાં રહે છે. સેલેરી ઓછી પડતા અંકિતે વર્ષ ૨૦૨૧માં નોકરી છોડી દીધી હતી જ્યારે છેલ્લાં બે વર્ષથી માહી એન્ટરપ્રાઈઝ બંધ થઇ ગઇ છે.

અંકિતની ઉપર જૈમિન ઠક્કર હતા. જે આખા સ્ટોરના ઈન્ચાર્જ હતા. જ્યારે રાહુલ ફિલ્ડમાં કામ કરતો હતો. રાહુલ ગ્રાહકનો સંપર્ક કરીને સિમકાર્ડ અપાવતો હતો. રાહુલ ઘણી વખત અંકિતનો ફોટોગ્રાફ્સ પાડતો હતો.

જેથી આ મામલે અંકિતે રાહુલને પૂછતાં તે જણાવતો કે કમ્પ્યૂટરમાં એન્ટ્રી કરવા માટે ફોટોગ્રાફ્સ પાડી રહ્યો છે. અંકિતના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને રાહુલ અને જૈમિને ૩૮ ડમી સિમકાર્ડ ઈશ્યૂ કરી લીધાં હતાં.

માહી એન્ટરપ્રાઈઝ સ્ટોરમાં જે ગ્રાહક પોતાનાં આધારકાર્ડ તેમજ ડોક્યુમેન્ટ આપીને સિમકાર્ડ ખરીદતા હતા ત્યારે રાહુલ અને જૈમિન તે ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ડમી સિમકાર્ડ ખરીદી લેતા હતા અને બાદમાં તેને ઊંચા ભાવે વેચી દેતા હતા. કોમન એપ્લિકેશન ફોર્મમાં ગ્રાહકન ડીટેઈલ ભરતા હતા અને ફોટોગ્રાફ્સમાં અંકિતનો ફોટો અપલોડ કરતા હતા.

ફોર્મ ભરાઈ ગયા બાદ ડમી સિમકાર્ડ લઇ લેતા હતા. બંને શાતિરોએ ભેગા થિને અંકિતના ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરીને કુલ ૩૮ સિમકાર્ડ ખરીદી લીધાં હતાં. એસઓજીએ પાકી માહિતીના આધારે જૈમિન અને રાહુલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

એસઓજીના એસીપી બી.સી.સોલંકીએ જણાવ્યું છે કે એટીએસની ટીમે બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને સિમકાર્ડ વેચનાર લોકોની માહિતી આપી છે. જેના આધારે ચારથી વધુ ગુના દાખલ થાય તેવી શક્યતા છે. બુટલેગર, કોલસેન્ટર તેમજ ગુનાખોરીની પ્રવૃત્તિને અંજામ આપવા માટે ડમી સિમકાર્ડના ગોરખધંધા ઘણા સમયથી ચાલી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.