Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જાલોર જિલ્લા જૈન ફેડરેશન અમદાવાદ દ્વારા બિઝનેસ એક્સ્પો અને નેશનલ કન્વેન્શન આયોજિત 

આ બિઝનેસ એક્સ્પોનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.

જાલોર જિલ્લા જૈન ફેડરેશન અમદાવાદ દ્વારા બિઝનેસ એક્સ્પો અને નેશનલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક બિઝનેસ એક્સ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

જેનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. બિઝનેસ એક્સપોમાં 20 પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. આ એક્સ્પોનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેથી બિઝનેસ કરતી ઘરેલુ મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો છે.

અધિવેશનમાં ફેડરેશનના પ્રમુખ જયંતિ લાલ સેઠે ગત વર્ષમાં સમાજના હિતમાં કરેલા કાર્યોની વિગતો આપી હતી અને આગામી વર્ષ માટેના આયોજનો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મહિલા સેલના પ્રમુખ શ્રીમતી નીતુ બોહરાએ ગત વર્ષે મહિલા સેલ દ્વારા કરાયેલી કામગીરી અને આગામી વર્ષ માટેની યોજનાઓ પર પ્રકાશ ફેંક્યો હતો.

વેપારી સેલ અને યુવા સેલના હોદ્દેદારોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આરોગ્ય સેવા સેલના પ્રમુખ અને રાજસ્થાન હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી કાંતિલાલ જી કોઠારીએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. જાલોર જિલ્લા જૈન ફેડરેશન માટે બિલ્ડિંગની જરૂરિયાત અંગે પણ બેઠકમાં સર્વાનુમતે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં પ્રોફેશનલ સેલના પ્રમુખ શ્રી જીતેન્દ્ર સોલંકી દ્વારા ગત વર્ષમાં થયેલી કામગીરી અને આગામી વર્ષ માટેના આયોજનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આભારવિધિ ફેડરેશનના સેક્રેટરી વિનોદ બાફનાએ કરી હતી. બેઠક દરમિયાન સુમેરમલ બોકડિયા, વિનય સોનગરા, જીતેન્દ્ર જૈન, મીઠાલાલ બોહરા, અશોક શાહ, કૈલાશ કાગરેચા, રાજેશ મહેતા, કાંતિલાલ સંઘવી, અરવિંદ શાહ પણ હાજર રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers