Western Times News

Gujarati News

વિરમગામ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ

Viramgam Night Cricket Tournament

એક મહિના સુધી ૭૬ ટીમોના ૯૧૨ ખેલાડીઓ વિજયી બનવાના લક્ષ્યાંક સાથે ઉતરશે મેદાને

 ડોકટરી અને એન્જીનીયરીંગની જેમ રમત-ગમત ક્ષેત્રે પ્રોફેશનલ કારકિર્દી બનાવવાનો વિકલ્પ રાજ્યના વિધાર્થીઓને મળશે

વિરમગામ ખાતે આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા રાજ્યના રમત-ગમત અને ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રમત – ગમત વિભાગ ૨૦૩૬નું ઓલિમ્પિક ગુજરાતમાં યોજાય તે માટે પ્રયાસરત છે.

ખેલકૂદમાં આજે ગુજરાતની છબી બદલાઈ છે. પહેલા ગુજરાતના ખેલાડીઓને ખમણ-ઢોકળા અને થેપલા જેવા નામોથી લોકો બોલાવતા. તેમણે કહ્યું કે, આજે આપણી દીકરીઓ કુસ્તી જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. તેમણે કહ્યું કે, માત્ર ૧૦૦ દિવસમાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું એ આપણા સૌ માટે ગર્વની વાત છે.

શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ડોકટરી અને એન્જીનીયરીંગની જેમ રમત-ગમત ક્ષેત્રે પ્રોફેશનલ કારકિર્દી બનાવવાનો વિકલ્પ રાજ્યના વિધાર્થીઓને મળે તે દિશામાં સરકાર કાર્યરત છે. તેમણે કહ્યું કે, સરકારે અમદાવાદના ૨,૪૨૫ વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી રૂપિયા ૭૫,૦૦૦ હજારની સહાય આપી રમત-ગમતની વિશેષ તાલીમ માટે વ્યવસ્થા કરી છે.

આમ ખેલાડીઓને પ્રોફેશનલ તાલીમ માટે ‘શક્તિદૂત’ યોજના અંતર્ગત લાખો રૂપોયની સહાય આપવામાં આવી રહી છે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ રમતોની તાલીમ માટે શાળાઓ નિર્ધારિત કરાઈ છે. આ શાળાઓને વાર્ષિક ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. એમ તેમણે ઉમેર્યું હતું.

સમગ્ર આયોજનને બિરદાવતા શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વિરમગામ વિધાનસભા વિસ્તારના વિવિધ ક્ષેત્રોના યુવાનોને નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો આ પ્રશંસનીય પ્રયાસ છે. તેમણે કહ્યું કે, ૩ મહિના દરમિયાન વિરમગામના અનેક પ્રશ્નો ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલની રજૂઆતો બાદ સરકારે ઉકેલ્યા છે. આગામી સમયમાં આ વિસ્તારના વિવિધ વિકાસકાર્યો પણ અમે એક ટિમ સ્વરૂપે કરીશું તેવી ખાતરી તેમણે આપી.

નાઈટ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલમહાકુંભ’ જેવા આયોજનો થકી રમત-ગમત પ્રત્યે ગુજરાતના યુવાનોનો અભિગમ બદલાયો છે. વિરમગામના વિકાસ અને સામાજિક સમાનતા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ એક અનોખો પ્રયાસ છે. જેમાં ઉપસ્થિત રહીને યુવાનોનો ઉત્સાહ વધારવા બદલ તેમણે રમત-ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલના પિતા સ્વ. ભરતભાઇ પટેલની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આજના અવસરે વિધાનસભાના દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, પાટડીના ધારાસભ્ય શ્રી પી.કે પરમાર, બહુચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ વિરમગામ તાલુકાના સામાજિક અગ્રણીઓ અને ક્રિકેટપ્રેમી જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.